ગયા વર્ષની શરૂઆતમાં કોરોનાવાયરસનો વૈશ્વિક રોગચાળો શરૂ થયો ત્યારે કદાચ કોઇએ ધાર્યુ ન હશે કે આ રોગચાળો લાખો લોકોનો ભોગ લઇ લેશે. આમ તો ૨૦૧૯ના ડીસેમ્બરમાં આ રોગચાળો ચીનમાં શરૂ થયો હતો, પણ વૈશ્વિક રોગચાળા તરીકે તે ૨૦૨૦ના જાન્યુઆરી પછી ધીમે ધીમે શરૂ થવા માંડ્યો અને આ વૈશ્વિક રોગચાળાને હજી બે વર્ષ પુરા થયા નથી ત્યાં તો તેનાથી થયેલા મૃત્યુઓનો આંકડો બે કરોડને વટાવી ગયો છે. કોવિડ-૧૯ના રોગચાળાને કારણે વૈશ્વિક મૃત્યુઆંક આ સોમવારે પ૦ લાખને વટાવી ગયો હતો, આ રોગચાળાની કટોકટી શરૂ થઇ તેના બે વર્ષ કરતા ઓછા સમયગાળામાં આ આંકડો થઇ ગયો છે, જે રોગચાળાએ ફક્ત ગરીબ દેશોમાં જ વિનાશ સર્જ્યો નથી પણ ધનવાન દેશો, કે જેઓ પ્રથમ કક્ષાની આરોગ્ય સિસ્ટમ ધરાવે છે તેમને પણ હચમચાવી નાખ્યા છે.
આ મૃત્યુઆંકમાં જોઇએ તો અમેરિકા, યુરોપિયન યુનિયન, બ્રિટન અને બ્રાઝિલ – આ તમામ ઉપલી મધ્યમ અથવા ઉંચી આવક ધરાવે છે, અને વિશ્વની કુલ વસ્તીનો આઠમો ભાગ જ ધરાવે છે તેમનો સહિયારો કુલ મૃત્યુઆંક કોવિડના આ રોગચાળાને થયેલા કુલ મૃત્યુઆંકના અડધા જેટલો છે. ફક્ત અમેરિકામાં જ આ રોગચાળાથી ૭૪૦૦૦૦ લોકોના મૃત્યુ થયા છે જે વિશ્વના કોઇ પણ અન્ય દેશ કરતા વધારે છે. આ આપણા જીવનના સમયગાળાની એક સમજવાની ક્ષણ છે એ મુજબ ડો. આલ્બર્ટ કોએ કહ્યું હતું જેઓ એક જાણીતા ચેપી રોગ સ્પેશ્યાલિસ્ટ છે. આપણે આપણી જાતના રક્ષણ માટે શું કરવું જોઇએ કે જેથી હવે આપણે બીજા પ૦ લાખનો આંકડો જોઇએ નહીં? એમ તેમણે કહ્યુ હતું. કોવિડના રોગચાળાની દુનિયાભરમાં જે મૃત્યુઓ થયા છે.
તેનો અમેરિકાની જહોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા ગણવામાં આવેલો આ આંકડો સૂચવે છે કે આ આંકડો અમેરિકાના મહાનગરો લોસ એન્જેલસ તથા સાન ફ્રાન્સિસ્કોની ભેગી વસ્તી કરતા પણ વધારે છે. આ આંકડો વિશ્વમાં ૧૯પ૦થી વિવિધ યુદ્ધોમાં જેટલા લોકો માર્યા ગયા છે તેમના આંક સાથે પણ હરીફાઇ કરી રહ્યો છે અને ઓસ્લોની પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના અંદાજ પ્રમાણે વિશ્વમાં હ્દયના રોગો તથા સ્ટ્રોકથી જેટલા લોકોના મોત થાય છે તેના પછી હવે ત્રીજો ક્રમ કોવિડ-૧૯થી થતા મૃત્યુનો આવે છે. અને આ જંગી આંકડો હજી તો ઓછો ગણવામાં આવ્યો હોય એમ બની શકે છે કારણ કે ટેસ્ટિંગ અને તબીબી સારવાર વિના, ખાસ કરીને ગરીબ દેશો, જેવા કે ભારતમાં ઘરોમાં જ મૃત્યુ પામેલા લોકોનો આંક પણ નોંધપાત્ર હોઇ શકે છે. આ વાયરસનો રોગચાળો શરૂ થયો તેને ૨૨ મહિના જેટલો સમય થયો છે ત્યારે તેના હોટ સ્પોટ્સ બદલતા રહ્યા છે અને હાલમાં આ રોગચાળો ફરીથી રશિયા, યુક્રેઇન અને પૂર્વ યુરોપના ભાગોમાં વકરી રહ્યો છે.
વર્ષ ૨૦૧૯ના ડીસેમ્બરમાં એક નવા પ્રકારના કોરોનાવાયરસથી થતો રોગ સૌપ્રથમ ચીનમાં દેખાયો હોવાનું કહેવાય છે. આ રોગચાળાના ઉદભવ અંગે અનેક વિવાદ છે અને ખરેખર તે ૨૦૧૯ના ડીસેમ્બરમાં શરૂ થયો હતો કે તેના પહેલા શરૂ થયો હતો તે અંગે પણ વિવાદ છે. પણ ૨૦૧૯ના ડીસેમ્બરથી તેની શરૂઆત ગણીએ તો હજી તેને બે વર્ષ પણ પુરા થયા નથી. શરૂઆતમાં તો એવું લાગતું હતું કે આ રોગ કદાચ ચીન પુરતો જ મર્યાદિત રહેશે, સાર્સની જેમ તેનાથી મૃત્યુઆંક પણ મર્યાદિત જ રહેશે.
એવી પણ આશા હતી પણ ધીમે ધીમે તે બીજા દેશોમાં ફેલાવા માંડ્યો. ૨૦૨૦ના માર્ચ સુધીમાં તો તે ઘણા બધા દેશોમાં ફેલાઇ ગયો અને ભારત સહિત દુનિયાભરના અનેક દેશોએ લૉકડાઉન જેવા નિયંત્રણો અમલમાં મૂકવા પડ્યા. અન્ય દેશોમાં ફેલાયા પછી પણ તેનાથી થતાં મૃત્યુનો દર તો શરૂઆતમાં ધીમો જ રહ્યો, પણ ધીમે ધીમે મૃત્યુઓનું પ્રમાણ વધવા માંડ્યુ. સાર્સ અને મર્સ જેવા આ જ કુળના વાયરસો વડે થતા રોગોથી થયેલા મૃત્યુઓનો આંકડો તો ક્યાંયે પાછળ રહી જવા માંડ્યો અને આજની તારીખે આ રોગથી નોંધાયેલ મૃત્યુઆંક અડધા કરોડને તો વટાવી ચુકયો છે. અને હજી તો આ રોગચાળો ચાલુ જ છે અને દુનિયાના કેટલાક ભાગોમાં વકરી પણ રહ્યો છે ત્યારે એવી પ્રાર્થના જ કરવી રહી કે આ રોગચાળાથી મૃત્યુઆંક હવે એક કરોડ સુધી પહોંચે નહીં.