વલસાડમાં આજે તા.12જૂન 2025ના રોજ ગૌરવ પથ રોડ પર બેંકની બહાર રૂ. 5 લાખ રોકડા સાથેની થેલી ચોરી કરી ગયું હોવાની ઘટના બની છે. એક વૃદ્ધે બેંકમાથી પૈસા ઉપાડી કાપડની થેલીમાં મુક્યા હતા . આ થેલી બાઇક પર લટકાવી તેઓ ડ્રાયફ્રૂટ લેવા પહોંચતા ચોર પોતાનું કામ કરી ગયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડના ઘડોઇ ગામે રહેતા દિનેશભાઇ ભીમાભાઇ પટેલ (ઉ.વ.63) આજરોજ રોજ પોતાના ઘરના બાંધકામનું કામ ચાલતું હતું . તે દરમિયાન પૈસાની જરૂર પડતાં વલસાડ ગૌરવ પથ રોડ પર આવાબાઇ સ્કૂલ સામે ઇન્ડિયન બેંકમાં પૈસા ઉપાડવા આવ્યા હતા. તેમણે પૈસા ઉપાડ્યા અને કાપડની થેલીમાં મુક્યા હતા.
ત્યારબાદ તેમને ડ્રાયફ્રુટ લેવાનું યાદ આવતા થેલી બાઇક પર મુકીને ડ્રાયફ્રુટ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન એક ઇસમ તેમની પૈસા ભરેલી થેલી કાઢી બીજા ઇસમ સાથે બાઇક પર સવાર થઇ ફરાર થઇ ગયો હતો. તપાસતા જાણ થઈ છે કે, ચોરી કરનારે કાળા કલરની ટોપી પહેરી હતી. તેમજ અન્ય ઇસમ પાસે પલ્સર બાઇક હતું. આ ઘટના બાદ સિટી પોલીસે સમગ્ર વિસ્તારમાં તેની ભાળ કાઢવા સીસી ટીવી કેમેરા ફંગોળવાનું શરૂ કર્યું છે. જોકે, અત્યાર સુધી આ ચોરો હાથ લાગ્યા નથી. હાલ પોલીસે આ બનાવ સંદર્ભે દિનેશભાઇની ફરિયાદ લઇ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.