સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી માવઠું પડતાં સમગ્ર પંથકોમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં છૂટોછવાયો કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકનાં ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે છૂટોછવાયો કમોસમી વરસાદ તૂટી પડતા શીતલહેર વ્યાપી જવા પામી હતી.
ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે માવઠું પડતા ડાંગી ખેડૂતોનાં શાકભાજી, કઠોળ સહિત ફળફળાદી જેવા પાકોને જંગી નુકસાન થયું હતું. ચાલુ વર્ષમાં ડાંગ જિલ્લામાં સતત કમોસમી માવઠાએ કહેર વર્તાવતા કેરીનો પાક નિષ્ફળ જવા પામ્યો છે. પ્રવાસન સ્થળ ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં બદલ થતાં અહીંના જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બન્યુ હતું. શુક્રવારે ગુડ ફ્રાઈડેની રજા હોવાથી સાપુતારા ફરવા આવેલા પ્રવાસીઓએ ત્રિ-ચક્રીય ઋતુનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
નવસારીમાં દઝાડતી ગરમી, મહત્તમ 38.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી નોંધાયું
નવસારી : નવસારીમાં વાતાવરણ પલ્ટો આવતા જિલ્લામાં વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ હવે ગરમીનો પારો વધી જતા જિલ્લામાં દઝાડતી ગરમી પડી રહી છે. આજે તાપમાનમાં વધારો થતા મહત્તમ 38.5 ડિગ્રી અને લઘુત્તમ 24.5 ડિગ્રી નોંધાયું છે. હાલમાં નવસારી જિલ્લામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. જેથી જિલ્લામાં હાલમાં દઝાડતી ગરમી પડી રહી છે. વાતાવરણમાં ઠંડક રહ્યા બાદ હવે દઝાડતી ગરમીને લીધે લોકો ગરમીથી અકળાઈ રહ્યા છે. આજે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ગરમીમાં વધારો થયો હતો.
શુક્રવારે નવસારીમાં મહત્તમ તાપમાનમાં 2.1 ડિગ્રીનો વધારો થતા 38.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં અડધા ડિગ્રીનો વધારો થતા 24.5 ડિગ્રી નોંધાયું છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 27 ટકા જેટલું રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશાએથી 6.7 કિ.મી. ઝડપે પવનો ફૂંકાયા હતા.