National

દિલ્હી: સ્વતંત્રતા દિવસે આતિષી તિરંગો ફરકાવી શકશે નહીં, CM કેજરીવાલની માંગ ફગાવાઇ

નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) AAP મંત્રી આતિષીને (Atishi) સ્વતંત્રતા દિવસના અવસરે તેમના સ્થાને તિરંગો ધ્વજ ફરકાવવા (Flag Hoistig) દેવાની માંગ કરી હતી, જેને સામાન્ય વહીવટ વિભાગે ફગાવી દીધી છે. વિભાગના આ જવાબથી સ્પષ્ટ થાય છે કે ગોપાલ રાયે ધ્વજ ફરકાવવા અંગે લખેલા પત્રનું કોઈ મહત્વ નથી.

વાસ્તવમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા જેલમાંથી બહાર આવ્યા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે મનીષ સિસોદિયા હવે 15મી ઓગસ્ટે ધ્વજ ફરકાવશે. જ્યારે આ પહેલા પણ પોતાની અવેજીમાં ધ્વજ ફરકાવવા માટે અરવિંદ કેજરીવાલે આતિશીનું નામ લીધું હતું. તેમણે આ અંગે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર પણ લખ્યો હતો. ત્યાર બાદ મંત્રી ગોપાલ રાય સાથેની મુલાકાતમાં પણ તેમણે સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો કે 15 ઓગસ્ટે આતિષી જ ધ્વજ ફરકાવશે. તેમજ આ મામલે દિલ્હીના સામાન્ય વહિવટી તંત્રને પત્ર પણ લખ્યો હતો.

ગોપાલરાયના પત્ર બાદ પોતાના જવાબમાં વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના કાર્યક્રમો માટે નિયમો પહેલેથી જ છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. છત્રશાલ સ્ટેડિયમમાં 15 ઓગસ્ટની તૈયારીઓ ચાલી રહી છે. હવે એલજી ઓફિસ નક્કી કરશે કે ધ્વજ કોણ ફરકાવશે અને કોણ નહીં.

ગોપાલ રાયે પત્ર લખ્યો હતો
જણાવી દઈએ કે ગોપાલ રાયે પોતાના પત્રમાં લખ્યું હતું કે તેઓ સીએમ કેજરીવાલને મળ્યા હતા અને સીએમ ઈચ્છે છે કે તેઓ આ વખતે સ્વતંત્રતા દિવસના અવસર તેમની જગ્યાએ તેમની પાર્ટીની મંત્રી આતિશી તિરંગો ઝંડો ફરકાવે. ગોપાલ રાયના આ પત્રને ફગાવતા સામાન્ય વહીવટ વિભાગે કહ્યું હતું કે સીએમ કેજરીવાલ જેલમાંથી કોઈ લેખિત કે મૌખિક આદેશ આપી શકે નહીં. તેથી તેમની આ ઇચ્છા પણ માન્ય રહેશે નહીં. 15 ઓગસ્ટના કાર્યક્રમ અંગે સીએમ ઓફિસને જાણ કરવામાં આવી હતી, ત્યારે જવાબ મળ્યો હતો કે સીએમ હજુ જેલમાં છે.

વિભાગે આ જવાબ આપ્યો છે
સામાન્ય વહીવટ વિભાગે તેના જવાબમાં લખ્યું છે કે અમે દિલ્હીમાં કોણ ધ્વજ ફરકાવશે તે બાબત ઉચ્ચ અધિકારીના ધ્યાન પર લાવી છે. જેથી અમે આ મામલે ઉચ્ચ અધિકારીના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. એટલે કે હવે વિભાગે એલજી ઓફિસને આ અંગે પૂછ્યું છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર એલજી ઓફિસ આ સંબંધમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જે પણ સૂચન આવશે તેને જ સ્વીકારશે. મતલબ કે 15 ઓગસ્ટે દિલ્હીમાં કોણ ધ્વજ ફરકાવશે તે હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય જ નક્કી કરશે.

Most Popular

To Top