Gujarat

3 મહિનામાં 2500 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ

ગાંધીનગર: સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ અંતર્ગત ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના નાગરિકોને સાયબર સિક્યોર રાખવા અને વિવિધ સાયબર ગુનાઓના ડિટેલ એનાલિસિસ આધારે બેંકથી લઈ પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત બાબતો પર ચેકીંગ/ વેરિફિકેશન ડ્રાઇવ યોજી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે આ બેઠકનું આયોજન કરાયું હતું. છેલ્લા 3 મહિનામાં 2500 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ કરીને 60 જેટલા આરોપીની ધરપકડ કરીને તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

યોજાયેલી આ બેઠકમાં સીઆઈડી ક્રાઈમ ડીજીપી, પોલીસ કમિશનરો, તમામ રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડાઓ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ ડ્રાઇવ અંતર્ગત સાયબર ક્રાઈમ પ્રિવેન્શન અને ડિટેક્શનને વધુ વેગ આપવા અને તમામ એકમો વચ્ચેનું સંકલન મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. સંઘવીએ બેઠકમાં સ્પષ્ટ તાકિદ કરી હતી કે સાયબર ગુનેગારોને પકડવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવે તે જરૂરી છે. આ ડ્રાઇવનો હેતુ માત્ર નાણાં ટ્રાન્સફર કરનાર બેંકના મ્યૂલ એકાઉન્ટ ઓપરેટર સુધી જ નહીં, પરંતુ આ સમગ્ર નેટવર્કના આકાઓ સુધી પહોંચવાનો છે. આ ડ્રાઇવમાં રાજ્યના તમામ યુનિટ્સ અને તમામ પોલીસ સ્ટેશનોએ સક્રિયપણે જોડાવા આદેશ કરવામાં આવ્યો છે.

આ બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રી દ્વારા એક મહત્ત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે પોલીસ કાર્યવાહીમાં કોઈ નિર્દોષ નાગરિકને બિનજરૂરી હેરાનગતિ ન થાય. જે ખાતાધારકનું સાયબર ક્રાઇમમાં કોઈ કનેક્શન ન હોય, માત્ર ખાતામાં પૈસા આવ્યા હોય, તેમનું યોગ્ય વેરિફિકેશન કરવામાં આવે. નિર્દોષ નાગરિકો સાથે બિનજરૂરી હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા આદેશ આપવામાં આવ્યા છે.

Most Popular

To Top