ભરૂચ: દમણથી (Daman) સારંગપુર (Sarangpur) કષ્ટભંજન દેવના દર્શને જતા શ્રદ્ધાળુઓની લક્ઝરી બસને (Bus) ભરૂચ હાઇવે (Highway) પર નબીપુર નજીક અકસ્માત (Accident) નડ્યો હતો. નબીપુર હાઇવે પર ભૂખીખાડી નજીક સિક્સલન હાઇવે પર બે લેનનો છોડી દેવાયેલા સાંકળા બ્રિજના કારણે મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ હતી. દમણથી ૫૦થી વધુ ભક્તોને લઈ લક્ઝરી બસ સારંગપુર કષ્ટભંજન દેવના દર્શને જઈ રહી હતી. રાતે ૧૨ વાગ્યા બાદ ખાનગી બસ નબીપુર હાઇવે પર ભૂખી ખાડી પરથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક સાંકળા બ્રિજના પગલે બસ ધડાકાભેર આગળ ચાલતી ટ્રકની પાછળ ઘૂસી જતાં શ્રદ્ધાળુઓની ચિચિયારીઓથી હાઇવે ગૂંજી ઊઠ્યો હતો.
અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાવા સાથે ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવતાં સાયરનોથી હાઇવે ગૂંજી ઊઠ્યો હતો. પોલીસ, ૧૦૮ અને અન્ય વાહનચાલકોએ ઇજાગ્રસ્ત ૧૮ શ્રદ્ધાળુને બહાર કાઢી તાબડતોબ સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. અકસ્માતમાં બસનો આગળનો ભાગ ટ્રકમાં ઘૂસી જતાં કેબિનનો કચ્ચરઘાણ વળી જતાં લક્ઝરી ડ્રાઈવર ફસાઈ ગયો હતો. જીવલેણ ઇજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરને ૧૦૮ની ટીમે અઢી કલાક સુધી ફસાયેલી હાલતમાં જ સારવાર આપી હતી. જે બાદ JCB અને ક્રેઇન આવતાં તેને પતરાં ચીરી બહાર કાઢી વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો.
ઊલટા ચોર કોટવાલ કો ડાંટે: મહુવેજમાં અકસ્માત બાદ ડમ્પરચાલકે કારના કાચ તોડી નાંખ્યા
હથોડા: કોસંબાના મહુવેજ નજીક ઓવરબ્રિજ પાસે રોંગ સાઈડે ધસી આવેલા ડમ્પરના ચાલકે કાર સાથે અકસ્માત કર્યા બાદ ત્રણ અજાણ્યાને બોલાવી કાર પર પથ્થરમારો કરીને નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ કોસંબા પોલીસમથકમાં નોંધાઈ હતી.
અંકલેશ્વરના પીરામણ ખાતે રહેતા એઝાઝખાન અઝીઝખાન પઠાણ અને તેના કાકાનો છોકરો સાદિક જાવીદ પઠાણ ગુરુવારે બપોરે એકાદ વાગ્યાના સમયે અંકલેશ્વરથી કોસંબા પોતાની જીજે 16 ડીજે 9716 નંબરની હુન્ડાઇ ક્રેટા કારમાં અંકલેશ્વરથી કોસંબા આવી રહ્યા હતા. અને મહુવેજ ઓવરબ્રિજ નીચેથી ટર્ન લઈ કોસંબા તરફ વળતા હતા.
ત્યારે રોંગ સાઈડે ધસી આવેલા એક ડમ્પરના ચાલકે કાર સાથે ડમ્પર અથડાવી કારને નુકસાન કર્યુ હતું. જેના કારણે એઝાઝ પઠાણે ડમ્પરના ચાલકને આ બાબતે કહેતાં ડમ્પરચાલકે કહ્યું કે, હમણાં મારો શેઠ આવે છે. તેની સાથે વાત કરજો તેમ જણાવી ડમ્પરના ચાલકે કોઈને ફોન કરતાં એક મોટરસાઇકલ પર ત્રણ અજાણ્યા ઇસમ થોડીકવારમાં ધસી આવ્યા હતા. અને જોરજોરથી ગાળો બોલી બૂમરાણ મચાવતા હતા કે કોણ છે? એટલે ડમ્પરના ચાલકે કાર તરફ ઈશારો કરતાં ત્રણ અજાણ્યા ઈસમ અને ડમ્પરચાલકે કાર ઉપર પથ્થરમારો કરી કારના કાચ તોડી નાંખી હાઇવે પર ભયનું વાતાવરણ ઊભું કરી દીધું હતું.
આ બનાવને પગલે એઝાઝ ખાન અને તેનો સાદિક ગભરાઈ ગયા હતા. કાર ઉપર પથ્થરમારો કરી ડમ્પરચાલક તથા અજાણ્યા ઇસમો ભાગી છૂટ્યા હતા. તેમનાં નામઠામ જાણી શકાયાં ન હતાં. નંબર પ્લેટ પર માત્ર દોસ્ત લખ્યું હતું, નંબર ન હતા. આ બનાવ અંગે કારચાલક એઝાઝે કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.