ડેડિયાપાડા: ડેડિયાપાડાના (Dediapada) સોલિયા ગામે કરજણ નદીના સ્મશાન ઘાટ પાસે ગુરુવારે સવારે એક વૃદ્ધનો (old) રહસ્યમય સંજોગોમાં મૃતદેહ (Dead Body) મળતાં તેના પરિજનોએ ખૂન થયાની શંકા વ્યક્ત કરી હતી. આ બાબતે ડેડિયાપાડા પોલીસે અજાણ્યા ઈસમોએ હત્યા કરી હોવાનો ગુનો દાખલ કર્યો હતો. તા.23મીએ સોલિયા ગામે કરજણ નદીના સ્મશાન ઘાટે ગુરુવારે સવારે વૃદ્ધની લાશ મળી હતી. સમગ્ર ઘટના અંગે ડેડિયાપાડા પોલીસને જાણ કરાતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. મૃતદેહ ચેક કરતાં નેત્રંગના ફીચવાડાના રતિલાલ મંગા વસાવા (ઉં.વ.65) તરીકે ઓળખ થઇ હતી. પોલીસે મૃતદેહનું સરકારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. સમગ્ર ઘટના અંગે તેમની પત્ની કશુબેન વસાવાએ પોલીસ સમક્ષ કોઈક અજાણ્યા ઈસમોએ ખૂન કર્યુ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જે બાબતે આખરે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
માંગરોળના બોરસદ ગામના તળાવમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત
વાંકલ: માંગરોળ તાલુકાના બોરસદ ગામના તળાવમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાતાં કરુણ મોત નીપજ્યું હતું.
રોહિત ઉર્ફે રાહુલ દિનકર ખેરનાર (ઉં.વ.22) (હાલ રહે., ઉધના, સીતારામનગર રૂમ નં.104 અને મૂળ રહે જુલવલી, તા.ધુલિયા, મહારાષ્ટ્ર)નો વતની છે અને તેના પિતાનું ભંગારનું ગોડાઉન સુરત ખાતે છે. આથી આ યુવક સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા ભંગારના ધંધા માટે આવતો હતો. આ યુવક બોરસદ ગામના તળાવ પાસે પોતાની એક્ટિવા લઈ આવ્યો હતો અને ત્યારબાદ તળાવમાં નાહવા માટે ઊતરતાં ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ ગામના સરપંચ દ્વારા પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસે સ્થળ પર આવી યુવકનો મૃતદેહ કબજે લીધો હતો. આ બનાવ સંદર્ભે દિનકરભાઇ મોતીભાઈ ખેરનાર પાટીલે માંગરોળ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ભીલાડના ધનોલી હાઇવે ઉપર અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા યુવાનનું મોત
ઉમરગામ : ભીલાડ નજીક ધનોલી હાઇવે ઉપર અજાણ્યા વાહન અડફેટે ઇજાગ્રસ્ત બનેલા યુવાનનું સારવાર દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલમાં મોત નિપજવા પામ્યું હતું. પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ શનિવારે રાત્રિના 9:30 વાગ્યાના સુમારે ભીલાડ નજીક ધનોલી અંબર હોટલના સામે નેશનલ હાઇવે નંબર 48 મુંબઈથી વાપી તરફ જતા રોડ પર ધનોલીમાં અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરી રહેલા સંતોષ જાગીલ નાયક (ઉંમર વર્ષ 25 રહે ભિલાડ)ને અડફેટે લઈ અકસ્માત સર્જી નાસી ગયો હતો. ગંભીર ઈજા પહોંચતા સંતોષને શરૂઆતમાં ભિલાડ સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે વલસાડ અને ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવની ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.