SURAT

‘‘ઈન્ડિયન સાયકલ ફોર ચેન્જ ચેલેન્જ’’ યોજનામાં સ્માર્ટ સીટી સુરતનો પણ સમાવેશ

સુરત: શહેરી વિસ્તારોમાં પરિવહન માટે જે વાહનોનો ઉપયોગ થાય છે તેમાંથી સાયકલ (Cycle) સૌથી ઓછું પ્રદુષણ (Less pollution) કરનાર અને ઈકોનોમિકલ વાહન (Economical vehicle) છે. હાલમાં કરવામાં આવેલી એક સર્વે ઉપરથી એવું જાણવામાં આવ્યું છે કે, કોવિડના પેન્ડેમિક પછી સાયકલના ઉપયોગમાં ઘણો વધારો થયો છે. શહેરી પરીવહનમાં સાયકલનો ઉપયોગ વધે તો પ્રદુષણ, ટ્રાફિક જામ વગેરે જેવી ઘણી બધી સમસ્યાઓને ઓછી કરવામાં મદદરૂપ થઈ શકે છે.

શહેરી વિસ્તારમાં સાયકલનો ઉપયોગ વધરાવાના હેતુથી સરકારના જુદા જુદા વિભાગો દ્વારા પણ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા ‘‘ઈન્સપાયરિંગ ઈન્ડિયન સિટીઝ ટુ ઈમ્પ્લિમેન્ટ ક્વિક સાયકલિંગ ફ્રેન્ડલી ઈન્ટરવેન્શન ઈન ધ વેક ઓફ કોવિડ-19 ઈન કોલાબરેશન વીથ સિટિઝન એન્ડ આસિસ્ટન્ટ ફ્રોમ એક્સપર્ટ’’ મુખ્ય વિષય હેઠળ ‘‘ઈન્ડિયન સાયકલ ફોર ચેન્જ ચેલેન્જ’’ (Indian cycle for change challenge) લોન્ચ કરવામાં આવી હતી. જેમાં સુરત સહિત 113 શહેરો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જેમાં દેશભરમાંથી સુરત સહિત 25 શહેરોની પસંદગી થઈ હતી.

આ ચેલેન્જના ભાગરૂપે પાઈલોટ પ્રોજેકટ તરીકે ઉધના મગદલ્લા રોડ પર પ્રાયોગિક હંગામી ધોરણે સાયકલિંગ ટ્રેક માટે પોપ-અપ લેન બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. અને તે બાબતે સ્થાનિક રહિશોના પ્રતિભાવને ધ્યાને લઈને આ ચેલેન્જ અંતર્ગત સ્ટેજ-1 માં શોર્ટલિસ્ટ થવા માટે જરૂરી રિપોર્ટ પ્રોજેકટની કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેજ-1ની ફાયનલ યાદીમાં કુલ 25 શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરનો પણ સમાવેશ કરાયો હતો. પસંદગી થયેલા શહેરોને બુધવારે રૂા.1 કરોડ પ્રોત્સાહન રૂપે આપવામાં આવ્યા હતા.

ચેલેન્જ માટેની તૈયારીઓ મનપા દ્વારા શરૂ કરી દેવામાં આવી

આ ચેલેન્જ અંતર્ગત સુરત શહેર દ્વારા પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને કામગીરીના માર્ગદર્શન માટે કોર વર્કીંગ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, તકનીકી સંસ્થાઓના પ્રોફેસરો, શહેરના નામાંકિત આર્કિટેકટ, સુરત શહેરના બાયસીકલ મેયર , નેધરલેન્ડના ગ્લોબલ પ્રોગ્રામના પ્રતિનિધીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શહેરમાં હાલમાં 52 કિ.મીનો સાયકલ ટ્રેક છે

સુરત શહેરમાં જુદા જુદા તબકકે 52 કિ.મી.ના ડેડીકેટેડ સાયકલ ટ્રેક છે અને 5 કિ.મી. લંબાઈના સાયકલ ટ્રેક બનાવવાની કામગીરી ચાલે છે. હયાત સાયકલ ટ્રેકની ખામીઓ દુર કરી તેમાં સુધારા કરવામાં આવશે અને નવા સાયકલ ટ્રેકો ઉપયોગમાં મુકવામાં આવશે. શહેરીજનોને સાયકલ ઉપયોગ માટે પડતી મુશ્કેલીઓ દુર કરી વધુને વધુ લોકો સાયકલનો ઉપયોગ કરે તે માટે હજી પણ સઘન પ્રયત્નો સુરત મહાનગરપાલિકા ધ્વારા હાથ ધરવામાં આવે છે.

Most Popular

To Top