સુરત: શહેરના જહાંગીરપુરા ખાતે રહેતી ધોરણ 12 ની વિદ્યાર્થિની (HSC Student)ને ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર મિત્રતા કેળવી એમેઝોનમાં ડિલીવરી બોયે (amazon delivery boy) પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં ફોટો મંગાવી તેના આધારે વાયરલ (photo viral) કરવાની ધમકી આપી ટુકડે ટુકડે 50 હજાર રૂપિયા પડાવ્યા હતા.
કંટાળી ગયેલી વિદ્યાર્થિનીએ જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે. જહાંગીરપુરા ખાતે રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીને વર્ષ 2019 માં ધ્રૃવ પ્રકાશભાઇ સુરતી (રહે. એ-૭, ફ્લેટ નં.૧૦૧, પહેલા માળે, જાનકી રેસીડેન્સી, ઉગત કેનાલ રોડ, જહાંગીરપુરા) એ ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કરી વિદ્યાર્થિની સાથે પોતાને પ્રેમ હોવાની વાતો કરી હતી. વાતો વાતોમાં વિદ્યાર્થિનીને તેના ફોટા ઇન્સ્ટાગ્રામ ઉપર મોકલવા કહ્યું હતું. જેથી ધૃવ ઉપર વિશ્વાસ કેળવી વિદ્યાર્થિનીએ પોતાનાં ફોટા મોકલ્યા હતા. ધૃવે તેના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરી હતી. જેથી ગભરાઈને ધૃવને બે વખત ઘરના સભ્યોની જાણ બહાર પોતાના બચતના 5-5 હજાર રૂપિયા આપ્યા હતા.
બાદમાં ધૃવને ઇન્સ્ટાગ્રામ ઉપર બ્લોક કરી દીધો હતો. ધૃવને ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરી દેતા તેને પોતાના મિત્ર કીર્તેશ (ઉ.વ.17) (નામ બદલ્યું છે) મારફતે વિદ્યાર્થિનીનો સંપર્ક કર્યો હતો. અને તેના ફોટા વાયરલ કરી દેવાની તથા તેના ગમે તે રીતે મારી નાંખવાની ધમકી આપી હતી. ગભરાયેલી વિદ્યાર્થિનીએ ટુકડે ટુકડે બે હજાર, ત્રણ હજાર, પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. બાદમાં બંનેને વોટ્સએપમાં તથા ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરી દીધા હતા. તેમ છતાં હેરાનગતિ ચાલુ રાખતા અંતે કંટાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બંનેને બ્લોક કરતાં વિદ્યાર્થિનીની પિતરાઈ મારફતે રૂપિયા પડાવ્યા
વિદ્યાર્થિનીએ બંને આરોપીઓને બ્લોક કરી દેતા તેમને વિદ્યાર્થિનીની કાકાની દિકરીનો સંપર્ક કર્યો હતો. અને તેને તેની પિતરાઈના ફોટા ધૃવ પાસે છે. જો તે ધૃવને પૈસા નહીં આપે તો તે વાયરલ કરી દેશે તેવી ધમકી આપી મેસેજ પહોંચતો કર્યો હતો. અને વિદ્યાર્થિની પાસે કુલ આશરે પચાસ હજારથી વધારે રૂપિયા પડાવ્યા હતા.
વિદ્યાર્થિની બંનેના ત્રાસથી ઘર છોડીને જતી રહી અને ઘટના સામે આવી
જહાંગીરપુરા ખાતે રહેતી ધોરણ-12 ની વિદ્યાર્થિનીએ સ્કૂલ ચાલુ થઈ ત્યારથી ઘણી વખત નોટબુકની અંદર તેની સાથે ભણતા કીર્તેશને રૂપિયા આપ્યા હતા. ઘરમાંથી ચોરી ચોરીને રૂપિયા આપી તે કંટાળી જતા ગઈકાલે ઘરેથી ચાલી ગઈ હતી. પરિવારે શોધખોળ કરી પોલીસને જાણ કરી હતી. પોલીસે તેને નજીકના ગાર્ડનમાંથી શોધી કાઢી હતી. અને ઘર છોડીને જવાનું કારણ પુછતા સમગ્ર ઘટના વર્ણવી હતી.