World

રશિયાનો યુક્રેન પર ઘાતક હુમલો, 41નાં મોત અને 180 લોકો ઘાયલ

નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે છેલ્લા અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે રશિયાએ ફરી એકવાર ગઇકાલે સોમવારે યુક્રેનની રાજધાની કિવ ઉપર મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાઓને કારણે કિવમાં નાગરિક સુવિધાઓ અને ઘરોને મોટી સંખ્યામાં નુકસાન થયું હતું. તેમજ 41 લોકોના મોત થયા હતા. જ્યારે 180 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

થોડા સમય પહેલા જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની મુલાકાત લીધી હતી. ત્યારે અનુમાન લગાવવામાં આવ્યું હતું કે કદાચ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને હવે વિરામ આવશે. પરંતુ હાલના સંજોગો જોતા બંને દેશો વચ્ચે યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી, કારણ કે રશિયા અને યુક્રેન બંને એકબીજા પર સતત ઘાતક હુમલાઓ કરી રહ્યા છે. દરમિયાન ગઇકાલે રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા હતા. તેમજ મધ્ય યુક્રેનમાં જોરદાર હવાઇ હુમલા શરૂ કર્યા હતા. આ મિસાઈલ હુમલાઓમાં 41 લોકોના મોત થયા હતા જ્યારે 180 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જેની માહતી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ આપી હતી.

યુક્રેનના મધ્ય ભાગમાં હુમલો
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ આજે મંગળવારે એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે રશિયાએ મધ્ય યુક્રેનમાં એક શૈક્ષણિક સંસ્થા અને નજીકની હોસ્પિટલ પર બે બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી, જેમાં ઓછામાં ઓછા 41 લોકો માર્યા ગયા હતા અને 180 લોકો ઘાયલ થયા હતા. ત્યારે પોતાની ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરેલા વીડિયોમાં ઝેલેન્સકીએ કહ્યું કે, આ હુમલો પોલ્ટાવા પ્રદેશમાં થયો હતો.

ખારકિવમાં 47 લોકોના મોત
આ પહેલા રવિવારે રશિયન સેનાએ યુક્રેનના ખારકિવમાં ઘાતક હુમલા કર્યા હતા, જેમાં 5 બાળકો સહિત ઓછામાં ઓછા 47 લોકો માર્યા ગયા હતા. ત્યારે સમગ્ર મામલે યુક્રેનના અધિકારીઓએ જણાવ્યુ હતું કે, આ 47 લોકોના મોત ખારકિવમાં એક મોલ પર કરાયેલા રશિયન મિસાઈલ હુમલામાં થયા હતા. જો કે ખારકિવમાં રશિયન હુમલા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ તેમના પશ્ચિમી સાથીઓ સાથે ચર્ચા કરી હતી અને રશિયાની અંદર ઘુસી રશિયાના વધુ આંતરિક વિસ્તારો પર હુમલો કરવાની મંજૂરી માંગી હતી.

યુક્રેને ડ્રોન હુમલા કર્યા
રશિયન અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે 30 ઓગસ્ટે યુક્રેને રશિયન શહેરો પર લગભગ 158 ડ્રોન ફાયર કર્યા હતા, જેના પછી મોસ્કો ઓઇલ રિફાઇનરી અને કોનાકોવો પાવર સ્ટેશનમાં આગ લાગી હતી. આ સિવાય ગયા અઠવાડિયે રશિયન શહેર સારાટોવામાં એક બિલ્ડિંગ પર યુક્રેનિયન ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે જણાવી દઇયે કે યુક્રેન દ્વારા કરવામાં આવેલો આ હુમલો અમેરિકાના 9/11 હુમલા જેવો જ હતો.

Most Popular

To Top