દિલ્હી સરકારે (Delhi Government) વાહન પોલ્યુશન (Pollution) ઘટાડવા માટે ચાલુ કરેલા ટ્રાફિક સિગ્નલના ‘રેડ લાઇટ ઓન ગાડી ઓફ’ અભિયાન અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં જાહેરાતો (ADS) પાછળ અધધધ… રૂપિયા 10.46 કરોડનો ખર્ચો કર્યો હોવાનું એક આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) હેઠળ કરેલી અરજીના જવાબ પરથી જાણવા મળ્યું છે. આ અભિયાનનું ઉદ્ઘાટન ગઈ તા. 16 ઓક્ટોબર 2020ના રોજ કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી ગ્રીન ટ્રાફિક લાઇટ ન થાય ત્યાં સુધી વાહનચાલકોને તેમનાં વાહનો બંધ રાખવા પ્રોત્સાહિત કરાતા હતા.
- આ અભિયાન હેઠળ વર્ષ 2020-2021 દરમિયાન જાહેરાતો પાછળ રૂપિયા 10.46 કરોડ રૂપિયાનું આંધણ કર્યું
- સરકારે નાણાકીય વર્ષ 2021-22માં અત્યાર સુધીમાં પોલ્યુશન સંબંધિત જાહેરાતો પાછળ રૂ.13.6 કરોડ ખર્ચ કર્યો છે.
- સરકારે 2500 સ્વયંસેવકોને 8થી 2 અને 2થી 8 આમ બે પાળીમાં રાખ્યા
દિલ્હી સરકારે આ અભિયાન હેઠળ વર્ષ 2020-2021 દરમિયાન જાહેરાતો પાછળ રૂપિયા 10.46 કરોડ રૂપિયાનું આંધણ કર્યું છે. આ જાણકારી અમિત ગુપ્તા નામના એક સોશિયલ એક્ટિવિસ્ટે કરેલી આરટીઆઈ બાદ મળેલા જવાબમાંથી મળી હતી. દિલ્હી શહેર સરકારની જાહેરાત એજન્સી શબ્દાર્થે કહ્યું હતું કે તેણે વર્ષ 2021-22માં ડ્રાઇવને લગતી જાહેરાતો પર કોઈ ખર્ચ કર્યો નથી. જોકે, તેમણે ઉમેર્યું હતું કે, સરકારે નાણાકીય વર્ષ 2021-22માં અત્યાર સુધીમાં પોલ્યુશન સંબંધિત જાહેરાતો પાછળ રૂ.13.6 કરોડ ખર્ચ કર્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકારે 2500 સ્વયંસેવકોને 8થી 2 અને 2થી 8 આમ બે પાળીમાં રાખ્યા છે. દરેક સ્વયંસેવકને રોજના 700 રૂપિયા ચૂકવવામાં આવે છે. પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન (પીસીઆરએ)ના ડેટા મુજબ જો વાહનચાલકો ટ્રાફિક સિગ્નલ પર પોતાનું વાહનનું એન્જિન બંધ કરે તો પ્રદૂષણમાં 13-20 ટકાનો ઘટાડો થઈ શકે છે.
સરકારના અંદાજ મુજબ, દિલ્હીમાં પીએમ2.5 ઉત્સર્જનમાં પરિવહન ક્ષેત્રનો હિસ્સો 28 ટકા છે. દિલ્હીની હવામાં નાઇટ્રોજન ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનો 80 ટકા હિસ્સો વાહનોનો પણ છે.