National

દિલ્હી હાટમાં ચાલનાર કમલમ ફળ મહોત્સવનો આજથી શુભારંભ

નવી દિલ્હી: દિલ્હી હાટ (Delhi Haat) ખાતે આજથી બે દિવસ એટલે કે આગામી 16 ઓક્ટોબર દરમિયાન ત્રણ દિવસ ચાલનારા કમલમ (Kamalam) મહોત્સવનું (Festival) આયોજન કરી રહી છે. આ મહોત્સવમાં ગુજરાતના (Gujarat) 30 ખેડૂતો (Farmers) ભાગ લઈ રહ્યા છે. આજે નાફેડના મેનેજીંગ ડાયરેક્ટર રાજવીર સિંહ તેમજ નિવાસી પ્રતિનિધિ આરતી કંવરે ગુજરાત એગ્રો ઈંડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર ડી. કે. પારેખની હાજરીમાં રિબિન કાપીને આ મહોત્સવની શરૂઆત કરાવી હતી. કમલમ (ડ્રેગન ફ્રૂટ) હવેથી દિલ્હી ખાતે નાફેડના વિવિધ સ્ટોરમાં પણ વેચાશે.

કમલમ ફળમોં ખેતી કરનારા ખેડૂતોની સાથે ગ્રાહકો પણ જોડાશે
આ મહોત્સવ કમલમ ફળની ખેતી કરનારા ખેડૂતોને સીધા ગ્રાહકો સાથે જોડશે. આ મંચના માધ્યમથી ગ્રાહકો પોતાની જરૂરિયાત અનુસાર ઉત્પાદક ખેડૂતો પાસેથી કમલમ ફળ અને બીજી વેલ્યુ એડેડ ચીજવસ્તુઓ ખરીદી શકશે. કમલમ ફળ ડ્રેગન ફ્રૂટ, પપૈયાનું ફળના નામે પણ ઓળખાય છે અને તે કેક્ટસ એટલે કે થોર કે તુવેરની થુવેરની પ્રજાતિનું ફળ છે. ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી, 2021માં ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ કરવામાં આવ્યું હતું

ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ખેતી કરવામાં આવે છે
ભારતમાં કમલમ ફળોની ખેતી ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં કરવામાં આવે છે. કમલમ ફળોના ઉત્પાદનમાં ગુજરાત ૩૫% હિસ્સેદારી સાથે સૌથી આગળ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં તેની ખેતી અને ઉત્પાદનમાં રૂચિ ઝડપથી વધી છે. ગુજરાત પહેલાં આ ફળની આયાત કરતું હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને ગુજરાત બીજા ઘણા દેશોમાં કમલમની નિકાસ કરે છે. ગુજરાતના ૨૫ જિલ્લાઓના ખેડૂતો આ ફળનું ઉત્પાદન કરે છે. તેનાથી તેઓની વાર્ષિક આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

PM મોદીએ મન કી બાતમાં ડ્રેગન ફ્રૂટનો ઉલ્લેખ કર્યો હતો
તેના સ્વાદ, પોષણ અને ઔષધીય ગુણોના કારણે કમલમ ફળની માંગ વધી છે. તેના પરિણામે ગુજરાતમાં તેની ખેતી કરનારા ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે. અનુકૂળ પાણી, જમીન, વાતાવરણ અને સરકારની મદદથી ગુજરાત આજે કમલમ ફળનું હબ બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ, 2020માં પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં ગુજરાતના રણવિસ્તાર કચ્છમાં ડ્રેગન ફ્રૂટની ખેતીનો પણ ઉલ્લેખ કરતાં ત્યાંના ખેડૂતોની પ્રશંસા પણ કરી હતી. રાજ્ય સરકાર આ ફળની ખેતી માટે ખેડૂતોને સબસીડી પણ આપે છે. ગુજરાતમાં જૂનથી નવેમ્બર મહિના સુધી તેની લણણીની ઋતુ હોય છે. ગુજરાતમાં કમલમની ખેતીમાં કચ્છ જિલ્લો સૌથી આગળ છે. ગુજરાત સંયુક્ત આરબ અમીરાત, માલદીવ, રશિયા અને ઈંગ્લેન્ડમાં કમલમ ફળોની નિકાસ કરે છે.

કમલમ ફળનાં બીજ વિટામીન-સી અને ફેટી એસિડથી ભરપૂર હોય છે
ગુજરાત સરકાર ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની વધુ તકો ઊભી કરવાના હેતુસર ભારત સરકારની ફ્લેગશીપ યોજના ‘પ્રધાનમંત્રી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટર પ્રાઈઝિસ યોજના’ના માધ્યમથી આ ક્ષેત્રમાંની રાજ્યની યોજનાઓની સાથે મળીને આ ફળમાં વેલ્યુ એડિશનની વિવિધ પ્રક્રિયાઓ માટે પ્રોત્સાહક મદદ આપવાનું વિચારી રહી છે. કમલમ તેના ઔષધીય અને એન્ટી ઓક્સિડન્ટ ગુણો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. કમલમ ફળમાં કેલરી બહુ ઓછી હોવા ઉપરાંત તે આયર્ન, કેલ્શિયમ, ઝિંક, પોટેશિયમ વગેરે પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. તેમાં રહેલ બિટાલેન અને બિટારસાયણના કારણે આ ફળનો રંગ આકર્ષક હોય છે. આ ફળ કેન્સર, ડાયાબિટિઝ, બીપી અને કોલેસ્ટ્રોલ જેવી અનેક બિમારીઓ પર અંકુશ મેળવવામાં મદદ કરે છે. કમલમ ફળનાં બીજ વિટામીન-સી અને ફેટી એસિડથી ભરપૂર હોય છે. પોતાના આ તમામ ગુણોના કારણે કમલમ ફળની માંગ ભારત સહિત દુનિયાભરમાં છે.

કચ્છના કલાકારો કચ્છી સંગીત રજૂ કરશે
કમલમ ફળનાં અનેક વેલ્યુ એડેડ ઉત્પાદનો પણ છે, જેમકે કમલમ ફ્રૂટ કેન્ડીઝ, કમલમ ફ્રૂટ સ્પ્રે, કમલમ ફ્રૂટ એર ફ્રેશનર, કમલમ ફ્રૂટ પરફ્યુમ, કમલમ ફ્રૂટ ફેસવોશ, કમલમ ફ્રૂટ જેલી, કમલમ ફ્રૂટ ચિપ્સ, કમલમ ફ્રૂટ જ્યુસ, કમલમ ફ્રૂટ આઈસ્ક્રીમ વગેરે. કમલમ મહોત્સવ દરમિયાન કચ્છના લોકપ્રિય કલાકારો કચ્છી સંગીત પણ રજૂ કરશે.

Most Popular

To Top