National

નવો ડેટા પ્રાઇવસી કાયદો આવશે: ડેટા ટ્રાન્સફર બાબતે મોટી વૈશ્વિક કંપનીઓને રાહત મળશે

નવી દિલ્હી: સરકારે આજે એક નવા ડેટા પ્રાઇવસી (Data privacy) કાયદાની દરખાસ્ત મૂકી હતી જે યુઝરોના પર્સનલ ડેટાને (Personal Data) કેટલાક વિદેશોમાં ટ્રાન્સફર કરવા અને સંગ્રહ કરવાની પરવાનગી આપે છે જો કે તે સાથે નિયમભંગ કરનાર માટે વધુ મોટા દંડની જોગવાઇ આ દરખાસ્તમાં છે.

સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેકશન ખરડો ૨૦૨૨ એ ગૂગલ, એમેઝોન, ફેસબુક તથા અન્ય વૈશ્વિક કંપનીઓ માટે મોટી રાહતરૂપ બની રહેશે, જે ખરડો તેની જૂની આવૃતિનું સ્થાન લઇ રહ્યો છે. જૂના અને પાછા ખેંચાયેલા ખરડામાં સરહદ પારના ડેટા પ્રવાહ માટે ઘણા કડક નિયમો હતા તેના કારણે મોટી ટેક કંપનીઓ માટે મુશ્કેલી સર્જાઇ રહી હતી. આજે ખુલ્લા મૂકવામાં આવેલા આ ખરડામાં જણાવવામાં આવ્યું છે કે સરકાર એ દેશો કે પ્રદેશોના નામો જાહેર કરશે જ્યાં કોઇ કંપની પોતાના ગ્રાહકોના ડેટા ટ્રાન્સફર કરી શકે છે. આ નવો ખરડો જાહેર જનતાના સૂચનો મંગાવવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ નવો ખરડો એકવાર સંસદ મંજૂર કરે તેના પછી કાયદો બનશે.

આ નવા સૂચિત કાયદામાં એવી જોગવાઇ છે કે પર્સનલ ડેટા ભેગો કરતા પહેલા કંપનીઓને ગ્રાહકોની મંજૂરી લેવી પડશે અને જે વ્યક્તિ કે કંપની ડેટાની ગોપનીયતાનો ભંગ અકસ્માતે ખુલ્લા થઇ જવા, શેરિંગ, અદલા બદલી વગેરે વડે કરે અથવા તો પર્સનલ ડેટા નાશ પામે તેવા સંજોગોમાં તેમને રૂ. પ૦૦ કરોડ જેટલા દંડની જોગવાઇ આ ખરડામાં કરવામાં આવી છે. કંપનીઓને ફક્ત ચોક્કસ સમય માટે જ ભેગો કરાયેલા ડેટા સંગ્રહ કરવાની છૂટ રહેશે. આ પહેલા ૨૦૧૯માં જારી કરવામાં આવેલા પર્સનલ ડેટા પ્રોટેકશન ખરડામાં રૂ. ૧૫ કરોડ અથવા કંપનીના વૈશ્વિક ટર્નઓવરના ૪ ટકા જેટલા દંડની જોગવાઇ હતી. જો કે આ ખરડો સરકારે આ વર્ષે ઓગસ્ટમાં પાછો ખેંચી લીધો હતો અને તેને સ્થાને આ નવો ડેટા રક્ષણ ખરડો આવી રહ્યો છે. આ ખરડાનો હેતુ એ છે કે કંપનીઓ ડિજિટલ પર્સનલ ડેટાનું પ્રોસેસિંગ એ રીતે કરે કે જે પોતાના અંગત ડેટાના રક્ષણ કરવાના વ્યક્તિઓના અધિકારનું રક્ષણ કરે એ મુજબ આ સૂચિત ખરડા અંગેની ખુલાસા નોંધમાં જણાવાયું છે.

આ નવા ખરડામાં ડેટા પ્રોટેકશન બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવાની દરખાસ્ત છે, જે આ ખરડાની જોગવાઇઓ મુજબ કાર્યવાહીઓ ચલાવશે. આ ખરડામાં ડેટા ફંકશનરીઓ માટે એક ગ્રેડેડ પેનલ્ટી સિસ્ટમની જોગવાઇ કરવાની દરખાસ્ત છે જે ફંકશનરીઓ કાયદાની જોગવાઇઓ મુજબ ડેટા માલિકોના અંગત ડેટાનું પ્રોસેસિંગ કરશે. આ જ પેનલ્ટીઓ ડેટા પ્રોસેસરને પણ લાગુ પડશે, જેઓ ડેટા ફંકશનરીઓ વતી ડેટા પ્રોસેસ કરે છે. જો ડેટા ફંકશનરી કે ડેટા પ્રોસેસર તેના કબજા હેઠળના અંગત ડેટાઓના રક્ષણ કરવામાં નિષ્ફળ જશે તો તેવા સંજોગોમાં તેમને રૂ. ૨૫૦ કરોડના દંડની જોગવાઇ છે. આ ભંગની જાણ બોર્ડ અને ડેટા ઓનરને કરવામાં નિષ્ફળતા બદલ ડેટા ફંકશનરી અથવા ડેટા પ્રોસેસરને રૂ. ૨૦૦ કરોડના દંડની દરખાસ્ત છે. આ ખરડો પ્રજાના અભિપ્રાયો મંગાવવા માટે ૧૭ ડિસેમ્બર સુધી ખુલ્લો રાખવામાં આવશે.

Most Popular

To Top