સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (chamber of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત સેમિનાર (seminar)ને સંબોધતા મદદનીશ પોલીસ કમિશનર યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમ (cyber crime)ના મુખ્ય બે પ્રકાર છે. જેમાં સોશિયલ મીડિયા (social media) સંબંધિત ફ્રોડ અને ઓનલાઇન બેન્કિંગ ફ્રોડ (online banking fraud)નો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયા સંબંધિત ફ્રોડમાં સાયબર બુલિંગ, સાયબર સ્ટોકિંગ, આઇડેન્ટીટી થેફ્ટ અને ફેસબુક ઉપર ફેક આઇ.ડી. બનાવી બદનામ કરવા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ઓનલાઇન બેન્કિંગ ફ્રોડમાં ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ ફ્રોડ, ઓ.ટી.પી. ફ્રોડ, લોન ફ્રોડ, નોકરી અપાવવાના બહાને ફ્રોડ અને ઇ–કોમર્સ ફ્રોડ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસે આઇડેન્ટીટી થેફ્ટ, ફોટો મોર્ફિંગ, ફેક એકાઉન્ટ બનાવી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રો પાસેથી નાણાંની માંગણી કરવી અને ફેક લોભામણી જાહેરાતો મોકલીને કરવામાં આવતા સાયબર ક્રાઇમ વિશે માહિતી આપી હતી. નાણાકીય છેતરપિંડીના ર૩ જેટલા પ્રકાર હોય છે. જેમાં ઓ.ટી.પી. નંબર મેળવી કરવામાં આવતા ફ્રોડ, ઓ.ટી.પી. આપ્યા વગર થતા ફ્રોડ (કાર્ડ ક્લોનિંગ), લોન ફ્રોડ, નોકરી સંબંધી ફ્રોડ, લગ્ન માટે ઓનલાઇન જીવનસાથી શોધવા માટે થતા મેટ્રોમોનિયલ ફ્રોડ, ઇન્સ્યોરન્સ ફ્રોડ, ટાવર ઇન્સ્ટોલેશન ફ્રોડ, ઓનલાઇન શોપિંગ ફ્રોડ, લોટરી ફ્રોડ, ફોરેક્સ ટ્રેડિંગ, ટિકિટ બુકિંગ ફ્રોડ, ઓએલએક્સ ઉપર થતા ફ્રોડ, ફ્રેન્ડશીપ ક્લબ, પોઇન્ટ રિડિમ્સ, ફ્રેન્ચાઇઝી આપવાના બહાને અને પૈસા ડબલ કરવાના બહાને કરવામાં આવતા ફ્રોડનો સમાવેશ થાય છે.
વેપારીનો કાર્ડ સ્વેપ કરાવી સિમ મેળવતા પહેલાં 1 મહિના સુધી રેકી કરવામાં આવે છે
સાયબર ક્રાઇમના ગુના આચરતી ગેંગ દ્વારા સંબંધિત વેપારીની એકાદ મહિના સુધી રેકી કરવામાં આવે છે. ત્યારબાદ વેપારીના સિમને સ્વેપ કરાવી તેમના નામનું સિમ મેળવી તેમના મોબાઇલ સાથે જોડાયેલા બેંક એકાઉન્ટમાંથી નાણાંની ઉચાપત કરવામાં આવે છે. ચીટર ગેંગ મોટા ભાગે શુક્રવારે ગુનો આચરતી હોય છે. આવા કિસ્સામાં અમુક કલાકો સુધી મોબાઇલનું નેટવર્ક જતું રહે છે. વેપારીઓ સોમવાર સુધી રાહ જોતા હોય છે અને તે સમયગાળા દરમિયાન ગેંગ દ્વારા વેપારીના બેંક એકાઉન્ટમાંથી નાણાંની ઉચાપત કરી ગુનો આચરવામાં આવે છે. આથી જો અડધા કલાક માટે પણ મોબાઇલનું નેટવર્ક જતું રહે તો તુરંત જ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરનો સંપર્ક સાધવા પોલીસે વેપારીઓને અપીલ કરી હતી. પોલીસે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ગોપનિયતા સેટિંગ વિશે સમજણ આપી હતી.
મોટા ભાગે આ પ્રકારનો વ્યવસાય કરતા વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવે છે : યુવરાજસિંહ
વેપારીઓ સાથે મોટા ભાગે કેમિકલ/બિયારણ/ઓઇલ, ઇન્કમટેક્સ રિફંડ, કસ્ટમર કેર નંબર, સિમ સ્વેપિંગ, કે.વાય.સી. અપડેટ અને ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ સંબંધિત ફ્રોડ વધારે થાય છે. જુદાં–જુદાં કેમિકલ/બિયારણ/ઓઇલ તથા જુદી–જુદી દવાઓના વેચાણનો ધંધો સ્થાપવાના બહાને માલના એડ્વાન્સમાં રૂપિયા પડાવીને માલ નહીં મોકલી નાણાકીય છેતરપિંડી કરવામાં આવે છે. જેમાં વેપારીઓ સાથે રૂ.પ૦ લાખથી લઇને રૂ.૧ કરોડ સુધીના ફ્રોડ થાય છે. રેન્સમવેર ફ્રોડમાં વેપારીઓના કમ્પ્યૂટરમાં રહેલી ફાઇલોને એન્ક્રિપ્ટ કરી સિસ્ટમને એક સોફ્ટવેરને માધ્યમથી બ્લોક કરી દેવામાં આવે છે. ત્યારબાદ સિસ્ટમને ચાલુ કરવા માટે મોટી રકમની માંગણી કરવામાં આવે છે.
આવા પ્રકારના સાયબર ક્રાઇમનો ભોગ બનવાથી બચવા માટે પોલીસે ઇ–મેઇલમાં અજાણ્યા સ્તોત્ર તરફથી મોકલવામાં આવતી લિંક ઉપર ક્લિક કરવું ન જોઇએ. કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા ન હોવ ત્યારે ઇન્ટરનેટનું જોડાણ કાઢી રાખવાની સલાહ આપી હતી.