રાજપીપળા: દિલ્હી (Delhi) સંસદ ભવન ખાતે હાલ ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન ભાજપ (BJP) સાંસદ મનસુખ વસાવાએ દેશના આદિવાસી યુવાનાના ઉચ્ચ શિક્ષણનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. એમણે જણાવ્યું હતું કે, ભારત અન્ય વિકસીત દેશોને પાછળ છોડી રહ્યો છે ત્યારે આપણા વિદ્યાર્થીઓ (Student) પૈસાના અભાવે ઉચ્ચ શિક્ષાથી વંચિત રહી જાય છે. દેશના આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મેળવી શકે એ માટે સરકારે અલગથી એક યોજના બનાવવી જોઈએ એવી એમણે માંગ કરી છે.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન ભાજપ સાંસદ મનસુખ વસાવાએ શિક્ષણનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે તમામ સ્વૈચ્છિક અને શૈક્ષણિક કાર્યક્રમોનું સરકાર સંચાલન કરી રહી છે, તે છતાં ઘણા એવા યુવા વિદ્યાર્થીઓ છે, જે પૈસાના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જાય છે. દેશના આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના વિકાસ તથા એમને દેશની મુખ્ય ધારા સાથે જોડવા હોય તો એમને ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ આપવું અતિ આવશ્યક છે. જેથી તેઓ પોતાના વિકાસની સાથે સાથે દેશની ઉન્નતિમાં સહભાગી બની શકે. આજે ભારત દેશ 21મી સદીના દુનિયાના તમામ વિકસીત દેશોને પાછળ છોડી આગળ વધી રહ્યો છે. દેશના આદિવાસી વિસ્તારના યુવાનોને ઉચ્ચ તથા ટેક્નિકલ શિક્ષણ આપી દેશની મુખ્ય ધારા સાથે જોડવા અતિ આવશ્યક છે. મારી એવી રજૂઆત છે કે, દેશના આદિવાસી વિસ્તારના યુવા વિદ્યાર્થીઓને ઉચ્ચ તથા ટેક્નિકલ શિક્ષણ માટે વિશેષ યોજના બનાવવામાં આવે.