શુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ અચાનક ખળભળાટ મચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓને આ જાણકારી ઈમેલ દ્વારા મળી હતી. જેને ગંભીરતાથી લેતાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરાઈ હતી. સુરક્ષારૂપે હાઈકોર્ટની જૂની ઇમારત ખાલી કરાવી દેવામાં આવી અને ચાલુ તમામ બેન્ચોને તરત જ મુલતવી રાખવામાં આવી હતી.

માહિતી અનુસાર, આ ઈમેલ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અરુણ ભારદ્વાજને મળ્યો હતો. ઈમેલ મળતાં જ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ અને કોર્ટ પરિસર ખાલી કરાવવા માટે કોર્ટમાં હાજર તમામ કર્મચારીઓ તેમજ વકીલોને તાત્કાલિક બહાર આવવા સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટરૂમમાં હાજર તમામ લોકો ઝડપથી બહાર દોડી ગયા હતા. જેના કારણે થોડીવાર માટે અંધાધૂંધીનું દૃશ્ય સર્જાયું.
સુરક્ષા એજન્સીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ડોગ સ્ક્વોડ સહિત અનેક વિશેષ ટીમોને કોર્ટ પરિસરમાં તપાસ માટે તૈનાત કરવામાં આવી છે. હાલ પરિસર સંપૂર્ણ રીતે ખાલી કરાવાયું છે અને દરેક ખૂણે ચકાસણી કરવામાં આવી રહી છે.
હાઈકોર્ટમાં હાજર ઘણા વકીલોનું કહેવું છે કે અચાનક મળેલી આ જાણકારીને કારણે સૌ કોઈ ચોંકી ગયા હતા. જોકે ઝડપથી સુરક્ષા પગલાં લેવામાં આવતા સૌને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે.

સુરક્ષા એજન્સીઓ હાલમાં ઈમેલનો સ્રોત શોધવા સાથે-સાથે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. પ્રાથમિક તબક્કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી પરંતુ સત્તાવાર નિવેદન માટે તપાસ પૂર્ણ થવાની રાહ જોવી પડશે.
દિલ્હી હાઈકોર્ટમાં બનેલી આ ઘટનાએ એક વખત ફરીથી સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે.