Gujarat

વહુને દીકરી સમાન માન આપવું જોઈએ : હર્ષ સંઘવી

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ૩૫મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવદંપતીઓને આશીર્વાદ આપી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે સમારંભને સંબોધતા કહ્યું હતું કે લગ્ન પછી ઘરે પધારેલી વહુને પોતાની દીકરી સમાન માન-સન્માન અને પ્રેમ આપવો જોઈએ, કારણ કે પરિવારના સંસ્કારથી જ સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે.

કાર્યક્રમ દરમિયાન ડે સીએમ સંઘવીએ જણાવ્યું હતું કે ઠાકોર સમાજ અને રાજ્ય સરકાર વચ્ચે હૃદયથી જોડાયેલો અતૂટ સંબંધ છે. સમાજના યુવાનોનો વિકાસ અને મજબૂત નેતૃત્વ ઉભું કરવું સરકારનું મહત્વપૂર્ણ ધ્યેય છે. તેમણે ઉમેર્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી વિકાસયાત્રા આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ ગતિ સાથે આગળ વધી રહી છે.

નાયબ મુખ્યમંત્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓથી ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને સીધો લાભ મળી રહ્યો છે. તેમણે સમાજના આગેવાનોને અપીલ કરી હતી કે સરકારની આ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેની જવાબદારી સમાજે પણ નિભાવવી જોઈએ.સામાજિક પરિવર્તન અને શિક્ષણના મહત્વ પર ભાર મૂકતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમાજના વિકાસ માટે શિક્ષણ અને સંસ્કાર બંને જરૂરી છે. તેમણે ખાસ કરીને માતાઓને સંબોધતાં કહ્યું હતું કે લગ્ન બાદ ઘરે આવતી વહુને પોતાની દીકરી સમાન સ્નેહ અને સન્માન આપવાથી પરિવાર અને સમાજ બંને મજબૂત બને છે.

Most Popular

To Top