દમણ : દમણ (Daman)માં છેલ્લા ઘણા દિવસોથી કોરોના (Corona)ના કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. જેને લઈ હવે સામાન્ય જન જીવન પણ ફરી પાટે ચઢ્યું છે. ત્યારે ઘટી રહેલા કેસોને ધ્યાન ઉપર લઈ પ્રશાસને અનલોક પાર્ટ-6 (Unlock 6)ની ગાઈડ લાઈન (Guideline) જારી કરી છે.
જારી કરાયેલી ગાઈડ લાઈન અનુસાર પ્રદેશનાં વિવિધ વિસ્તારોમાં આવેલા ફરવા લાયક સ્થળો જેવા કે, નાની દમણ જેટી ગાર્ડન (Garden), જેટી કિનારો (Beach), સી-ફેસ દરિયા કિનારો, દેવકા (Devka) મોટી દમણ જામપોર બીચ, સી-લીંક રોડ જે શનિ-રવિ (Sat-Sun) અને જાહેર રજાઓ (Holidays)નાં દિવસો દરમ્યાન બંધ રાખવામાં આવ્યા હતા. એ તમામ જગ્યાઓને શનિ-રવિની રજાઓનાં દિવસે પણ લોકોની અવર જવર માટે ખુલ્લા રાખવામાં આવશે.
જેમાં પ્રદેશનાં આવતા પર્યટકો અને અન્ય સ્થાનિક લોકોએ કોવિડ-19 ના નિયમોનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જેમાં શોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક ફરજિયાત રહેશે. આ સાથે જ જાહેરમાં થૂકવા પર દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જારી કરાયેલી ગાઈડ લાઈન અનુસાર દાનહ-દમણ-દીવની તમામ ખાનગી અને સરકારી શાળાઓનાં ધોરણ 9 થી 12 ના વર્ગોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં દરેક ક્લાસ રૂમમાં 50 ટકાની ક્ષમતા સાથે બાળકોને ભણાવવાનાં રહેશે.
જ્યારે ધોરણ 8 સુધીનાં તમામ વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી જ ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરવાનું રહેશે. સ્કૂલમાં પ્રાર્થના સભા, બાળ સભા તથા અન્ય કોઈપણ પ્રકારના મેળાવળાનું આયોજન કરવાનું રહેશે નહીં. સ્કૂલની અંદર સ્કૂલ પ્રશાસને સેનેટાઈઝર તથા બાળકોના શોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેર્યા હોય એની કાળજી લેવાની રહેશે. બાળકોને સ્કૂલે બોલાવતા પહેલા તેમના વાલીઓની સહમતિ પણ અવશ્ય લેવાની રહેશે. સ્કૂલમાં ભણાવતા શિક્ષકો અને અન્ય સ્ટાફ સભ્યોનું ફરજિયાત આર.ટી.પી.સી.આર. અને વેક્સિન સર્ટીફિકેટ પ્રસ્તુત કરવાનું રહેશે. આ સિવાય અગાઉની ગાઈડ લાઈન મુજબ લગ્નમાં 100 અને દુઃખદ પ્રસંગોમાં 50 માણસો જ એકત્ર થઈ શકશે.
આ આદેશ 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. જો કોઈ પણ ઉપરોક્ત આદેશનું ઉલંઘન કરતાં જોવા મળશે એવા સામે કાયદાકીય અને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.