વાપી : વાપીના (Vapi) છીરી વલ્લભનગર ગેટની પાસે રાતા જતા રસ્તા (Road) ઉપર વાપીથી ખેતીના સાધનો લઈ કપરાડાના ઓઝરડા આંબા ફળિયા પાછા ફરી રહેલા પિતા-પુત્રની બાઈકને ટ્રકે (Truck) પાછળથી ટક્કર મારતા રસ્તા પર પટકાઈ ગયેલા પિતા ટાયર નીચે આવી જતા માથાના ભાગે ગંભીર ઈજાને કારણે સ્થળ ઉપર જ મોત (Death) નીપજ્યું હતું. ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી હતી. પરંતુ તેના તબીબે માથામાં ઈજાગ્રસ્ત પિતાને મૃત જાહેર કર્યા હતા.
કપરાડાના ઓઝરડા આંબા ફળિયામાં રહેતા ખેતીનું કામ કરતા ૪૨ વર્ષના દિનેશભાઈ માહતુ તથા તેમનો પુત્ર અલ્કેશ માહતુ પલ્સર મોટર સાઇકલ લઈને નીકળ્યા હતા. વાપી ચાર રસ્તા પર પિતા દિનેશભાઈને ખેતીના કામ માટે ખેતીના સાધન લઈને પર ઓઝરડા આંબા ફળિયા જવા બાઈક પર પિતા-પુત્ર નીકળ્યા હતા. દરમિયાન છીરી વલ્લભનગર ગેટ પાસે છીરીથી રાતા જતા રસ્તા ઉપર પુરઝડપે ટ્રકે લાવીને પાછળથી બાઈકને ટક્કર મારતા પુત્ર અલ્કેશ બાઈક સાથે ડાબી બાજુ પડ્યો હતો. જ્યારે તેના પિતા દિનેશભાઈ રસ્તા તરફ પડતા ટ્રકના ટાયર નીચે આવી જઈ ઘસડાઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી હતી. એમ્બ્યુલન્સના તબીબે પિતા દિનેશભાઈ મૃત જાહેર કર્યા હતા. વાપી તાલુકાના ડુંગરા પોલીસ મથકમાં પિતાના અકસ્માતે મોત માટે પુત્ર અલ્કેશ માહતુની ફરિયાદને આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જર્જરિત રસ્તામાં પડેલા મોટા ખાડાના કારણે 12 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો
દમણ : સંઘપ્રદેશ દમણના ભેંસલોર કોસ્ટલ હાઈવે પર મોપેડ પર માતા-પુત્ર ઘર તરફ જઈ રહ્યા હોય એ દરમ્યાન ખાડામાં મોપેડ પડતાં સર્જાયેલા અકસ્માતમાં એક ટ્રકનું પાછળનું ટાયર રસ્તા પર પડેલા બાળકનાં શરીર પરથી ફરી જતાં ઘટના સ્થળે જ બાળકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મળતી માહીતી પ્રમાણે મંગળવારે સાંજે ડાભેલના ઘેલવાડ ફળિયામાં રહેતા રીના નવીન પટેલ તથા તેનો 12 વર્ષિય પુત્ર ધૃવિક નવીન પટેલ તેમના મોપેડ પર સવાર થઈ કોસ્ટલ હાઈવેથી ડાભેલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સ્વાધ્યાય મંદિર, ભેંસલોર પાસે એક ટ્રક નં. HR-38-X-5388 કુંતા રોડ થઈને વાપી તરફ જઈ રહી હતી. મોપેડ સવાર રીનાબેન ટ્રકની આગળ જવા માટે આગળ વધ્યા ત્યારે જર્જરિત રસ્તામાં પડેલા મોટા ખાડામાં મોપેડ પડતાં પાછળ બેઠેલો બાળક રસ્તા પર પટકાયો હતો. જેના પરથી ટ્રકનું પાછળનું ટાયર ફરી વળતાં ધ્રૃવિક પટેલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રીનાબેનને નજીવી ઈજા થઈ હતી. પરિવારના વહાલસોયા બાળકનું આ પ્રમાણે મોત નિપજતાં પરિવારના સદસ્યોમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. ઘટનાને પગલે દમણ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી ટ્રકના ચાલક રાહુલ પ્રશાંતસિંહ (રહે.પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.