ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ બિહાર એકમના નવા પ્રદેશ પ્રમુખ તરીકે દરભંગા શહેરના ધારાસભ્ય સંજય સરાવગીની નિમણૂક કરી છે. તેઓ હાલના પ્રદેશ પ્રમુખ અને ઉદ્યોગ મંત્રી દિલીપ જયસ્વાલનું સ્થાન લેશે. પાર્ટી દ્વારા કરવામાં આવેલી આ મહત્વપૂર્ણ નિમણૂક આજે 15 ડિસેમ્બર 2025થી અમલમાં આવી છે. આવનારા સમયમાં બિહારમાં સંગઠન મજબૂત બનાવવા અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંજય સરાવગી બિહાર ભાજપના અનુભવી અને વિશ્વસનીય નેતાઓમાં ગણાય છે. તેઓ દરભંગા શહેર વિધાનસભા મતવિસ્તારથી સતત છ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. તેમણે 2005 (ફેબ્રુઆરી), 2005 (ઓક્ટોબર), 2010, 2015 અને 2020ની વિધાનસભા ચૂંટણીમાં સતત જીત મેળવી છે. છેલ્લા બે દાયકાથી તેઓ સ્થાનિક રાજકારણમાં મજબૂત પકડ ધરાવે છે.

સંજય સરાવગીનો જન્મ 28 ઓગસ્ટ 1969ના રોજ દરભંગામાં થયો હતો. વૈશ્ય સમુદાયમાંથી આવતા સરાવગી પાસે એમ.કોમ અને એમબીએની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત છે. વિદ્યાર્થી જીવન દરમિયાન જ તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે સક્રિય રહ્યા હતા અને 1995માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
સંજય સરાવગીની રાજકીય કારકિર્દી
તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1999માં થઈ હતી. 2001માં તેઓ દરભંગા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપ પ્રમુખ બન્યા હતા. 2002માં વોર્ડ નંબર 6માંથી કાઉન્સિલર તરીકે ચૂંટાયા બાદ 2003માં દરભંગા જિલ્લા ભાજપના મહાસચિવ બન્યા હતા. ત્યારબાદ 2005થી સતત તેઓ દરભંગા શહેરના ધારાસભ્ય રહ્યા છે.
2017માં સંજય સરાવગીને બિહાર વિધાનસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 2025માં તેમણે બિહાર સરકારમાં મહેસૂલ અને જમીન સુધારણા મંત્રીનું પદ સંભાળ્યું હતું. હવે પાર્ટીએ તેમને બિહારમાં સંગઠનને નવી દિશા આપવા માટે પ્રદેશ પ્રમુખની મોટી જવાબદારી સોંપી છે.