સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ (Dang) જિલ્લામાં સતત બે દિવસથી પાછોતરો વરસાદ (Rain) જામતા ડાંગી ખેડૂતોનાં (Farmer) પાકોને જંગી નુકસાનની દહેશત વર્તાઈ છે. ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. મંગળવારે રાત્રીનાં અરસામાં થોડાક સમય માટે સુબિર સહિત ગિરિમથક સાપુતારા પંથકનાં ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે પાછોતરો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. જ્યારે આહવા અને વઘઇ પંથકમાં થોડા સમય માટે મધ્યમ વરસાદ નોંધાયો હતો.
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા પંથકમાં સતત બીજા દિવસે વરસાદી તાંડવે ડાંગરનાં પાકોને ઘમરોળ્યા હતા. ગિરિમથક સાપુતારા પંથકમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામતા સમગ્ર વાતાવરણ ખુશનુમામય બની જવા પામ્યુ હતુ. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 5 મિમી, વઘઇ પંથકમાં 05 મિમી, સુબિર પંથકમાં 26 મિમી અર્થાત 1 ઈંચ જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 38 મિમી અર્થાત 1.52 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત વલસાડમાં બુધવારે બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટું પડ્યું હતું. છેલ્લા કેટલાય દિવસોથી વાતાવરણ વાદળછાયું રહેતા ઉકળાટ અને ગરમીથી લોકો હેરાન હતા. જેના કારણે ઝરમર વરસાદ વરસતાં લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી.
કપરાડામાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ
વલસાડ : વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વાદળીયું હવામાન રહ્યા બાદ બુધવારે સાંજે કપરાડા સહિત પારડીના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા વધી છે. તો થોડા દિવસો બાદ આવનારા દિવાળી પર્વને લઈ વેપારીઓ પણ મૂંઝાયેલા જોવા મળી રહ્યા છે. ગત દિવસોમાં થોડા વરસાદ બાદ બુધવારે અચાનક વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા કોરોનાની માર માંથી માંડ બેઠા થયેલા ખેડૂતોના માથે નવી આફત આવી છે. હાલે હલકા પ્રકારનીના ડાંગરનો પાક તૈયાર હોઈ દિવાળી અગાઉ તેની કાપણી કરવાની તૈયારીઓ ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે વિશેષ કરી કપરાડા તાલુકામાં આજે વરસેલા વરસાદના પગલે ડાંગરના પાકને નુકશાન થયું છે. તૈયાર શાકભાજીના પાકમાં પણ નુકશાનની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જોકે વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે, પેક કરી મૂકી દીધેલા રેઇન કોટ અને છત્રી લોકોએ ફરી બહાર કાઢવી પડી હતી.