બંગાળની ખાડીમાં ફરી એકવાર વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે “મોન્થા” નામનું ચક્રવાત તા. 27 ઓક્ટોબર આસપાસ સક્રિય થઈ શકે છે. આ વાવાઝોડાની અસર ઓડિશા, બંગાળ અને તેના આસપાસના રાજ્યોમાં જોવા મળી શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ બંગાળની ખાડીમાં દબાણનું ક્ષેત્ર તા. 25 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશનમાં અને તા. 27 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. જો કે આ ચક્રવાત ઓડિશા પર સીધી અસર કરશે નહીં પરંતુ તા. 27 થી 29 ઓક્ટોબર વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ અને જોરદાર પવનની સંભાવના છે.
હવામાન વિભાગે માછીમારોને તા. 26 ઓક્ટોબરથી દરિયામાં ન જવાની ચેતવણી આપી છે. દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા વિસ્તારમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. રાજ્ય સરકારની આપત્તિ વ્યવસ્થાપન ટીમો હાઇ એલર્ટ પર છે અને તમામ વિભાગોને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.
ઓડિશાના મહેસૂલ મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું કે સરકાર સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તૈયાર છે. તેમણે કહ્યું કે જિલ્લા વહીવટીતંત્રને રાહત કેન્દ્રો અને આવશ્યક પુરવઠાની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. નાગરિકોને શાંતિ જાળવવાની અને સરકારી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
તમિલનાડુમાં પણ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને તુતીકોરિન વિસ્તારમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓએ માછીમારોને તરત જ કિનારે પરત ફરવાની સલાહ આપી છે.
પશ્ચિમ બંગાળમાં પણ “મોન્થા”નો પ્રભાવ જોવા મળી શકે છે. મંગળવારથી કોલકાતા, હાવડા, હુગલી, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 40 થી 60 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
બુધવાર અને ગુરુવારે ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, નાદિયા, મુર્શિદાબાદ અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે નાગરિકોને ચેતવણી જારી કરી છે કે તેઓ અનાવશ્યક રીતે બહાર ન નીકળે અને સલામતીના તમામ પગલાં ભરે.