નવી દિલ્હી/ગાંધીનગર: બંગાળની ખાડી (bay of Bengal)માં ઉદભવેલ ‘ગુલાબ’ (Gulab) વાવાઝોડાનો અવશેષ 30મીએ અરબી સમુદ્ર (Arabian sea)માં પ્રવેશ કરશે અને એક દિવસ બાદ એટલે કે પહેલી ઑક્ટોબરે તે ચક્ર્વાતી તોફાન (Cyclone)માં પરિવર્તિત થશે અને પછી ભારતીય કાંઠાથી દૂર થઈને પાકિસ્તાન (Pakistan) તરફ આગળ વધશે એમ ભારતીય હવામાન વિભાગની આગાહી જણાવે છે.
આમ, ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્ર પરથી હાલ વાવાઝોડાનો ખતરો ટળ્યો છે પણ એની અસર તળે ભારે વરસાદની સંભાવના છે અને આ ચક્રવાતી તોફાનના ટ્રેક પર ચાંપતી નજર રખાઇ રહી છે. એક વાવાઝોડામાંથી બીજું વાવાઝોડું બને એવું ભાગ્યે જ બને છે પણ આ બની રહ્યું છે. જો કે અગાઉ 2018માં પણ આવી જ રીતે ગાભા વાવાઝોડું બંગાળની ખાડીમાંથી ઉદભવી કેરળ ગયું હતું. આગામી વાવાઝોડાનું નામ ઓમાન દ્વારા શાહિન અપાયું છે. ગુલાબ વાવાઝોડાના અવશેષને લીધે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની વકી છે.
27મી સપ્ટેમ્બરના રોજ આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સા કાંઠા પર ત્રાટકીને ગુલાબ વાવાઝોડું આગળ વધતાં તેની સિસ્ટમમાંથી છૂટી પડેલી એક લો પ્રેશરની સિસ્ટમ દક્ષિણ ગુજરાત સુધી પહોંચી છે. જેના પગલે દક્ષિણ ગુજરાતના સાગરકાંઠે અરબી સમુદ્રમાં (શાહિન નામનું?)વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. જે આગળ વધીને ગુજરાતમાં 48 કલાકમાં ભારે વરસાદ લાવી શકે છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સાગરકાંઠે એલર્ટ જાહેર કરાયું છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સૌરાષ્ટ્ર સહિત તમામ જિલ્લાના અધિક નિવાસી કલેકટરોને એલર્ટ મેસેજ મોકલી દેવાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને માછીમારોને બોટ લઈને દરિયો ખેડવા નહીં જવા સૂચના આપવામાં આવી છે. આ સાયકલોનિક સિસ્ટમની અસર હેઠળ આજે સાંજ સુધીમાં અમરેલીના જાફરાબાદમાં 5 ઇંચ,ભરુચમાં 4 ઇંચ, રાજુલામાં 4 ઈંચ,ભાવનગરના જેસરમાં 4 ઇંચ, જુનાગઢના વિસાવદરમાં પોણા ચાર ઈંચ વરસાદ થયો હતો.
હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે,ગુલાબ વાવાઝોડામાંથી છૂટી પડેલી એક લો પ્રેશરની સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રમાં પ્રવેશ કરી ચૂકી છે. જેના પગલે તે આગળ જતાં વાવાઝોડામાં ફેરવાશે. આજે બુધવારે દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રમાં તેમજ ખંભાતના અખાતમાં આ લો પ્રેશર સિસ્ટમ આગળ વધતી જોવા મળશે. તે આગળ વધ્યા બાદ વાવાઝોડામાં ફેરવાઈ જશે.તે પછી આ વાવાઝોડુ કરાંચી – મકરાન કાંઠા તરફ આગળ વધશે. આ વાવાઝોડાના પગલે પ્રતિ કલાક 60થી વધીને 150 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેમાં ખાસ કરીને જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છને અસર થવાની સંભાવના છે.
હવામાન વિભાગે કહ્યું કે, તેને પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ઉભરી આવવાની અને આવતીકાલે (30 સપ્ટેમ્બર) સુધીમાં ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવના છે. ત્યારબાદ, તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને પછીના 24 કલાક (1 ઓક્ટોબર) દરમિયાન ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે. ત્યારબાદ, તે ભારતથી દૂર જતા પાકિસ્તાન મકરન દરિયાકાંઠે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ કિનારા તરફ આગળ વધવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતના દમણ, દીવ, દાદરા અને નગર હવેલીના અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને ઉત્તર કોંકણના અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે ઉમેર્યું હતું કે, મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને ગુજરાત પ્રદેશ અને ઉત્તર કોંકણના અલગ અલગ સ્થળોએ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.