નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં (Delhi-NCR) ઉદ્યોગોમાં કોલસા અને અન્ય અપ્રમાણિત ઇંધણના ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય કેન્દ્ર સરકારના એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) દ્વારા લેવામાં આવ્યો છે. થર્મલ પાવર પ્લાન્ટ્સમાં ઓછા સલ્ફર કોલસાના (Coal) ઉપયોગની હજુ પણ પરવાનગી આપવામાં આવી છે. આગામી પાંચ વર્ષમાં દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણને રોકવાના પ્રયાસરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાણકારી મળી આવી છે. જો આ આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેના પાસેથી ભારે દંડ વસૂલ કરવામાં આવશે.
CAQMના અધિકારીઓ પાસેથી જાણકારી મળી આવી છે કે જો આ આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશો તો તે વ્યકિત ઉપર તેમજ તેના એકમો પર ભારે દંડ વસૂલવામાં આવશે. જૂન મહિનામાં જ સમિતિએ 1 જાન્યુઆરી, 2023 થી દિલ્હી-એનસીઆરમાં ઔદ્યોગિક, સ્થાનિક અને પરચુરણ એપ્લિકેશન્સમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના નિર્દેશો જાહેર કર્યા હતા.
CAQM મુજબ, બાયોમાસ બ્રિકેટ્સનો ઉપયોગ ધાર્મિક હેતુઓ અને અગ્નિસંસ્કાર માટે થઈ શકે છે. લાકડા અને વાંસના કોલસાનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ અને ખુલ્લા ભોજનાલયો અથવા ઢાબાઓના ટેન્ડર અને ગ્રીલ માટે કરી શકાય છે. કપડાંને ઇસ્ત્રી કરવા માટે લાકડાના કોલસાનો ઉપયોગ કરવાની છૂટ છે. નેશનલ કેપિટલ રિજન (NCR) માં ઉદ્યોગો દ્વારા વાર્ષિક આશરે 1.7 મિલિયન ટન કોલસાનો ઉપયોગ થાય છે. એકલા છ મુખ્ય ઔદ્યોગિક જિલ્લાઓમાં લગભગ 1.4 મિલિયન ટન કોલસાનો વપરાશ થાય છે.
વાહનોના પ્રદૂષણને ઘટાડવા માટે, કેન્દ્રની એર ક્વોલિટી પેનલે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાને 1 જાન્યુઆરી 2023થી માત્ર CNG અને ઇલેક્ટ્રિક ઓટોની નોંધણી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. CAQM ના નિર્દેશો મુજબ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં ડીઝલ ઓટો 2024 ના અંત સુધીમાં તબક્કાવાર બંધ કરવી પડશે. એનસીઆરના બાકીના વિસ્તારો માટે આ સમયમર્યાદા 2026 ના અંત સુધી છે.