પકડાયેલા આરોપીએ દમણના એક શખ્સને ડિજિટલ એરેસ્ટ થકી ધમકી આપી 27.90 લાખ જેટલા રૂપિયા આર.ટી.જી.એસ. થકી ટ્રાન્સફર કરાવી કરી છેતરપિંડી કરી હતી. સંઘપ્રદેશ દમણના ડાભેલ પોલીસ મથકે તા.2 ડિસેમ્બર 2024 ના રોજ ફરિયાદી રાકેશ ભુવનેશ્વર ચૌરસિયાએ તેમની ફરિયાદ આપી હતી કે, 11નવેમ્બર 24ના રોજ સવારે અજાણ્યા મોબાઈલ નંબર પરથી તેમને કોલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેઓ ટેલિકોમ વિભાગ તરફથી વાત કરી રહ્યા છે. અને તેમનો રજીસ્ટર મોબાઇલ નંબર પર ગેરકાયદે જાહેરાત અને ધમકી ભર્યા મેસેજ જઈ રહયા છે.
જે બાબતે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. જો કેસને રોકવો હોય તો એક પોલીસ ક્લેરિફિકેશન લેટર મંગાવો પડશે. આ પ્રમાણેનું જણાવતાં ફરિયાદી ડરી ગયો હતો. જે બાદ બીજા દિવસે એક અલગ નંબર પરથી વોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો. જેમાં સામે વાળી વ્યક્તિ તેને પોતે મુંબઈના અંધેરી પોલીસ મથકેથી વાત કરી રહ્યો હોવાનું જણાવી અલગ અલગ નોટિસ ફરિયાદીને મોકલી વધુ ડરાવ્યો હતો.
જે બાદ ફરિયાદીને 2 વિકલ્પ આપી જણાવ્યું કે ક્યાં તો 3 મહિના જેલમાં વિતાવી પોલીસ ક્લેરિફિકેશન લઈ લો અથવા તો ઓનલાઇન થકી 24 કલાકમાં ક્લેરિફિકેશન લઈ શકો છો. જે બાદ આરોપીઓએ ફરિયાદીને ડરાવી ધમકાવી આર.બી.આઈ. પાસે તેમના એકાઉન્ટ નંબરની ચકાસણી કરવા હેતુ તેમનો એકાઉન્ટ નંબર મેળવી તેમને બીજા દિવસે તાત્કાલિક તેમના એકાઉન્ટમાંથી જેટલા પણ પૈસા હોઈ તેમને આર.બી.આઈ.ના એકાઉન્ટમાં જમાં કરાવવા જણાવ્યું હતું.
જો બધું બરાબર હશે તો પછી પાછા તેમના પૈસા એકાઉન્ટમાં રિફંડ કરી તેમને ક્લેરિફિકેશન આપી તેમનો કેસ બંધ કરવા જણાવ્યું હતું. જે બાદ ફરિયાદીએ આરોપીએ આપેલા ખોટા આર.બી.આઈ. એકાઉન્ટમાં એચ.ડી.એફ.સી. બેંક એકાઉન્ટમાંથી 20 લાખ અને યુનિયન બેંક એકાઉન્ટ માંથી 7.90 લાખ મળી કુલ 27.90 લાખ આર.ટી.જી.એસ. થકી ટ્રાન્સફર કરાવી લીધા હતા.
જે ઘટનાના સંદર્ભમાં ડાભેલ પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આઈ.ટી. સેલના સહયોગ થકી સંબંધિત બેંક ખાતા અને મોબાઇલ નંબરોની જાણકારી મેળવી સુચનાઓ પ્રાપ્ત કરી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે આ ગુનામાં આખરે 1 વર્ષના સમયગાળા બાદ આ કામના 7 જેટલા આરોપીઓને પકડી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ગુનામાં પકડાયેલા 7 આરોપીઓ પૈકી;
(1) નીતિન સતીશ જાંગરા ( ઉં- 27, રહે. મહમ સિટી, જિલ્લો રોહતક, હરિયાણા ) છેતરપિંડીથી પ્રાપ્ત કરેલ રકમને એકાઉન્ટમાં જમાં થયા બાદ જમા થયેલી રકમને વૈદ્ય બતાવવા લોનની રકમ હોવાનું બતાવી આ રકમને ઑનલાઇન માધ્યમથી ક્રિપ્ટો કરન્સી ખરીદ્યા હતા.
(2) મહિપાલ ગોપીલાલ સિયાક ઉર્ફે બિસ્નોય ( ઉં. 26 રહે. લોહાવત, ટાટા નગર, જી. ફલોદી, જોધપુર, રાજસ્થાન ) જેણે તેના મિત્રના બેંક ખાતા તથા તેના સંબંધિત ઍક્સેસ મેળવી તેના સહયોગીને આપ્યા હતા. જે થકી લેવડ દેવળમાં સરળતા રહે અને કમિશનના રૂપમાં નાણાં મેળવી શકાય.
(3) પંકજ શરવનકુમાર કરવાસરા ( ઉં. 21 રહે. બજ્જુ ગામ, બિકાનેર, રાજસ્થાન ) જે ફરાર એક આરોપીના દિશાનિર્દેશ પર છેતરપિંડી દ્વારા પ્રાપ્ત થયેલી રકમને બેંક એ.ટી.એમ. થી ઉપાડી કમિશન મેળવ્યું હતું.
(4) અભિષેક તપન ચક્રોબર્તી ( ઉં. 38, રહે. ચિત્રાકર પાર, કૂચ બિહાર, વેસ્ટ બંગાલ ) જેણે આરોપી સ્વપ્ન મોદક ન કહેવા પર નવું બેંક એકાઉન્ટ બનાવી તેનો ઍક્સેસ આરોપીને આપી કમિશન મેળવ્યું હતું.
(5) સ્વપ્ન મધુસૂદન મોદક ( ઉં. 42, રહે. મધ્યમગ્રામ, નોર્થ પરગના, કોલકત્તા ) જેણે પૈસાની લાલચમાં આરોપી અનીસ ને બેંક એકાઉન્ટનો ઍક્સેસ આપ્યો હતો.
(6) અનીસ ઉજ્જમન સરકાર ( ઉં. 22, રહે. બોનગાવ, વેસ્ટ બંગાલ ) જેણે પ્રાપ્ત થયેલી રકમને ઑનલાઇન બેટિંગ અને ગેમિંગ એપ્સમાં રોકાણ કર્યું હતું.
(7) સિદ્ધાર્થ બિશ્વાસ ( રહે. નદિયા, વેસ્ટ બંગાલ ) જેણે કમિશનના લાલચમાં અનીસ નો સાથ આપ્યો હતો. હાલ તો પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવાની અને છેતરપિંડીથી મેળવેલ રકમની રિકવરી કરવાની કાર્યવાહી શરૂ કરી છે.