સાપુતારા : ભારતનાં (India) દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશનાં (MP) ભેડાઘાટ (જબલપુર) સ્થિત ‘ધુંઆધાર વોટરફોલ’ ની યાદ અપાવતો અને ડાંગનાં નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો ગીરાધોધ, ખાસ કરીને ચોમાસામાં ડાંગ અને સાપુતારાનાં પ્રવાસીઓની પહેલી પસંદ છે. સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમાં શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના ‘ધુંઆધાર વોટરફોલ’ની યાદ અપાવી જાય છે. હા, તમે ડાંગનાં નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.
અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીં પર્યટકોનો મેળાવડો જામે છે. પ્રકૃતિનાં ચાહક એવા પર્યટકોની અહીંની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણુ બની રહે તે માટે, અહીં પાયાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગીરાધોધ’ ખાતે રૂ.2.15 કરોડના ખર્ચે ‘સોવેનિયર શોપ સંકુલ’ તૈયાર કરીને, રાજ્ય સરકારે અહીં 32 જેટલી દુકાનોના માધ્યમથી પર્યટકોને સુવિધા મળવા સાથે સ્થાનિક પરિવારોને રોજગારી મળી રહે અને પર્યટકોને સ્થાનિક ચીજવસ્તુઓ સહિત ખાણીપીણીની સુવિધાઓ પણ સરળતાથી મળી રહે, તેવા અભિગમ સાથે આ દુકાનોનુ પી.પી.પી. ધોરણે સંચાલન સોંપીને, ૩૨ પરિવારોને રોજગારી પુરી પાડી છે.
વન વિભાગે ‘નો પ્લાસ્ટિક ઝોન’ જાહેર કર્યો છે
વન વિસ્તારમાં પ્રવાસે આવતા પ્રવાસીઓને વન જતન અને સંવર્ધનના કાર્ય માટે પ્રોત્સાહિત કરવા સાથે, ડાંગ જિલ્લાને વન વિભાગે ‘નો પ્લાસ્ટિક ઝોન’ જાહેર કર્યો છે ત્યારે પર્યાવરણને કોઈ નુકશાન ન પહોંચે તેની તકેદારી દાખવવા પણ વન વિભાગે અપીલ કરી છે. ગીરાધોધથી તમે ડાંગ જિલ્લાની યાદગીરીરૂપે વાંસની વિવિધ બનાવટો જેવી કે રમકડા અને શો પીસ સહિત નાગલી અને તેના વિવિધ ઉત્પાદનોની ખરીદી કરી શકો છો. ગીરાધોધ ખાતે સ્થાનિક વેપારી પરિવારો પર્યટકો સાથે તાદાત્મ્યતા કેળવી, તેમના વેપાર ધંધાના વિકાસ સાથે ડાંગ જિલ્લાના આતિથ્ય સત્કારની ઉચ્ચત્તમ પરંપરાનો પણ પરિચય કરાવી રહ્યા છે.
ભૂતકાળમાં અહીં બાવીસ લોકો જીવ ગુમાવી ચુક્યા છે.
પ્રવાસીઓની સુરક્ષા બાબતે પણ તંત્રે અહીં વિવિધ માર્ગદર્શક બોર્ડ મૂકીને, પર્યટકોને ગીરાધોધ, અને નદીમા ન્હાવા કે ઉતરવાની મનાઈ ફરમાવી છે. ભૂતકાળમાં અહીં એક બે નહી, પુરા બાવીસ લોકો તેમનો અમૂલ્ય જીવ ગુમાવી ચુક્યા હોવાની વિગતો પણ અહીં દર્શાવાઇ છે.