SURAT

વિદેશમાં દીકરી પર હુમલો,સુરતમાં ધમકી,મહિલા કોર્પોરેટરના પરિવારે ઉઠાવ્યો અવાજ બિલ્ડરને નોટિસ બાદ રાજકીય ગરમાવો

સુરત શહેરમાં ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. ભાજપની મહિલા કોર્પોરેટરની કેનેડામાં ભણતી દીકરી પર તબક્કાવાર ત્રણ વખત સ્પ્રે છાંટી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ બનાવ બાદ પરિવાર પર ધમકીઓનો સિલસિલો શરૂ થયો હોવાનું સામે આવ્યું છે.મહિલા કોર્પોરેટરના પતિને વોટ્સએપ પર ગર્ભિત ધમકી ભર્યો મેસેજ મોકલાયો હતો. મેસેજમાં લખાયું હતું – “તમારી દીકરી વિદેશમાં ભણવા ગઈ છે, ખૂબ ખૂબ અભિનંદન… શહેરમાં કોઈ સાથે ખોટું નહીં કરતા તો ઈશ્વરની શક્તિ તમારી છોકરી સાથે ખોટું નહીં થવા દે… હવે ધ્યાન રાખજો, કોઈની સાથે ભ્રષ્ટાચાર કરતા પહેલા મહેરબાની કરશો.”

આ મેસેજ બાદ પરિવાર ચિંતિત બન્યો અને દીકરી પર થયેલા હુમલાને પગલે તે પરત ભારત આવી હોવાનું જાણવા મળ્યું છે. મામલો ગંભીર બનતા સુરત સાયબર ક્રાઇમ સેલે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.જો કે તપાસ દરમિયાન જે નંબર પરથી ધમકી આપવામાં આવી હતી તે ડમી નંબર હોવાનું સામે આવ્યું છે. આ નંબરનો ઉપયોગ વરિયાળી બજાર સ્થિત હોડી બંગલાના બિલ્ડર રિફાઈ મુહમંદ અશફાક નઈમદ્દીન દ્વારા થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પોલીસે બિલ્ડરને નોટિસ ફટકારી છે અને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી છે.

શહેરના રાજકીય વર્તુળોમાં આ બનાવે ભારે આક્રોશ ફેલાવ્યો છે. પ્રશ્ન એ છે કે શું આ માત્ર વ્યક્તિગત રોષ છે કે કોઈ મોટા ગૂઢ ષડયંત્રનો ભાગ? સુરત સાયબર ક્રાઇમ સેલ હવે ડિજિટલ પુરાવા, કોલ ડેટા અને મેસેજ ટ્રેલના આધારે સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે.શહેર રાહ જોઈ રહ્યું છે, સત્ય બહાર આવશે કે નહીં?

Most Popular

To Top