સુરત: નવાગામ ડિંડોલીમાં (Dindoli) એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. ત્રણ દિવસ પહેલાં જ બિહારથી (Bihar) દીકરી અને જમાઈ સાથે આવેલી 60 વર્ષિય વૃદ્ધાનું મોત (Death) નિપજતાં દીકરી અને જમાઈ તેના મૃતદેહને ઘરમાં બિનવારસી મૂકીને નાસી ગયા હતાં. દીકરીએ હમવતનીને ફોન (Call) કરીને ઘટનાની જાણ કરીને ફોન બંધ કરી દીધો છે. હાલ દીકરી અને જમાઈ ક્યાં છે તે અંગે કોઈને ખબર નથી.
- દીકરીએ હમવતનીને ફોન કરી અંતિમ વિધિમાં મદદ માંગી, ત્યાં પહોંચ્યા તો વૃદ્ધાની લાશ બિનવારસી હાલતમાં હતી
- લાશને સિવિલમાં રખાઈ: દીકરી-જમાઈના બીજા દિવસે પણ કોઈ સગડ નહીં, બંનેના ફોન પણ સ્વિચ્ડ ઓફ
- દીકરી-જમાઈ સાથે ત્રણ દિવસ પૂર્વે બિહારથી આવેલી વૃદ્ધાનું મોત
નવી સિવિલ હોસ્પિટલ અને ડિંડોલી પોલીસના જણાવ્યા અનુસાર મૂળ બિહારના આરા જિલ્લાના નાનકડા ગામની અસફરી ખાતુન (60 વર્ષ) છેલ્લા કેટલાક સમયથી બિમાર હતી. ત્રણ દિવસ પહેલા તેની નાની દીકરી અને જમાઈ સાથે તે સુરત આવ્યા હતા. તેમના હમવતની બશીરે તેમને નવાગામના બિલિયાનગરમાં ભાડેથી મકાન અપાવ્યું હતું. ગતરોજ સવારે બશીરે અસફરી ખાતુનના જમાઈને ફોન કરીને કામ પર બોલાવ્યો હતો. ત્યારે તેને થોડા સમયમાં આવું છું એવું કહીને ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ તેને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો નહતો. ત્યારબાદ બશીરે તેનો એક માણસ બિલિયાનગર મોકલ્યો હતો, ત્યારે વૃદ્ધાની દીકરી મળી, પરંતુ જમાઈ ન હતો ઉપરાંત તેનો ફોન પણ લાગતો ન હતો. જેથી બશીરનો માણસ ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ વૃદ્ધાની દીકરીએ બશીરને ફોન કરીને કહ્યું કે અસફરી ખાતુનનું મોત નિપજ્યું છે, અહીં તેમને કોઈ ઓળખતું નથી. તો અંતિમવિધિ માટે મદદ કરો. બશીરે મદદ કરવા તૈયારી બતાવી હતી અને બશીર બિલિયાનગર પહોંચ્યો હતો, જ્યાં અસફરી ખાતુનનો મૃતદેહ બિનવારસી હાલતમાં હતો. અસફરી ખાતુનની દીકરી અને જમાઈ ત્યાં હાજર ન હતાં. તેમનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો તો બંનેના ફોન બંધ આવ્યા હતા. ત્યાર બાદ ડિંડોલી પોલીસને જાણ કરતા ડિંડોલી પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં મૂકવમાં આવી છે. 24 કલાક બાદ પણ દીકરી અને જમાઈના કોઈ સગડ નથી કે તેમનો ફોન પર સંપર્ક થઈ શક્યો નથી.