ગાંધીનગર: રાજકારણ માટે એક કહેવત હતી કે દિલ્હી (Delhi) કા રસ્તા યુપી (UP) સે ગુજરતા હૈ, આ કહેવતમાં હવે મહદ અંશે ફેરફાર થવા લાગ્યો છે. હવે તમામ નેતાઓની નજર ગુજરાતની (Gujarat) ચૂંટણી (Election) પર રહે છે. હવે એવું માનવામાં આવે છે કે, 2022ની ગુજરાતની ચૂંટણીનાં પરિણામ 2024ની લોકસભાની ચૂંટણી પર અસર કરશે. જેના પગલે દિલ્હી કા રાસ્તા ગુજરાત સે ગુજરતા હૈ તેવું લોકો માનવા લાગ્યા છે. છેલ્લાં 30 વર્ષનાં પરિણામ પર નજર કરવામાં આવે તો ગુજરાતમાં અનેક રાજકીય પરિવર્તનો સામે આવ્યાં છે. આ દરમિયાન અનેક પક્ષપલટા સામે આવ્યા છે. છેલ્લાં 30 વર્ષના દરમિયાન ગુજરાતમાં ચૂંટણી લડવા આવનાર રાજકીય પક્ષો પર નજર કરવાં આવે તો તેમાં સતત વધારો થઈ રહ્યો છે. 2017 બાદ હવે આપ પણ ગુજરાતના ચૂંટણી જંગમાં છે. જેના પગલે આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.
વર્ષ-1990ની ચૂંટણી
વર્ષ-1990ની ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 26 પક્ષ મેદાને હતા. વર્ષ-1990ની ચૂંટણી પહેલાં ગુજરાતમાં 1985ની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીની રણનીતિ ચાલી હતી અને 182માંથી 149 બેઠક પર કોંગ્રેસ વિજેતા થઈ હતી. ત્યાર બાદ કોંગ્રેસની પડતી શરૂ થવા લાગી. વર્ષ-1990ની ચૂંટણીમાં કુલ અપક્ષ સહિત 26 પક્ષ ચૂંટણીના રણ મેદાને હતા, જેમાં જનતા દળનો જાદુ જોવા મળ્યો હતો. જનતા દળને 70 બેઠક મળી હતી. ભાજપને 67 બેઠક, કોંગ્રેસને 33 બેઠક, યુવા વિકાસ પાર્ટીને 1 બેઠક મળી હતી. જ્યારે અપક્ષને 11 બેઠક મળી હતી.
વર્ષ-1995ની ચૂંટણી
વર્ષ-1990ની ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 27 પક્ષ મેદાને હતા. વર્ષ-1995ની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી ભાજપને 121 બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસને 45 બેઠક અને અપક્ષ 16 ઉમેદવાર ચુંટાઈ આવ્યા હતા.
વર્ષ-1998ની ચૂંટણી
વર્ષ-1998ની ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 19 પક્ષ ચૂંટણીના મેદાનમાં ઊતર્યા હતા, જેમાંથી 117 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા. જ્યારે 53 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા. જનતા દળના 4 ઉમેદવાર ઓલ ઈન્ડિયા રાજપાના 4 ઉમેદવાર વિજેતા થયા હતા.
વર્ષ-2002ની ચૂંટણી
વર્ષ-2022ની ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 21 પક્ષ મેદાને હતા, જેમાં ભાજપને અત્યાર સુધીની સૌથી વધુ બેઠક એટલે કે 127 બેઠક મળી હતી. કોંગ્રેસને 51 બેઠક અને જનતા દળને તથા અપક્ષને 2-2 બેઠક મળી હતી. આ ચૂંટણીમાં જો વોટશેરની વાત કરવામાં આવે તો ભાજપનો વોટશેર 50 ટકા નજીક રહ્યો હતો. ભાજપનો વોટશેર 49.85 ટકા રહ્યો હતો. જ્યારે કોંગ્રેસનો વોટશેર 39.28 ટકા રહ્યો હતો. અને અપક્ષનો વોટશેર 5.72 ટકા રહ્યો હતો.
વર્ષ-2007ની ચૂંટણી
આ ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 40 રાજકીય પક્ષ ચૂંટણી જંગ લડ્યા હતા, જેમાંથી ભાજપને 117, કોંગ્રેસને 59, એનસીપીને 3 બેઠક, અપક્ષને 2 બેઠક તથા જેડીયુને 1 બેઠક મળી હતી.
વર્ષ-2012ની ચૂંટણી
આ ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 40 પક્ષ મેદાને હતા. ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી ભાજપને 115 બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસને 61 બેઠક મળી હતી. સ્વ.કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીને 2 બેઠક મળી હતી. એનસીપીને 2 તથા જેડીયુ અને અપક્ષને 1-1 બેઠક મળી હતી.
વર્ષ-2017ની ચૂંટણી
ગુજરાત વિધાનસભાની વર્ષ-2017ની ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 67 રાજકીય પક્ષો ચૂંટણીના મેદાને ઊતર્યા હતા, જેમાં ભાજપને 99 બેઠક મળી હતી. કોંગ્રેસને 77 બેઠક, બીટીપીને 2 બેઠક, એનસીપીને 1 બેઠક અને અપક્ષને 3 બેઠક મળી હતી.
વર્ષ-2022ની ચૂંટણી શા માટે છે ખાસ
વર્ષ-2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખાસ માનવામાં આવી રહી છે. વર્ષ-2022ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ તથા આપ સહિત સ્થાનિક અને અનેક રાજકીય પક્ષો મેદાને ઊતર્યા છે. ત્યારે આ સાથે હવે 2024ની લોકસભાની ચૂંટણીની પણ તૈયારી માનવામાં આવી રહી છે. 2022ની ચૂંટણીને 2024ની પ્રેક્ટિસ મેચ માનવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વિપક્ષો એક થઈને લડે તો નવાઈ નહીં અને આ માટે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મેદાને ઊતરી છે.
શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા બાયડથી ચૂંટણી લડી રહ્યા છે. હજુ સુધી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા નથી. જો કે, તે જોડાય જાય તેવી ઘડીઓ ગણાઈ રહી છે. અરવિંદ કેજરીવાલ પણ પોતાની પૂરી તાકાત આ ચૂંટણીમાં લગાવી દેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓનું પૂરેપૂરું ફોકસ ગુજરાત પર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હવે ગાંધીનગર કમલમ્ ખાતે મોરચો સંભાળી લીધો છે.