સુરત: કેન્દ્રના ટેક્સટાઇલ રાજ્યમંત્રી (darshna jardosh textile minister) બન્યા પછી સુરત (Surat)ની મુલાકાતે આવેલા સાંસદ દર્શના જરદોષને સન્માનિત કરવા માટે ટેક્સટાઇલ સંગઠનો (textile assosiation)માં હોડ શરૂ થઇ છે. દર્શનાબેન માત્ર સાંસદ હતા ત્યારે રજૂઆત કરવાની પણ તસ્દી ન લેનાર ફોસ્ટા (fosta) દ્વારા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી હોટેલના હોલમાં તેમનો સન્માન સમારોહ યોજાયો હતો. દર્શનાબેને પોતાના વક્તવ્યમાં વેપારીઓને આડેહાથ લેતા કહ્યું હતું કે ફોસ્ટાના આંકડાઓ હવાહવાઇ જેવા છે.
સુરતના એકપણ વેપારીએ હેન્ડલુમની જેમ ટેક્સટાઇલ મંત્રાલયમાં નોંધણી કરાવી નથી. તેમણે ટોણો મારતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન માત્ર અખબારોમાં વાંચુ છું કે, ફોસ્ટાએ ટેક્સટાઇલના ફલાણા પ્રશ્નો માટે સરકારમાં રજૂઆત કરી છે. પરંતુ હકીકત એ છે કે ફોસ્ટાએ સાંસદ તરીકે મને કોઇ રજૂઆત કરી નથી આગેવાનોએ અને વેપારીઓએ ટુ-વે વાત કરવાની ટેવ પાડવી પડશે. એક દિવસમાં ઢગલાબંધ માંગણીઓનો ઉકેલ આવી શકે નહીં. સન્માન સમારોહમાં ડિમાન્ડનો બોજ નાખવો નહીં જોઇએ તેના માટે અલગથી બેઠક યોજીશું. સુરતમાં સત્તાના કેન્દ્રો વિભાજીત થયા હોવાની દિશામાં તેમણે ઇશારો કર્યો હતો કે કાપડના વેપારીઓએ યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરવી જોઇએ.
રમકડાની દુકાનમાં બાળકો બધી વસ્તુઓ માંગે છે પણ માતા પિતા જે સારું હોઇ તે જ આપે છે : દર્શના જરદોષ
ફોસ્ટાની સંખ્યાબંધ માંગણીના ઉત્તરમાં દર્શના જરદોષે કહ્યું હતું કે, રમકડાની દુકાનમાં બાળક જેમ બધી જ વસ્તુઓની માંગણી કરે છે પરંતુ માતા પિતા તેને જે રમકડાની જરૂર છે તે જ અપાવે છે. છેલ્લા 12 વર્ષમાં સાંસદ તરીકે ઘણુ કામ કર્યું છે. દરેક ડિમાન્ડ પૂરી થાય તેમ નથી. ફોસ્ટાએ ટ્રેડર્સને લગતા આંકડાઓમાં સુધારો કરીને નોંધણી કરાવવી જોઇએ.
કાપડ માર્કેટના આગેવાનો પાસે 1 કલાકનો પણ સમય નથી નેતાઓ સાથે ફોટા પડાવી જતા રહે છે : રેલ રાજ્ય મંત્રી
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી હોટેલના હોલમાં જુદી જુદી માર્કેટના આગેવાનો ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોષને સન્માનિત કરી, ફોટાઓ પડાવી હોલ છોડી જતાં તેમના સંબોધન વખતે 50થી 60 વેપારીઓ બચ્યા હતાં. આ દ્રશ્ય જોઇને દર્શના જરદોષે રમુજ કરી હતી કે કાપડ માર્કેટના આગેવાનો પાસે પ્રશ્નો ઘણા છે. પણ તેનો ઉકેલ સાંભળવા 1 કલાકનો સમય પણ નથી. સન્માનિત કરવા આવેલા આગેવાનો ફોટા પડાવીને જતાં રહ્યા છે. નેતાઓ સાથે ફોટા પડાવવાની ટેવ છોડવી જોઇએ.