સુરત : અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતાનું અમરોલીની પ્રાણનાથ હોસ્પિટલમાં ((Hospital) તબીબોની બેદરકારીને કારણે મોત (Death) થયું હોવાનો પરિણીતાના પરિવારજનોએ આરોપ મુક્યો છે. ગર્ભાશયના ઓપરેશન વેળા નસ કપાઇ જતા વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે મહિલાને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલ લઇ જવાઇ હતી જ્યાં તેણીને ડોક્ટરોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જીવ બચી શક્યો ન હતો. મૃતકનું નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ (PM) કરવામાં આવ્યું છે. જેના રિપોર્ટ બાદ ચોક્કસ કારણ બહાર આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમરોલી ભરથાણા ગામમાં આવેલી રામદર્શન સોસાયટીમાં રહેતો બબલુભાઈ ગૌડ કડિયા કમ કરી પત્ની સુમનબેન (ઉ.વ.30) અને ત્રણ સંતાનોનું ગુજરાન ચલાવે છે. સુમનને વિતેલા 6 મહિનાથી પેટમાં દુ:ખાવો થતો હતો. તેણી ગત 3 નવેમ્બરે અમરોલીની પ્રાણનાથ હોસ્પિટલમાં દાખલ થઇ હતી. જ્યાં ગત 4 નવેમ્બરે તેણીનું ગર્ભાશયનું ઓપરેશન કરાયું હતું. જોકે ઓપરેશન સમયે નસ કપાઇ જતા રક્તસ્ત્રાવ વધી ગયો હતો. પ્રાણનાથ હોસ્પિટલ સુમનને બીજી હોસ્પિટલમાં લઇ જવાનું જણાવતા પરિવારજનો તેને કિરણ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાંથી મંગળવારે સવારે તેનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારે પ્રાણનાથ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયું હોવાના આરોપ મુક્યો છે. અમરોલી પોલીસે નવી સિવિલ હોસ્પિટલમાં મૃતક મહિલાનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું.
ઉન પાટીયા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની બાળકીનું તાવમાં મોત
સુરત : ઉન-પાટિયામાં નિર્માણાધિન બિલ્ડિંગમાં કામ કરતા અને ત્યાં જ રહેતા શ્રમજીવી પરિવારની 1 વર્ષિય બાળકીનું બે દિવસના તાવ બાદ મોત નિપજ્યું હતું. બાળકીને લઇને માતા-પિતા નવી સિવિલ હોસ્પિટલ પહોંચતા તબીબોએ મૃત જાહેર કરી હતી. નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ઉન-પાટિયા કિરણ હોમ્સ નામની નવી બનતી બિલ્ડિંગમાં સત્યમભાઈ સેન્ટિંગનું કામ કરી પરિવાર સાથે રહેતા હતા. તેની એક વર્ષીય પુત્રી જાનવીને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો. મંગળવારે વહેલી સવારે તેની તબિયત લથડતા પરિવાર તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ ગયો હતો. જોકે તબીબોએ માસુમ બાળકીને મૃત જાહેર કરી હતી.
ડોક્ટરે લખેલી દવા કરતાં દર્દીને ઓછી દવા અપાતી હોવાની નવી સિવિલ તંત્રને દર્દીની ફરિયાદ
સુરત: નવી સિવિલ હોસ્પિટલની દવાબારી ઉપર દર્દીઓની કલાકો સુધી લાંબી કતારો લાગતી હોય છે. ત્યારે દવા બારી ઉપર નંબર આવ્યા બાદ ડોક્ટરે લખી આપેલી દવા કરતાં ઓછા દિવસોની દવા દર્દીઓને મળતી હોવાની ફરિયાદ નાનપુરાના એક દર્દીએ નવી સિવિલ હોસ્પિટલ તંત્રને કરી હતી.
નાનપુરાના એક દર્દી મેડિસીન વિભાગમાં ચેકઅપ કરાવ્યા બાદ ડોક્ટર દ્વારા તેને પાંચ દિવસની દવા લખી અપાઇ હતી. દર્દી દવા બારી ઉપરથી પાંચ દિવસની દવા લઈ નીકળી ગયો હતો. દવા બારીથી બહાર નીકળી દવા ચેક કરતાં પાંચ દિવસને બદલે માત્ર ત્રણ દિવસની દવા તેને અપાઇ હતી. દવા બારી પર પરત જઇ આ બાબતે જાણ કરતાં દવા બારીના સ્ટાફે દર્દી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. આ અંગે દર્દી દ્વારા નવી સિવિલ હોસ્પિટલ તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસના દર્દીઓને મેડિસીન ઓપીડીમાંથી 15 દિવસ કે મહિનાની દવા લખી આપવામાં આવે છે. જે પૈકી કેટલીક દવાઓ દવા બારી પર હોતી જ નથી. સ્ટોક આવ્યો નથી તેમજ સ્ટોર્સ ઉપર પણ દવા ન હોવાનું દર્દીઓને જણાવી મોકલી આપવામાં આવે છે. ગરીબ દર્દીઓ બહારથી દવા લઇ શકે તેવી પરિસ્થિતિમાં પણ હોતા નથી.