વલસાડ: કપરાડા તાલુકાના ઘાણવેરી ગામ ખાતે કેરીના (Mango) પૈસા (Money) માંગવા મુદ્દે થયેલા ઝગડામાં પુત્રએ પિતા સાથે વિવાદ કરી રસ્તા (Road) પર પાડી નાંખતા ગંભીર ઈજાને લઈ હોસ્પિટલ (Hospital) લઈ જવાય તે અગાઉ પિતાનું મોત (Death) થયાનો બનાવ પોલીસમાં (Police) નોંધાયો છે. પોલીસે પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી લતીફ ધાકલ ચૌધરી (રહે.ઘાણવેરી, ઘરટા ફળિયું)એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈ કાલે સાંજે તેના મોટા દીકરાએ જણાવ્યું કે, રમેશકાકાએ દાદા ધાકલભાઈ સાથે ઝગડો કરી માર માર્યો છે. જેના પગલે તાત્કાલિક જગ્યા પર પહોંચી જોતા પિતાને તેના નાનાભાઈ સતિષના નવા મકાન પાસે ફણસના ઝાડ નીચે સુવડાવ્યા હતાં. ત્યાં પરિવારજનો હાજર હતા.
પૂછપરછ કરતાં નાનાભાઈ રમેશની પત્નીએ જણાવ્યું કે તેનો પતિ રમેશ પિતા પાસે ગઈકાલે બજારમાં વેચાણ કરેલી કેરીના પૈસાની માગણી કરતો હતો. દરમિયાન ઝગડો કરી પિતાને રોડ પર પાડી તેમની છાતી ઉપર લાતો મારી ગળું દબાવ્યું હતું. બૂમાબૂમ થતાં માતા પણ દોડી આવતા રમેશ ચાલ્યો ગયો હતો. ઈજાગ્રસ્ત પિતાને પરિવાર નજીકની કલીનિકમાં લઈ જતાં સારવાર શક્ય નહીં હોવાનુ જણાવી કપરાડા લઈ જવા જણાવ્યું હતું. ત્યારબાદ પિતાજીને ઘરે લઈ ગયા બાદ તબિયત વધુ બગડતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે લતીફ ચૌધરીએ રમેશ ધાકલ ચૌધરી વિરૂધ્ધ કપરાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિજલપોરમાં જૂની અદાવતમાં મહિલાને માર મારી જાનથી મારી નાંખવા ધમકી
નવસારી : વિજલપોરમાં જૂની અદાવતમાં એક મહિલાએ અન્ય મહિલાને મારી પોતાને પણ ઈજા પહોંચાડી હોવાનો બનાવ વિજલપોર પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, વિજલપોર ધોળીકુઈમાં છોટીબેન રામચરિત્ર મિશ્રા (ઉ.વ. 50) તેમના પરિવાર સાથે રહે છે. ગત 2જીએ છોટીબેન વિઠ્ઠલમંદિર શાકભાજી માર્કેટમાં શાકભાજી લેવા ગયા હતા. જ્યાં છોટીબેન લારી પર ઉભા રહી શાકભાજી લઈ રહ્યા હતાં તે દરમિયાન વિજલપોર સૂર્યનગરમાં રહેતા સીમાબેન પવન વૈરાગીએ પાછળથી આવી છોટીબેનને પીઠના ભાગે માર મારવા લાગી હતી. તેમજ પોતાની જાતે નાકમાં મારવા લાગ્યા હતા સાથે જ તેની છોકરીને પણ મારતા નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તે જગ્યાએ ટોળું ભેગું થઈ જતા સીમાબેન, છોટીબેનને તું ઘરે આવ તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી જતી રહી હતી.
અગાઉ સીમાબેનના પરિવાર ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ હતી તેમાં છોટીબેન સાક્ષી હતાં. જેની અદાવત રાખી સીમાબેને છોટીબેનને માર માર્યો હતો. આ બનાવ અંગે છોટીબેને વિજલપોર પોલીસ મથકે સીમાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. નજુભાઈને સોંપી છે.