ગાંધીનગર,તા.23
ગુજરાત વિધાનસભામાં નાણા વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે રાજ્યની આર્થિક સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રૂ. ૪,૦૮,૦૫૩ કરોડનું છે, જેની સરખામણીએ રાજ્યનું કુલ દેવું વધીને રૂ. ૪.૩૦ લાખ કરોડ થઈ ગયું છે. એટલે કે, રાજ્યની વાર્ષિક આવક (બજેટ) કરતાં તેનું દેવું વધી ગયું છે.
માથાદીઠ દેવું અને ખર્ચમાં મોટો તફાવત
શૈલેષ પરમારે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે “ગતિશીલ ગુજરાતમાં દેવું પણ ગતિશીલ બની રહ્યું છે.”
- માથાદીઠ દેવું: ગુજરાતના દરેક નાગરિક પર અંદાજે રૂ. ૬૧,૪૮૨નું દેવું છે.
- વિકાસલક્ષી ખર્ચ: તેની સામે માથાદીઠ વિકાસલક્ષી ખર્ચ માત્ર રૂ. ૪૦,૩૮૧ જ છે.
- બિન-વિકાસલક્ષી ખર્ચ: વર્ષ ૨૦૨૫-૨૬ની સરખામણીએ આગામી વર્ષે બિન-વિકાસલક્ષી ખર્ચમાં રૂ. ૨૫,૧૮૫.૯૪ કરોડનો વધારો થવાનો અંદાજ છે.
દેવાની ચૂકવણીનો આંકડો ચોંકાવનારો
વર્ષ ૨૦૨૪-૨૫ના ડેટા મુજબ, રાજ્ય સરકાર દેવાની ચૂકવણી પાછળ દરરોજ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે: - મુદ્દલની ચૂકવણી: રોજની અંદાજે રૂ. ૭૯.૬૮ કરોડ.
- વ્યાજની ચૂકવણી: રોજની અંદાજે રૂ. ૭૧.૦૮ કરોડ. રાજ્ય સરકાર તેના કુલ બજેટના ૪૫% રકમ માત્ર પગાર, વ્યાજ અને પેન્શન જેવા ખર્ચાઓમાં વાપરે છે.
આંકડાકીય વિશ્લેષણ રજૂ કરતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, “ગતિશીલ ગુજરાતમાં દેવું પણ તેટલી જ ગતિથી વધી રહ્યું છે.” રાજ્યમાં માથાદીઠ દેવું રૂ. ૬૧,૪૮૨ છે, જેની સામે વિકાસલક્ષી કાર્યો પાછળ થતો માથાદીઠ ખર્ચ માત્ર રૂ. ૪૦,૩૮૧ છે. આ સ્થિતિ દર્શાવે છે કે દરેક ગુજરાતીના માથે વિકાસ કરતા દેવાનો બોજ દોઢ ગણો વધારે છે. વધુમાં, વર્ષ ૨૦૨૫-૨૬ની સરખામણીએ આગામી વર્ષમાં બિન-વિકાસલક્ષી ખર્ચમાં રૂ. ૨૫,૧૮૫ કરોડનો તોતિંગ વધારો થયો છે. રાજ્ય સરકાર તેના બજેટની ૪૫% રકમ તો માત્ર પગાર, વ્યાજ અને પેન્શન જેવા વહીવટી ખર્ચાઓ પાછળ જ વાપરી નાખે છે.
પરમારે કહ્યું હતું કે દેવાની ચુકવણીના આંકડા પણ ચિંતાજનક છે. વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્ય સરકાર મુદ્દલ પેટે રોજના રૂ. ૭૯.૬૮ કરોડ અને વ્યાજ પેટે રોજના રૂ. ૭૧.૦૮ કરોડ ચૂકવી રહી છે. ૧૫માં નાણાપંચની ભલામણો અને રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ ગુજરાત શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને ગ્રામ વિકાસ જેવા પાયાના ક્ષેત્રોમાં અન્ય રાજ્યો કરતા ઓછો ખર્ચ કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે, સમાજ કલ્યાણ ક્ષેત્રે રાષ્ટ્રીય સરેરાશ ૮% છે જ્યારે ગુજરાત માત્ર ૪% ખર્ચ કરે છે. તેવી જ રીતે કૃષિમાં ૫.૭% ની સામે ૪.૩% અને આરોગ્યમાં ૮% ની સામે ૭% ખર્ચ કરવામાં આવે છે. બીજી તરફ, દેશના ૧૨ રાજ્યો મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડે છે, જ્યારે ગુજરાતમાં આવી કોઈ યોજનાનો અભાવ છે. રોજગારી મુદ્દે પણ વિપક્ષે સરકારને ઘેરી હતી અને જણાવ્યું હતું કે સહાયિત સંસ્થાઓમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આ સંજોગોમાં સરકારે માત્ર જાહેરાતો કરવાને બદલે પ્રોપર ‘ભરતી કેલેન્ડર’ બનાવીને યુવાનોને રોજગારી આપવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી.