થાણે: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુરની એક નામી શાળામાં ચોંકાવનારો બનાવ બન્યો હતો. અહીં બે સગીર બાળકીઓની જાતીય સતામણીનો મામલો સામે આવ્યો હતો. જેથી આખા મહારાષ્ટ્રમાં આક્રોશ ફેલાઇ ગયો હતો. આ મામલે ગઇકાલે મંગળવારે બદલાપુરમાં લોકોએ જોરદાર પ્રદર્શન પણ કર્યું હતું, અને રેલવે સ્ટેશન, સ્કૂલનો ઘેરાવ કર્યો હતો.
બદલાપુરમાં બે બાળકીઓ સાથે થયેલા યૌન શોષણ મામલે નોંધાયેલી FIR અનુસાર શાળાના કર્મચારી અક્ષય શિંદેએ શાળામાં બે બાળકીઓનું યૌન શોષણ કર્યુ હતું. ત્યારે બાળકીના માતા-પિતાએ નોંધાવેલી ફરિયાદમાં બાળકી સાથે શું થયું તેની વિગતો આપવામાં આવી હતી. વાલી દ્વારા મળેલી માહિતી મુજબ આ ઘટના 13 ઓગસ્ટના રોજ સવારે 9 થી 12 વાગ્યાની વચ્ચે બની હતી. જેમાં બે સગીર બાળકીઓ સાથે યૌન શોષણ થયું હતું. દરમિયાન એક બાળકીના પરિવારને 13 ઓગસ્ટના રોજ પોતાની બાળકીને જોઇ શંકા ગઇ હતી, ત્યારે તેમણે પોતાની વ્હાલસોયી દિકરીને પુછતા દિકરીએ સમગ્ર બાબત માતા-પિતાને જણાવી હતી. ત્યારે તેઓએ બીજી બાળકીના પરિવારના સભ્યો સાથે આ મામલે વાત કરી હતી. પીડિત બાળકીના પરિવારે બીજી બાળકીના પરિવારને ઘટનાની જાણ કરી કહ્યું હતું કે તેઓ જાતીય શોષણની ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છે.
પીડિતાએ શાળામાં તેની સાથે શું થયું તે જણાવ્યું
ઘટનાની જાણ થતા બાળકીના માતા-પિતાએ બાળકીના મેડિકલ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. ત્યારે ફરિયાદમાં જણાવાયું હતું કે મેડિકલ રિપોર્ટમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી. અસલમાં રિપોર્ટમાં સામે આવ્યું હતું કે બાળકીનું હાઇમેન તૂટી ગયું હતું. ત્યારે ફરિયાદીએ એફઆઈઆરમાં નોંધાવ્યું હતું કે ઘટનાને પગલે બાળકી ખુબ જ ડરી ગયેલી હતી. તેમજ બાળકીએ પરિવારને કહ્યું હતું કે શાળામાં એક “દાદા (મરાઠી ભાષામાં મોટા ભાઈ માટે વપરાતો શબ્દ)એ મારા કપડા કાઢીને તેના ગુપ્તાંગોને સ્પર્શ કર્યો હતો.”
પરિવારે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે તેઓએ 16 ઓગસ્ટના રોજ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. આતલું જ નહીં પણ પીડિતાના પરિવારે પોલીસ ઉપર પણ આરોપ લગાવ્યો હતો કે પોલીસે 12 કલાક પછી 16 ઓગસ્ટે રાત્રે લગભગ 9 વાગ્યે FIR નોંધી હતી. તેમજ એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ઘટનાનો આરોપી કે જે સ્કૂલમાં એટેન્ડન્ટ હોય, તેણે બાળકીનું યૌન શોષણ કર્યું છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી
ધરપકડ બાદ આરોપીની ઓળખ અક્ષય શિંદે તરીકે કરવામાં આવી હતી, તેમજ બાળકીઓ સાથે શારિરીક અડપલા કરવા બદલ તેના ઉપર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ અને કલમ 65 (2) (12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કાર), 74 (આક્રોશજનક નમ્રતા), ભારતીય ન્યાય સંહિતાની કલમ 75 (ગુનાહિત બળનો ઉપયોગ અથવા વસ્ત્રો ઉતારવાના ઈરાદા સાથે હુમલો) અને 76 (ગુનાહિત બળનો ઉપયોગ કરવાના ઈરાદા સાથે હુમલો) હેઠળ આરોપી ઇસમની ધરપકડ કરવામાં આવી હતી.