દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ગઈ કાલે શુક્રવાર મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. અગ્નિશામક દળે આઠ કલાકની સતત મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. આગનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી પરંતુ શોર્ટ સર્કિટની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઘટના રોહિણી સેક્ટર-5 ના રિઠાલા મેટ્રો સ્ટેશન નજીકની ઝૂંપડપટ્ટીમાં બની હતી. ગત રોજ તા. 8 નવેમ્બર શુક્રવારે રાત્રે લગભગ 10:56 વાગ્યે અચાનક આગ લાગતાં જ સમગ્ર વિસ્તાર ધુમાડાથી ઘેરાઈ ગયો હતો. શરૂઆતમાં ફાયર બ્રિગેડની 10 ગાડીઓ મોકલવામાં આવી હતી પરંતુ આગ ઝડપથી ફેલાતાં વધુ દળો બોલાવવામાં આવ્યા હતા. કુલ 28 ફાયર એન્જિન અને ઘણા વિશિષ્ટ વાહનોને કામગીરીમાં જોડવામાં આવ્યા હતા.
આગ એટલી ભીષણ હતી કે લગભગ 500 ઝૂંપડીઓ પૂરી રીતે રાખ થઈ ગઈ હતી. આગ બુઝાવવા માટે ફાયર ફાઇટરોએ રાતભર કામગીરી ચાલુ રાખી હતી. અંતે શનિવારે સવારે 6:55 વાગ્યે આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો.
મૃત અને ઘાયલની માહિતી
રાહત કામગીરી દરમિયાન મુન્ના (ઉંમર 30) નામના વ્યક્તિનો મૃતદેહ ઝૂંપડીઓમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બીજી બાજુ રાજેશ (30) ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને તાત્કાલિક સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડૉક્ટરોના જણાવ્યા મુજબ રાજેશની હાલત ગંભીર છે.
તપાસ અને કાર્યવાહી
પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. આગનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી પણ શોર્ટ સર્કિટ અથવા રસોઈ માટે વપરાતી ગેસ સિલિન્ડરથી આગ ફેલાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ફોરેન્સિક ટીમે પણ સ્થળ પરથી નમૂનાઓ એકત્ર કર્યા છે.
અગ્નિશામક અધિકારી DCFO એસ.કે. દુઆ સહિતના વરિષ્ઠ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. હાલ ફાયર વિભાગ અને પોલીસ ટીમો ઘટના સ્થળે બચાવ કાર્યમાં લાગી છે. સ્થાનિક રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને આગથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે.
દિલ્હીની આ દુર્ઘટનાએ ફરી એકવાર ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સુરક્ષા અને વીજળીના તારના જાળ વિશેના પ્રશ્નો ઉભા કર્યા છે. આગની તપાસ ચાલુ છે અને અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે બેદરકારી માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.