વ્યારા: નિઝર (Nizar) તાલુકાના વ્યાવલ ગામે ૧૮મી ડિસેમ્બરે સવારે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં અપહરણનો (Kidnapping) ભોગ બનનાર ૧૭ વર્ષિય શૈશવ વાઘનો મૃતદેહ (Deadbody) ૨૦મી ડિસેમ્બરે વ્યાવલ નજીક તાપી (Tapi) નદીમાં મળી આવ્યો છે. મોતને ભેટનાર ૧૭ વર્ષિય શૈશવ વાઘ ૯૦ ટકા દૃષ્ટિહીન હતો. વિકલાંગ સગીરના મોતને લઇ હાલ અનેક તર્કવિતર્ક સાથે પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ તો પોલીસે (Police) આ સગીરના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ ખાતે અંધજન શાળામાં ધો.૬માં અભ્યાસ કરતો શૈશવ છેલ્લાં ચારેક માસથી માનસિક રીતે બીમાર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલની સારવાર ચાલતી હતી. ગત તા.૧૮/૧૨/૨૦૨૨ના રોજ રોજિંદા મુજબ શૈશવ સવારે આશરે આઠેક વાગ્યાના સુમારે ઊઠી ગયો હતો. માનસિક બીમારીની દવા લઇ નાસ્તો કરી થોડોક સમય આરામ કર્યો હતો. પછી ઊઠીને પોતાની માતાને સ્કૂલ તરફ ફરવાનું કહી વ્યાવલ પ્રાથમિક સ્કૂલ તરફ નીકળી ગયો હતો. થોડાક સમયમાં ઘરે પરત આવી ફરીથી સવારના આશરે અગિયારેક વાગે દવાનો બીજો ડોઝ લેવાનો થતો હોય શૈશવે તેની માતાને કહ્યું કે, હું ફરીથી સ્કૂલ તરફ આંટો મારી આવીને મારી બીજી દવા લઇ જમી લઇશ કહી ફરી તે સ્કૂલ તરફ જતો રહ્યો હતો.
આશરે અડધો કલાક થઈ જતા શૈશવ ઘરે પરત આવ્યો ન હતો. જેથી તેની માતા વ્યાવલ ગામમાં આવેલ સ્કૂલમાં જઇને તપાસ કરી હતી, તેનો છોકરો સ્કૂલ અને સ્કૂલના કમ્પાઉન્ડમાં મળી ન આવતાં શિક્ષક જયેશ ગામીતને પોતાના છોકરા બાબતે પૂછ્યું હતું. તેઓએ જણાવ્યું કે, શૈશવ સ્કૂલમાં આવ્યો હતો. થોડા સમયમાં સ્કૂલના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી ગયો હતો. માતાએ શોધખોળ કરતાં તે મળી આવ્યો ન હતો. મહારાષ્ટ્રના શિંદા ગામે મેળો હોય ત્યાં તથા પ્રકાશા, તલોદા, નંદુરબાર વિસ્તારમાં અને સંબંધીઓના ઘરે તપાસ કરવા છતાં તેની માતા પુષ્પાબેન કૈલાસભાઇ વાઘ (ઉં.વ.૪૦) (મૂળ રહે.,પ્લોટ નં.૧૯૩, ચિંતા ચૌક, દીપકનગર, નવાગામ, ડિંડોલી, સુરત, હાલ રહે.,વ્યાવલ, તા.નિઝર, જિ.તાપી)ને શૈશવ મળી ન આવતાં આ ઘટના અંગેની તેઓએ પોલીસમથકે જાણવાજોગની નોંધ કરાવી હતી.