સુરત: અમરોલી-સાયણ રોડ પર આવેલી અંજની ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પોલીસ (Police) બંદોબસ્ત છતાં અસામાજિક તત્વો એ એસ્ટેટના જે પ્રવેશ (Entry) દ્વારેથી કારીગરો આવે છે ત્યાં ઠેરઠેર ઉડિયા ભાષામાં ઉશ્કેરણીજનક પોસ્ટરો (Poster) લગાવતા છેલ્લા 4 દિવસથી પાવરલૂમના કારખાનાઓ શરૂ નહીં થતાં વિવરોએ સુરતમાં જંગલરાજ ચાલતું હોવાનાં મેસેજ સોશિયલ મીડિયામાં (Social Media) ફેરવતાં શહેર પોલીસ જાગી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર હર્ષદ મહેતા આજે અંજની ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે બેઠક યોજવા દોડી ગયા હતાં. તેમની સાથે પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી . બ્રહ્મભટ્ટે પણ વિવર્સ અને કારીગરોને સુરક્ષા વ્યવસ્થા આપવાની સાથે ઉશ્કેરણી ફેલાવતાં પોસ્ટરો લગાવનારને પકડવાની ખાતરી આપતાં આવતીકાલથી 300 જેટલા વિવર્સ કારખાના શરૂ કરશે. જોકે ‘20 પૈસા મજૂરીનો દર વધારો લીધા વિના કામ કરશો તો હાથ-પગ કાપી નાખીશું’ એવી ધમકીઓ કારીગરોને અપાઈ હોવાથી તેઓ કામે ચઢશે કે કેમ એ મોટો સવાલ છે.
અંજની ઇન્ડસ્ટ્રિયલ અને સુરત વિવર્સ એસોસિએશનનાં પ્રમુખ વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે અમારા ઔદ્યોગિક ઝોનના DCP હર્ષદ મહેતા અમરોલીના પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. બ્રહ્મભટ્ટની ખાતરી પગલે કારખાનાઓ કાલે સવારે ફરી શરૂ કરીશું. અંજની ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનાઓ ફરી શરુ કરવાના કારીગરો દ્વારા વળતાં પોસ્ટરો લગાવવાથી કારખાના શરુ કરવાનું વિવર્સોએ નક્કી કર્યું છે. 4 દિવસથી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવા છતાં એક પણ કારીગર પાવરલૂમ કારખાને કામે ચઢ્યો ન હતો. અંજની ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના પ્રમુખ વિજય માંગુકિયાએ કહ્યું હતું કે, પોલીસ બંદોબસ્ત હોવા છતાં અસામાજિક તત્વોએ ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લઈ દાદાગીરીની હદ પાર કરી છે. ‘20 પૈસા મજૂરીનો દર વધારો લીધા વિના કામ કરશો તો હાથ-પગ કાપી નાખીશું’ એવા ધમકીભર્યા પોસ્ટરો અને ઉડિયા ભાષામાં થયેલા મેસેજને લીધે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં 300 જેટલા લુમ્સના કારખાના બંધ થયાં છે. અસામાજિક તત્વોના ભયે કારીગરો કામે ચઢતા નથી.
પ્રત્યેક વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દિવાળી વેકેશન દરમિયાન અમરોલી-સાયણ સ્થિત અંજની વિવિંગ ઈન્ડસ્ટ્રીઝમાં ઉડિયા ભાષામાં ભડકાઉ પોસ્ટરો લગાવાતાં વિવિંગ સોસાયટીના પ્રમુખે પોલીસને ફરિયાદ કરી હતી. ‘20 પૈસા મજૂરીનો દર વધારો લીધા વિના કામ કરશો તો હાથ-પગ કાપી નાખીશું’.એવા પોસ્ટરો કારખાના બહાર ચોંટાડવામાં આવતાં કારીગરો અને વિવર્સ ફફડી ઉઠ્યા હતાં. દિવાળી બાદ છેલ્લા ચારેક વર્ષથી વિવિંગ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પરપ્રાંતીય કામદારો દ્વારા મજુરીના દરોમાં વધારાની માગ સાથે હિંસક તોફાનો અને આંદોલન કરવામાં આવી રહ્યાં છે. આ વખતે મજૂરીના દરમાં 20 પૈસા વધારાની માંગ મુકવામાં આવી છે.
આ માંગ કોણ મૂકે છે કોણ પોસ્ટર લગાવે છે આજ સુધી પોલીસ શોધી શકી નથી. કામદારોને ઉડિયા ભાષામાં સોશિયલ મીડિયા મારફતે ઍક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે, વિવિંગનું કારખાનું ચલાવતા શેઠિયાઓ કરોડપતિ થઈ ગયા છે. તેથી કામદારોને પણ મજૂરીના ભાવમાં મીટરે 20 પૈસાનો વધારો આપવો જોઈએ. ભૂતકાળમાં કામદારો દ્વારા હિંસક તોફાનો અને આંદોલનો થઈ ચૂક્યા છે. કારખાનાઓને આગ લગાડવાથી લઈ તાકાઓ ફાડી નાંખવા, તોડફોડ કરવા સુધીની ઘટનાઓ બની હોવાથી પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે.