દિલ્હી મેટ્રોમાં મુસાફરો વચ્ચેના ઝઘડાના વીડિયો વારંવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ક્યારેક સીટ માટે, તો ક્યારેક નાના મતભેદો માટે શરૂ થયેલા ઝઘડા હિંસક બની જાય છે. હવે ફરી એકવાર મરમારીનો વીડિયો સામે આવ્યો છે જેમાં બે મુસાફરો વચ્ચે ભારે મુક્કાબાજી જોવા મળી છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો દિલ્હી મેટ્રોને “WWE રિંગ” કહેતાં મજાક ઉડાવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ વીડિયો દિલ્હી મેટ્રોના એક કોચનો છે. જેમાં બે યુવાન વચ્ચે એક નાની વાતને લઈ ઉગ્ર ઝઘડો થઈ જાય છે. વીડિયોમાં એક ચેક્ડ શર્ટ પહેરેલો યુવક અને બીજો બેગ સાથે ઉભેલો મુસાફર જોવા મળે છે. શરૂઆતમાં બંને વચ્ચે થોડી દલીલ થાય છે પરંતુ થોડી જ ક્ષણોમાં વાત એટલી વધી જાય છે કે ચેક્ડ શર્ટવાળા યુવાને બીજા યુવાનને કોલર પકડીને તેને મુક્કા મારવાનું શરૂ કરી દીધું.
બીજો યુવક પણ પાછળ નથી હટતો. એ તરત જ પ્રતિકાર રૂપે તેને નીચે ધકેલી દે છે અને બંને યુવાનો મેટ્રોના ફ્લોર પર પડીને એકબીજાને મારવા લાગે છે. મુસાફરોમાં ગભરાટ ફેલાઈ જાય છે. કેટલાક મુસાફરો દૂર થઈ જાય છે. જ્યારે કેટલાક તેમને અલગ પાડવાનો પ્રયાસ કરે છે. થોડા સમય બાદ ત્રીજો મુસાફર વચ્ચે આવીને બંનેને અલગ કરે છે. ત્યાર બાદ વાત શાંત થાય છે.
દિલ્હી મેટ્રોમાં આવી ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. ઘણીવાર મુસાફરો વચ્ચે સીટ માટે કે લઘુતમ વિવાદ માટે ઝઘડા થાય છે. પરંતુ આ વારના વીડિયોએ ફરીથી સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે.
વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું “દિલ્હી મેટ્રો હવે ટ્રાન્સપોર્ટ નહીં મનોરંજન ઝોન બની ગઈ છે.” બીજાએ મજાકમાં લખ્યું “મેટ્રો નહીં, સીધું WWE ચાલી રહ્યું છે!” ઘણા યુઝરોએ Delhi Metro Rail Corporation (DMRC)ને ટૅગ કરીને સુરક્ષા વધારવાની માંગ કરી છે.
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી હજી સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે.