રાંચી: ઝારખંડના બોકારોમાં (Bokaro) શનિવારે સવારે મોહરમનાં જુલૂસ દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં તાજિયા હાઈ ટેન્શન વાયરને (High tension wire) અડવાના કારણે 13 લોકો ખરાબ રીતે દાઝી (Burnt) ગયા હતા જેમાં ચાર લોકોના મોત (Death) થયા હતા જ્યારે 9 લોકોની હાલત ગંભીર (Injured) છે. આ ઘટના બોકારોના બર્મો વિસ્તારના ખેતરોમાં સવારે લગભગ 6:00 વાગ્યે બની હતી. તમામ લોકો મોહરમમાં તાજિયા લઈ રહ્યા હતા ત્યારે 11000 વોલ્ટના વાયરની ઝપેટમાં આવી ગયા હતા.
ઘટના દરમિયાન સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે તાજિયા લઈ જતી વખતે ઉપરથી પસાર થતી 11,000 હાઈ ટેન્શન લાઈન તાજિયામાં ફસાઈ ગઈ હતી જેના કારણે તાજિયાના જુલુસમાં રાખવામાં આવેલી બેટરી બ્લાસ્ટ થઈ હતી. લોકોએ તાત્કાલિક તમામ ઘાયલોને ડીવીસી બોકારો થર્મલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. સાથે જ એમ્બ્યુલન્સની ગેરહાજરી અને હોસ્પિટલમાં ખરાબ વ્યવસ્થાને લઈને લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે બાદમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ બોકારો મોકલવામાં આવ્યા છે.
ગોપાલગંજમાં મોહરમના જુલૂસમાં 11 લોકોને વીજ કરંટ લાગ્યો
બિહારના ગોપાલગંજમાં મોહરમ દરમિયાન દર્દનાક ઘટના બની છે. મોહર્રમના જુલૂસ દરમિયાન વીજ કરંટ લાગવાથી 11 લોકો દાઝી ગયા હતા. મુસ્લિમ સમુદાયના લોકો તાજીયા લઈને નીકળ્યા હતા ત્યારે અચાનક જ તે હાઈ ટેન્શન વાયરને અડી ગયો અને વીજ કરંટ લાગ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને ગોપાલગંજ સદર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાના પગલે લોકોમાં નાસભાગ પણ મચી ગઈ હતી. ઘટના ઉચકાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના હરપુર ધર્મ ચક ગામની છે.