જુલાઈમાં રથયાત્રાથી શરૂ કરીને ઓકટોબર-નવેમ્બરમાં દિવાળી સુધી આપણે તહેવારો ઉજવીએ છીએ. આપણે, ભારતીયો ઉત્સવપ્રેમી પ્રજા છીએ. ભારતમાં શ્રદ્ધા લોકોના જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેટલાંક માટે તે જીવવા માટે આશા આપે છે, તેથી ધાર્મિક તહેવારોની ઉજવણી અગત્યની છે. આપણું બંધારણ પણ કલમ 25 હેઠળ આપણને આપણા ધર્મનું પાલન કરવાનો અધિકાર આપે છે, પરંતુ આ અધિકાર અમર્યાદિત નથી. તે તર્કસંગત મર્યાદાઓને આધીન છે જેથી આપણા સ્વચ્છ અને આરોગ્યપ્રદ પર્યાવરણમાં જીવવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ન થાય. આ સંદર્ભે આપણા ઉત્સવોની ઉજવણીની રીતોને મૂલવવાનો સમય ક્યારનો પાકી ગયો છે. અત્યારે, જ્યારે ગણેશ મહોત્સવ રંગેચંગે ઉજવાઈ રહ્યો છે ત્યારે એ સંદર્ભમાં જ વાત કરીએ.
ઇતિહાસની એ વાત આપણે સૌ જાણીએ છીએ કે ઓગણીસમી સદીના અંતમાં લોકોને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડવા, રાજકીય વિષયો અંગે ચર્ચા થઇ શકે એવું પ્લેટફોર્મ ઊભું કરવા માટે અંગત ગણાતા ગણેશ મહોત્સવને લોકમાન્ય તિલકની પહેલથી સાર્વજનિક સ્વરૂપ મળ્યું. અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિના શરૂઆતના આ તબક્કામાં મુસલમાનોના મોહરમ જેવો હિન્દુઓનો પણ કોઈ તહેવાર હોય, જેમાં ભક્તિભાવ સાથે જાહેર જુલુસ નીકળી શકે એ લાગણી પણ પ્રબળ બની. જે તે સમયની સામાજિક અને રાજકીય નિસ્બત પ્રમાણે તહેવારને એક સ્વરૂપ મળ્યું.
ભારતની રાષ્ટ્રવાદી ચળવળનો ઉદ્દેશ સાકાર થયો; ૧૯૪૭માં સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. ગણેશ મહોત્સવની સ્વાતંત્ર્ય સંગ્રામ માટેની ભૂમિકા સફળતાપૂર્વક પૂરી થઇ. આઝાદ ભારતમાં તેની લોકપ્રિયતા ઓછી થવાને બદલે સતત વધતી જ ગઈ. ઘણા અંશે કુદરતી રીતે આવક વધવાની સાથે, પ્રચાર-પ્રસાર માધ્યમોના વિકાસનાં કારણે તેમજ બંધારણે આપેલા ધર્મનું પાલન કરવાના મૂળભૂત અધિકારને કારણે. કેટલાક અંશે સ્વતંત્ર ભારતની બહુમતવાદી રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓએ પણ એના પ્રસારમાં ફાળો આપ્યો છે.
જે તહેવાર મુખ્યત્વે મહારાષ્ટ્ર પૂરતો સીમિત હતો તે હવે દેશનાં ઘણાં રાજ્યોમાં ફેલાયો છે. પ્લાસ્ટર ઓફ પેરીસના આવિષ્કારને કારણે મૂર્તિનું કદ પણ મોટું થતું ગયું છે. મંડપનો વ્યાપ વધતો ગયો છે. સાથે વાગતા સંગીતનો અવાજ પણ મોટો થતો ગયો છે. ઉત્સવમાં આસ્થા કરતાં ઉન્માદનું પ્રમાણ વધતું ગયું છે. આ ચિંતાનો વિષય છે કારણ કે,ઉન્માદમાં ટોળું પ્રભાવી હોય છે, જે આસ્થાની ભાવનામાં રહેલા ગાંભીર્ય અને ઠહેરાવ પર હાવી થઇ જાય છે.
પાછલાં દસેક વર્ષથી આપણને પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિનાં જોખમો વિષે જાણીએ છીએ. આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી) કુદરતી પદાર્થ નથી અને તેમાં જિપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ હોય છે. મૂર્તિઓને પાણીમાં ઓગળવામાં ઘણા મહિનાઓ લાગે છે અને આ પ્રક્રિયામાં તળાવ, નદીઓ અને સમુદ્રના પાણીમાં ઝેર ફેલાય છે. ગણેશ મૂર્તિને શણગારવા માટે ઉપયોગમાં લેવાતા રાસાયણિક રંગોમાં પારો, સીસું, કેડમિયમ અને કાર્બન હોય છે અને તેનાથી પાણીમાં એસિડિટી અને ભારે ધાતુની માત્રા વધે છે.
ગણેશ પૂજા દરમિયાન થર્મોકોલ, પ્લાસ્ટિકનાં ફૂલો, કાપડ, ધૂપ, કપૂર અને અન્ય અસંખ્ય સામગ્રી બેદરકારીપૂર્વક ફેંકી દેવામાં આવે છે, જે પહેલેથી જ પ્રદૂષિત નદીઓ અને સરોવરો પરનું ભારણ વધારે છે.આ બધું પ્રદૂષણ ભેગું થઈને જળચર જીવસૃષ્ટિ સામે જોખમ ઊભું કરે છે જે આપણા પર્યાવરણ ચક્રનો ભાગ છે. આ ઉપરાંત જળાશયોમાં ગણેશ મૂર્તિઓને બેદરકારીપૂર્વક ફેંકવાથી પાણીનો કુદરતી પ્રવાહ અવરોધાય છે, પરિણામે મચ્છરો અને અન્ય હાનિકારક જીવાતો પેદા થઇ માંદગી ફેલાવે એ વધારાનું! આની સાથે જોરથી વાગતા સંગીતને કારણે ફેલાતું ધ્વનિ પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યાને પણ જોડી દઈએ તો પ્રશ્નની ગંભીરતા વધી જાય.
આ બધાં દૂષણોને કારણે બજારમાં ‘ઈકોફ્રેન્ડલી’ મૂર્તિઓ પણ મળવા લાગી છે. દરેક શહેરની કોર્પોરેશન અને પોલીસ પીઓપીની મૂર્તિની ઊંચાઈ પર મર્યાદા લગાવવા જેવા નિયમન કરે છે પણ પ્લાસ્ટર ઓફ પેરીસનું બજાર ઘટી નથી રહ્યું. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસર્જન માટે અલગ કુંડ બનાવે છે જેથી નદી અને તળાવનાં પાણીમાં ફેલાતું પ્રદૂષણ ઘટાડી શકાય. પણ, એ કુંડ સુધી પહોંચવાની ધીરજ ક્યાંથી કેળવવાની? વિસર્જન પછી જ્યાં ત્યાં વિખરાઈને પડેલી મૂર્તિઓનો નિકાલ કરવો પ્રશાસન માટે દુ:સ્વપ્ન સમાન છે. આ સીધી સાબિતી છે કે મૂર્તિ લાવી સ્થાપવામાં દેવાધિદેવ પ્રત્યેની આસ્થા કરતાં ઉત્સવમાં મહાલવાનું મહત્ત્વ વધારે છે.
સાર્વજનિક ગણેશના મંડપમાં સાંપ્રત વિષયોને લઈને શણગાર પણ થતા હોય છે, એટલે કે વર્તમાન સામાજિક-રાજકીય વિષયો સાથે લોકોને જોડવાનું કામ આ પ્લેટફોર્મ પર હજુ ચાલુ રહ્યું છે. તો હવે જરૂર છે આત્મનિરીક્ષણની. આ મહોત્સવનો વ્યાપ વધવાને કારણે જે પ્રશ્નો ઊભા થયા છે તે અંગે ગંભીર પગલાં લેવાની. લોકોએ જાતે પણ સંકલ્પ લઇ પગલાં ભરવાં પડશે. બધી જ જવાબદારી સરકાર અને પ્રશાસનની ના હોય, નાગરિક સમાજની પણ જવાબદારી છે. એટલું જ વિચારીએ કે ગણપતિ બાપ્પાને સાચી ખુશી શામાં મળશે –મૂર્તિઓની સંખ્યા વધારવામાં કે પૃથ્વીના અસ્તિત્વ સામે ખતરો બનેલા પ્રદૂષણ રૂપી વિઘ્નને કાબૂ કરવામાં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.