દમણ: સંઘપ્રદેશ દમણ (Daman) પોલીસે (Police) દેહ વ્યાપારમાં મહિલાઓને ધકેલતા 2 દલાલની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 2 ઓગસ્ટના રોજ પોલીસને ખાનગી રાહે બાતમી મળી કે, અજાણ્યો કોઈ વ્યક્તિ મહિલાઓને દેહ વ્યાપાર કરવા માટે દબાણ કરે છે. આ પ્રમાણેની જાણકારી મળતાં જ પોલીસે એક ડમી ગ્રાહક સાથે ટીમ બનાવી યુવતીઓને નાની દમણ તીનબત્તી પાસે બોલાવવા દલાલને ફોન કર્યો હતો. જ્યાં મોટર સાયકલ પર એક શખ્સ 2 યુવતીને લઈને આવતા જ પોલીસે આ શખ્સને રંગે હાથ પકડી પાડ્યો હતો.
પોલીસે યુવતીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, બાઈક ઉપર આવેલો વ્યક્તિ તથા અન્ય એક શખ્સ તેના આર્થિક લાભ માટે આ અનૈતિક ધંધામાં ધકેલવા દબાણ કરતા હતા. આ પ્રમાણેનું નિવેદન મહિલાઓ પાસેથી મળતા જ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપી દલાલ મુર્શિદખાન અને રકીબુલ સિકંદર (બંને રહે. વાપી ગાલા મસાલા, મૂળ વેસ્ટ બંગાળ)ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી તેમની પાસેથી 2 મોબાઈલ અને એક મોટર સાયકલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડાંગ સુબીરના જામનસોંઢાથી 4,800ના દારૂ સાથે બેની ધરપકડ
સાપુતારા: ડાંગનાં સુબીર તાલુકામાં જામનસોંઢા ગામમાંથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે પોલીસે બેને ઝડપી પાડ્યા હતાં તેમજ કુલ કિંમત રૂપિયા 29,800/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાની સુબીર પોલીસને બાતમી મળી હતી કે કારમાં દારૂનો જથ્થો ભરી 2 ઈસમો જામનસોંઢા ગામમાંથી પસાર થનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે મારુતિ સુઝુકી કંપનીની સિલ્વર કલરની મારુતિ સુઝુકી-800 કાર રજી. નં.MH-15-BX-6106 આવતા પોલીસે તેની તપાસ કરી હતી. કારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કારમાં સવાર સંજયભાઇ બાબુભાઇ ગાવિત (રહે.વડકણબી,નવાપુર જી.નંદુરબાર ) અને સુનિલ માવજીભાઈ ગાવીત (રહે. સાદડુન તા.સોનગઢ જી.તાપી)ને અટકાયતમાં લીધા હતા. તેમજ કારમાંથી મળી આવેલ કુલ બોટલ નંગ 96 જેની કિંમત રૂપિયા 4800/- હોય તથા કાર જેની કિંમત રૂપિયા 20,000/- હોય તથા મોબાઈલ જેની કિંમત રૂપિયા 5000/-મળી કુલ કિંમત રૂપિયા 29,800/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર મદનભાઈ કરનસિંગભાઈ ગાવીત (રહે. ધનરાત, નવાપુર જી. નંદુરબાર) અને દારૂનો જથ્થો મંગાવનાર સોનુભાઈ (રહે. ધવલી દોડ તા.આહવા જી.ડાંગ )ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આ અંગેની ફરિયાદ સુબીર પોલીસ મથકે નોંધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.