સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના (Dadra Nagar Haveli) મસાટ વિસ્તારમાં રિલાયન્સ (Reliance) પેટ્રોલ પંપની (Petrol pump) બાજુમાં આકાશ એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નં. 406 માં શુક્રવારે શોર્ટ સર્કિટના (Short Circuit) કારણે આગ લાગી હતી. ફ્લેટમાં રહેતા રહીશે સવારે ચા પીવા માટે બેડરૂમમાં ઈલેક્ટ્રિક થર્મોસમાં પાણી ગરમ કરવા માટે બેડ પર મૂક્યું હતું. જે બાદ મકાન માલિક કોઈ કામ અર્થે ઘરની બહાર જતા ઘરનો મુખ્ય દરવાજો અચાનક બંધ થઈ જતા થર્મોસમાં ગરમ કરવા માટે મૂકેલું પાણી બાષ્પીભવન થયા બાદ થર્મોસની અંદર શોર્ટ સર્કિટ થયું હતું.
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી
જેથી બેડરૂમમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા બેડરૂમમાંથી આગની જ્વાળા સાથે કાળો ધુમાડા દેખાતા બિલ્ડીંગના અન્ય રહીશો પણ તાત્કાલિક સુરક્ષિતપણે એપાર્ટમેન્ટની નીચે આવી ગયા હતા. અને ઘટનાની જાણ સેલવાસ ફાયર વિભાગની સાથે સેલવાસ પોલીસને પણ કરતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. સબનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે કોઈ ને પણ ઈજા થવા પામી ન હતી. જોકે, આગને કારણે બેડરૂમમાં મૂકવામાં આવેલો તમામ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.
પતંગ ચગાવવા એક ધાબા પરથી બીજા પર છલાંગ લગાવતાં બાળકનું મોત
પલસાણા: પલસાણાના વાંકાનેડા ગામે એક ૧૨ વર્ષીય બાળક ધાબા પરથી બીજા ધાબા પર પતંગ ચગાવવા માટે છલાંગ લગાવવા જતાં પાંચમા માળેથી નીચે પટકાયો હતો. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.પલસાણાના વાંકાનેડામાં શિવશક્તિ કોમ્પલેક્સમાં રહેતા મદનસિંગ રાજપૂતનો 12 વર્ષીય પુત્ર ગોવિંદ પતંગ ચગાવવા પોતાની બિલ્ડિંગના ધાબા પર ગયો હતો. જ્યાં પહોંચ્યા બાદ તેની બિલ્ડિંગના ધાબાને તાળું મારેલું હોવાથી તે નીચે ઊતરી બાજુની બિલ્ડિંગના ધાબા પર પહોંચી ત્યાંથી તાળું મારેલી તેની બિલ્ડિંગના ધાબા પર જવા માટે બંને બિલ્ડિંગની વચ્ચે આવેલા ઓટીએસથી કોશિશ કરતાં અચાનક પાંચમા માળેથી ગોવિંદ નીચે પટકાયો હતો. આ બનાવમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાળકનું મોત થતાં પરિવાર પણ ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ બનાવ અંગે પરિવારે પોલીસ ફરિયાદ કરી નથી.