નવલકથાના કોઇ અનિશ્ચિત, સાહસિક અને રોમેન્ટિક પાત્રની જેમ દીપક બારડોલીકર જીવન જીવી ગયા. આ તો એમનું તખલ્લુસ છે. સુન્ની વહોરા કોમમાં જન્મેલા દીપકનું અસલ નામ મૂસાજી ઇસનજી હાફિઝજી છે. કવિ, લેખક અને પત્રકાર તરીકે તેઓ મશહૂર છે.
વ્યકિત સ્વતંત્રતાના અને લોકશાહી મૂલ્યોના ચુસ્ત રખેવાળ, સ્વતંત્ર મિજાજ, મજબૂત ખોપરી અને નીડર જીભ તથા કલમ એમના વ્યકિતત્વ સાથે જડાયેલાં હોવાથી તેઓ અન્યાય સામે જીવનભર લડતા જ રહયા. જો કે એમણે પોતે જીવન એવું વીતાવ્યું કે ના તો એમને ભારતે સંઘર્યા, ના તો પાકિસ્તાને સંઘર્યા. છેવટે એમણે ઇંગ્લેન્ડમાં ઠામ માંડયું અને લંડનમાં 93મે વર્ષે ગુજરી ગયા. પણ છેવટ સુધી એમનો ભાવાત્મક નાતો બારડોલી સાથે રહયો. બારડોલીની કોલેજના પ્રોફેસર સંધ્યા ભટ્ટના પરિચયમાં આવ્યા, 2001માં બારડોલીની મુલાકાત લીધી અને સંધ્યાબહેનને એમનો કાવ્યસંગ્રહ ભેટ આપ્યો. દીપકના મૃત્યુ સુધી બંને વચ્ચે સાહિત્યિક સંબંધ પત્રવ્યવહાર દ્વારા ચાલ્યો. સંધ્યાબહેને દીપકભાઇની પ્રવૃત્તિઓ ઉપર લેખ પ્રસિધ્ધ કર્યો અને મૃત્યુ થતાં એમને ભાવભીની શ્રધ્ધાંજલિ આપીને અલવિદા કવિનો ઉદ્ગાર કાઢયો.
દીપકના વ્યકિતત્વને સમજવામાં એમની આત્મકથા ‘ઉછાળા ખાય છે પાણી’ તેમ જ પાકિસ્તાનના મિલિટરી શાસનના સંદર્ભમાં ‘સાંકળોનો સિતમ’ ચાવીરૂપ છે. ભારતમાં 1949 સુધી રહયા, તે દરમિયાન તેઓ કોંગ્રેસ સેવાદળમાંથી મુસ્લિમ લીગ તરફ વળ્યા. 1949માં પાકિસ્તાન ગયા પણ મિલિટરી ડીકટેટર મિયાં ઉલ હકના શાસનકાળ દરમિયાન પાકિસ્તાન સરકારે એમને 1977માં જેલમાં પૂર્યા. કારણ? એમનો સ્વતંત્ર મિજાજ અને ‘ડોન ગુજરાતી’માં પ્રસિધ્ધ થતાં એમના માનવ અધિકારની તરફેણ કરતા એન્ટી ગવર્મેન્ટ લેખો. તેના બે જ વર્ષ પહેલાં 1975માં ભારતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ કટોકટી જાહેર કરીને ‘સાંકળોનો સિતમ’ ગુજાર્યો હતો. દીપકનો આત્મા કકળતો રહયો. એમની એક ગઝલ છે:
‘હજી પણ રોશની છે, આ નગરમાં
હજી પણ આપનો દીપક બળે છે.
છું ‘દીપક’ રોશની ઇમામ મારું
સૂરજ ડૂબ્યો પ્રગટી ચૂકયો છું.’
દીપક અજંપા, અનિશ્ચિતતા અને સાહસનો જીવ હતો. એનું જીવન કૂવાની જેમ બંધિયાર નહીં, પણ ખળખળ વહેતી નદીના પ્રવાહ જેવું હતું. ખરેખર તો દીપક પોતાની જાતને શોધી રહયો હતો. એને માટે એણે શાયરીઓ અને પત્રકારત્વ દ્વારા રાજય અને પ્રજા વચ્ચે સંવાદ રચ્યા જ કર્યો. સુરતના પ્રખ્યાત પત્રકાર અને સાહિત્યકાર ભગવતીકુમારના શબ્દોમાં:પાકિસ્તાનમાં લાખો ગુજરાતી મુસ્લિમો વસે છે. તેમનું સૂત્ર છે, ‘ગુજરાતી બોલો, ગુજરાતી વાંચો, ગુજરાતી લખો’. તેથી આજે પણ પાકિસ્તાનમાં ગુજરાતી ભાષા જીવતી રહી છે અને આ અભિયાનના પ્રાણસમાન અહમદ બતાલી અને દીપક બારડોલીકર છે. કરાંચીથી નીકળતા ‘ડોન (ગુજરાતી)’ અખબારના પત્રકાર તરીકે તેમનું નામ પાકિસ્તાન અને ભારતમાં મશહૂર છે.’
દીપકનો જીવ કોઇ એક ઠેકાણે ઠરીઠામ બેસીને માત્ર ગઝલો લખ્યા કરે અને મુશાયરાઓમાં મહાલે તેવો નહોતો. આ વાત એમણે પોતે અમને 2006માં લંડનમાં કરી હતી. એમણે કહયું હતું: ‘ભારત, પાકિસ્તાન અને બ્રિટનમાં હું ઠરીઠામ બેસી રહયો નથી. હું જો અન્યાય સામે લડવા માટે મારી કલમ ના ચલાવું તો છિન્નભિન્ન થઇ જાઉં. એમણે લખ્યું છે:
‘ઘણા અંગ્રેજ આવ્યા ને હલકુખાન આવ્યા છે
પરંતુ સત્ય પર ફાવી શકયું છે કોણ આ દુનિયામાં?
ઊઠે છે જયાં પીસાયેલી પ્રજા ઇન્સાફ માટે
પછી એ પૂરને ખાળી શકયું છે કોણ આ દુનિયામાં?’
દીપક બારડોલીકર કોઇ એક દેશની સંસ્કૃતિથી અંજાઇ જાય તેવા નહોતા. એમના શબ્દોમાં: ‘હું ત્રણ દેશોમાં વસ્યો છું. કરાંચીથી 22 કિ.મી. દૂર આવેલુ મલીર એ મારું પ્રિય ગામ. અહીં મેં અઠ્ઠાવીસ વર્ષ વિતાવ્યાં. પણ આમ જુઓ તો મારાં ત્રણ ગામ- મલીર, બારડોલી અને માન્ચેસ્ટર. ત્રણેની સંસ્કૃતિ અને રહેણીકરણી જુદી. બારડોલી મારી માતૃભૂમિ ખરી, પણ ત્યાંથી હકાલપટ્ટી થઇ ત્યારે મલીરે મને આશરો આપ્યો હતો.
જો કે દીપકભાઇને પાકિસ્તાની પોલીસના દંડા ખાવા પડયા હતા અને જેલમાં સબડવું પડયું હતું. આ જેલ જીવનનું વર્ણન કરતાં તેઓ લખે છે: ‘જનરલ ઝિયાની પ્રેસ સેન્સરશીપ ભારે કડક હતી. તા. 12.8.1978ના દિવસે પોલીસે મારી ગિરફતારી કરતા કહયું હતું: ”દરવાજા ખોલ, કયા સમજતા હય, તેરી ઐસી કી તૈસી કર દેંગે”. ગાળોનો વરસાદ વરસાવ્યો. તે સમયે હું કામદાર મંડળનો નેતા હોવા ઉપરાંત દૈનિક ‘ડોન-ગુજરાતી’નો સબ એડીટર હતો.’ આવા સંજોગોમાં દીપકને તેનું બારડોલી યાદ આવે છે. એ લખે છે:
‘બારડોલી એ મારો પ્રિય શબ્દ, જેવો કે ‘મા’ ઉચ્ચાર કરતા મોઢું ભરાઇ જાય. ગાંધીજી અને સરદાર પટેલનું એ મુખ્ય થાણું. બારડોલી એટલે સુરત જિલ્લાનો એક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો કસ્બો. અહીં હાફિઝજી મહોલ્લામાં મારા દાદા ઇસપજીએ ઘર વસાવ્યું હતું. હું મારી વિધવા માને મદદ કરવા ખેતરે જતો ને લીલી ચાર વાઢી લાવતો. શિયાળામાં તુવેર તથા વાલની શિંગ પાપડી બને ત્યારે મા ભેગો જતો. હું બારડોલીમાં સરકસ જોવા જતો. શાળામાં ચિત્રકળા શીખ્યો.’
આ વાતની સાથે દીપકે લખ્યા મુજબ તેઓ 1945માં કોંગ્રેસ સેવાદળમાં જોડાયા, પણ પછી થોડા જ મહિનાઓમાં તેઓ મુસ્લિમ લીગના કાર્યકર બન્યા. તેમના શબ્દોમાં લીગની રાજકીય સિધ્ધિઓ માટે અંગ્રેજો નહીં પણ કોંગ્રેસી નેતાઓ જવાબદાર હતા. કોંગ્રેસી આગેવાનોએ જ જિન્ના સાહેબને એક યા બીજા કારણસર લીગના કર્તાહર્તા બનાવી દીધા હતા. કોંગ્રેસી આગેવાનો મુસ્લિમ લીગને એક ફાલતુ સંસ્થા માનતા હતા. તેઓ મુસ્લિમ મિજાજને પારખવામાં થાપ ખાઇ ગયા હતા. તેઓ જિન્નાહ સાહેબની શકિતઓની આંકણી કરવામાં ખોટા હતા.
આ વિચારસરણી તે સમયે પ્રવર્તતા હિંદુ-મુસ્લિમ કોમવાદમાંથી જન્મી હતી. દીપકભાઇનું લખાણ તે સમયના તેમ જ આજના કોમી માહોલને સમજવામાં મદદરૂપ છે. મૂસાજી ઇસપજી હાફિઝજી સ્વતંત્ર હિન્દુસ્તાનમાં રહેવાને બદલે કયાં કારણોસર પાકિસ્તાન જતા રહયા તે આ લખાણ ઉપરથી સમજાય છે. નીડર પત્રકારે પાકિસ્તાનમાં જેલ ભોગવી અને ઇન્ડિયા યાદ આવ્યું. આવી હેમ્લેટ જેવી ‘ટુ બી ઓર નોટ ટુ બી’ની મનોવૃત્તિ ધરાવતાં મૂસાજીને ના તો પાકિસ્તાને સંઘર્યા કે ના ભારતે. તેમની સ્થિતિ ત્રિશંકુ જેવી થઇ. તેઓ વીઝા લઇને હિંદમાં રહેવા આવ્યા. નવસારી, સુરત, ભરૂચ અને બીલીમોરામાં યોજાયેલા મુશાયરાઓમાં શાયરીઓ દ્વારા છવાઇ ગયા. વળી એમણે દિલ બહેલાવવા સુરતની ટોકીઝમાં ‘અનમોલ ઘડી’ ફિલ્મ પણ જોઇ. એમાં સુરૈયા, નૂરજહાં અને સુરેન્દ્રની ભૂમિકા હતી. કવિ હૃદયના મૂસાજી તો આ ફિલ્મ જોઇને ખુશખુશ થઇ ગયા અને સુરૈયાનું શબ્દચિત્ર દોર્યું. ‘સુરૈયા જવાન હતી. ઉજળો વાન, બર્મીઝ ચહેરો, બોલતી આંખો ને સુડોળ શરીર. લચક ગજબની હતી. તેના રસીલા હોઠો ઉપર સ્મિત રંગીન ચકલીઓની જેમ ફુર્રક ફુર્રક કર્યા કરતું હતું.’
પણ આવું બધું ફુર્રક ફુર્રક તો શેરશાયરીઓમાં અને સાહિત્યમાં શોભે. રીયાલીટી કાંઇ ઓ જ હતી. તેની સમજ મૂસાજીને પડી નહીં. વીઝાનો સમય પૂરો થયા પછી પણ આ પાકિસ્તાની નાગરિક ભારતમાં ઘણું રહયો. તેથી ગૃહખાતાએ એમને ડીપોર્ટ કર્યા. મૂસાજીનાં મંતવ્ય મુજબ: ‘ભૂલ મારી ય હતી. પણ જાગીરદારો અને તેમના ઇલાકામાંથી જેવી રીતે નિરાધારોને ઉખેડી ફગાવી દે છે તેવી રીતે રાજકીય ઝનૂને મને મારી માતૃભૂમિમાંથી ઉખેડી નાંખ્યો.’ પણ તેઓ જેવા પાકિસ્તાનની બોર્ડર પહોંચ્યા કે તરત પાકિસ્તાનના ઇમિગ્રેશન ઓફિસરોએ કહયું: ‘તમે પાકિસ્તાનના નહીં હિન્દુસ્તાનના નાગરિક છો.’ તેથી આ ગુજરાતી શાયર પાછા હિન્દુસ્તાનની બોર્ડર પર આવ્યા. હિન્દુસ્તાનના પોલીસોએ એમને પાકિસ્તાનના પોલીસોની જેમ જ લાતો મારી. છેવટે દીપકભાઇની પોતાની મરજી મુજબ તેમના ભાગ્યમાં પાકિસ્તાનમાં રહેવાનું થયું. વચમાં તેઓ બારડોલીમાં આવ-જા કરતા હતા. 1968માં જયારે એમનાં માતા બારડોલીમાં મૃત્યુ પામ્યાં ત્યારે દીપકભાઇ પાકિસ્તાન હતા. એમણે શાયરી દ્વારા દુ:ખ ઠાલવ્યું, પણ શું થાય?!
‘માની છાયામાં હું લીલોછમ હતો
હર્ષનો અવસર હતો, સરગમ હતો
મા વિનાની જિંદગી ધૂળ છે
જયાં નજર નાખું ત્યાં શૂળ જ છે.’
દીપક બારડોલીકર ના પૂરા ભારતીય બની શકયા ના પાકિસ્તાની. છેવટે દીપકભાઇ 1990માં બ્રિટન ગયા, ત્યાંના નાગરિક બન્યા, ત્યાં પાકિસ્તાનની જેમ શેરશાયરીઓની ધૂમ મચાવી, લંડનથી પ્રસિધ્ધ થતાં ગુજરાતી ભાષાના માસિક ‘ઓપિનિયન’માં લેખો લખ્યા. આત્મકથા ‘ઉછાળા ખાય છે પાણી’ તથા ‘સાંકળોનો સિતમ’ શ્રેણીબધ્ધ પ્રસિધ્ધ કરી અને માન અને ચાંદ સાથે 10 ડિસેમ્બર 2019ના રોજ લંડનમાં ગુજરી ગયા. એમની મનોદશા નીચેના ડાયસ્પોરીક કાવ્યની વ્યથાને અનુરૂપ હતી. દીપકે માત્ર કાવ્યો દ્વારા જ નહીં પણ વાસ્તવિક રીતે આઇડેન્ટીટી ક્રાઇસીસ સહન કરી હતી. આ કવિતા ભારતી વોરાએ ‘ઓપિનિયન’ના તા. 26.12.1995ના અંકમાં પ્રસિધ્ધ કરી હતી.
‘બે સંસ્કૃતિના ચોખંડે સૂઝ નથી
કે કઇ દિશામાં જાવું છે
પગથાર પૂછે છે પગને આજે
ધુમ્મસમાં રોકાવું છે કે ધકેલાવું છે?
પરદેશને વતન કરવા જાતાં
આજે વતન પરદેશ લાગે છે
ઠંડા કલેજાં, હીબકાં આજે
જીવન પાસે હિસાબ માંગે છે.
નરસિંહ, નર્મદ, ન્હાનાલાલ
એનું કવ્યું એળે જાશે શું?
દેશ ભજયો ને વેશ ભજયો
આેતમના ઓજસ શું થાશે?
ભાવિ ભૂતને જો ભરખી જાય
તો જીવનના વારસનું શું થાશે?’