National

દિલ્હી: જળ સંકટ મામલે આતિશીનો સત્યાગ્રહ, સુનીતા કેજરીવાલ સાથે કરશે રાજઘાટ તરફ કૂચ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Capital Delhi) હાલ ગંભીર જળસંકટથી (Water crisis) ઝઝૂમી રહી છે. અહીંના લોકો ટીપું ટીપું પાણી માટે કસર કરી રહ્યા છે. ત્યારે દિલ્હી સરકારની મંત્રી આતિશીએ આ પરિસ્થિતીમાં હરિયાણા પાસે દિલ્હીના હકનું પાણી મેળવવા માટે સત્યાગ્રહ (Satyagraha) કરવાનું નક્કી કર્યું હતું. જેના માટે આજે 21 જૂનના દિને આતિશી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ સાથે કૂચ કરશે.

ગઇ કાલે 20 જૂનના રોજ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવેન્યું કોર્ટે 1 લાખના જામીન આપ્યા હતા. ત્યારે આજે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિનના દિવસે તેમની પત્નિ અને પાર્ટીની નેતા આતિશી આનશન (સત્યાગ્રહ) કરવા જઇ રહી છે. આ મામલે આતિશીએ કહ્યું હતું કે તેણી ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સવારે 11 વાગે રાજઘાટ જશે. ત્યાર બાદ પછી બપોરે 12 વાગ્યાથી જંગપુરાની ભોગલ કોલોનીમાં અનિશ્ચિત કાળના ઉપવાસ પર બેસશે.

આતિશીએ કહ્યું હતું કે ઘણી વખત એવો સમય આવે છે જ્યારે કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. તેમજ ગાંધીજીએ સૌને શીખવાડ્યું છે કે આવા સમયમાં સત્ય માટે લડવાનો સત્યાગ્રહ સિવાય બીજો કોઈ રસ્તો નથી. હું ચોક્કસપણે આ લડાઈ દિલ્હીના 28 લાખ લોકો માટે લડીશ.

આતિશીએ કહ્યું કે જળ મંત્રી હોવાના કારણે મેં આ સમસ્યાના ઉકેલ માટે શક્ય તમામ પ્રયાસ કર્યા. મેં હરિયાણાના સીએમ સાથે વાત કરી, પરંતુ હરિયાણા સરકારે પાણી આપ્યું નહીં. મેં હિમાચલ પ્રદેશ સાથે વાત કરી. તેઓ અમને વધારાનું પાણી આપવા પણ તૈયાર હતા, પરંતુ તે પાણી પણ હરિયાણા થઈને દિલ્હી આવવાનું હતું. પરંતુ હરિયાણા સરકાર તેના માટે પણ તૈયાર નહોતી. અમે કેન્દ્ર સરકાર પાસે ગયા. અમારા ધારાસભ્ય જલ શક્તિ મંત્રીને મળવા ગયા હતા. અમારા અધિકારીઓ પણ ચંદીગઢ ગયા અને હરિયાણા સરકારના અધિકારીઓ સાથે બેઠક કરી. પરંતુ તેમ છતા કોઇ ઉકેલ મળ્યો નહીં.

રાષ્ટ્રીય રાજધાનીમાં જળ સંકટને લઈને દિલ્હીના જળ મંત્રી આતિશીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં 21 જૂનથી અનિશ્ચિત કાળ સુધી ઉપવાસ પર જવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેણીએ પીએમ નરેન્દ્ર મોદીને હરિયાણામાંથી પાણી ન મળવાના મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી પણ કરી હતી.

આતિશીએ કહ્યું કે, લોકો માત્ર આકરી ગરમીથી જ નહીં પરંતુ પાણીની તંગીનો પણ સામનો કરી રહ્યા છે. “મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાણીની કટોકટી અંગે પત્ર લખીને સમસ્યાનું નિરાકરણ લાવવા વિનંતી કરી છે. જો બે દિવસમાં કટોકટીનું નિરાકરણ નહીં આવે તો હું 21 જૂનથી અનિશ્ચિત જકાણ સુધી હડતાળ પર જઈશ.”

દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હીને હરિયાણામાંથી યમુનામાં 613 MGD પાણી મળે છે, પરંતુ 18 જૂને આ પાણી માત્ર 513 MGD મળ્યું હતું. ત્યારે દિલ્હીમાં આ 100 MGD પાણીની અછતથી 28 લાખ લોકો પ્રભાવિત થયા હતા. 3 કરોડની વસ્તીવાળા દિલ્હીને માત્ર 1050 MGD પાણી મળે છે જ્યારે 3 કરોડની વસ્તીવાળા હરિયાણાને 6500 MGD પાણી મળે છે.

આ દરમિયાન હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કહ્યું કે, અમે દિલ્હીને પાણી આપી રહ્યા છીએ પરંતુ દિલ્હી સરકાર પાણી વિતરણ વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરી શકી નથી. કેજરીવાલની ભૂલોથી દિલ્હીના લોકો પરેશાન છે.

Most Popular

To Top