Business

અમદાવાદમાં ગેરકાયદેસર કોલ સેન્ટર પર સાઇબર ક્રાઇમ બ્રાંચનો દરોડો , 4 આરોપીઓ ઝડપાAયા, કેનેડાને નાગરિકોને ભયમાં રાખીને કરોડો ખંખેરી લેવાનો ખેલ ઝડપાયો

અમદાવાદ,તા.17
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી કેનેડાના નાગિરકોને ઠગતા ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાઇબર ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરીને ચાર આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે બે આરોપીઓ હાલ ફરાર છે.આ બન્ને આરોપીઓને પણ ઝડપી લેવાના પ્રયાસ ચાલી રહયા છે.

પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિત ડીસીપી લવીના સિન્હાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આરોપીઓ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ભાડાના મકાનમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા હતા. 14 માર્ચ 2025ના રોજ રાત્રે દરોડાની કાર્યવાહી દરમિયાન આ કોલ સેન્ટર ઝડપાયું હતું.

સાયબર ક્રાઈમ બ્રાન્ચના તપાસનીશ અધિકારીઓની તપાસમાં તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ “EYE BEAM” નામના VOIP (વોઈસ ઓવર ઈન્ટનેટ પ્રોટોકોલ )સોફ્ટવેરનો ઉપયોગ કરીને કેનેડાના નાગરિકોને ફોન કરતા હતા. તેઓ પોતાને કેનેડિયન રેવન્યુ એજન્સી (CRA)ના અધિકારી તરીકે ઓળખ આીપને કેનેડાના લોકોમાં ભય પેદા કરતા અને તેમની વ્યક્તિગત માહિતી મેળવી લેતા હતા. ત્યારબાદ, “RBC (Royal Bank of Canada)”ના TFSA એકાઉન્ટના નામે નાણાં ટ્રાન્સફર કરાવવા માટે દબાણ કરાતું હતું. આરોપીઓ નાગરિકોને તેમના IP એડ્રેસ હેક થઈ ગયાનો ભય બતાવી ઓળખ ચોરી (Identity Theft) અને ફ્રોડની વાત કરી FINTRAC જેવી સંસ્થાનો ઉલ્લેખ કરીને વિશ્વાસ જીતતા હતા. બાદમાં વિવિધ ગિફ્ટ કાર્ડ મારફતે નાણાં વસૂલવામાં આવતા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં કુશ શૈલેષ પટેલ, હર્ષ સુમનભાઈ પટેલ, આશુ પ્રવિણભાઈ પટેલ અને સુનિલ કમલસિંગ રાવતનો સમાવેશ થાય છે. ફરાર આરોપીઓમાં શિવાંગ ઘશમાના અને ફાલ્ગુન રમેશચંદ્ર પટેલના નામ સામે આવ્યા છે.પોલીસે આરોપીઓ પાસેથી 6 લેપટોપ, 5 મોબાઇલ ફોન, 4 અન્ય ફોન અને 9 ગિફ્ટ કાર્ડ જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂા. 3.19 લાખ જેટલી થાય છે.

આ મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો તેમજ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય સુત્રધાર ફાલ્ગુન પટેલ લાંબા સમયથી આવા ગેરકાયદેસર કોલ સેન્ટરનું નેટવર્ક ચલાવી રહ્યો હતો અને લોકોને નોકરીના બહાને જોડતો હતો. અગાઉ પણ આ પ્રકારના ગુનામાં તેની સંડોવણી સામે આવી ચૂકી છે.સાઇબર ક્રાઇમ બ્રાંચે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે અને અજાણ્યા કોલ અથવા સરકારી એજન્સી તરીકે ઓળખ આપતા વ્યક્તિઓને વ્યક્તિગત અથવા બેંકિંગ માહિતી ન આપવા સલાહ આપી છે.

Most Popular

To Top