Gujarat

કોમન વેલ્થમાં ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેળવનાર સુરતના હરમીત દેસાઈને 35 લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર

ગાંધીનગર : કોમનવેલ્થ ગેઇમ્સ-ર૦રર (CWG2022) માં વિવિધ રમતોમાં મેડલ્સ (Medals) પ્રાપ્ત કરી ભારત અને ગુજરાતનું (Gujarat) વિશ્વમાં ગૌરવ વધારનારા ખેલાડીઓને આજે ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે કુલ રૂા. ૮૦ લાખના ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

મુખ્યમંત્રી અને રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કોમનવેલ્થ ગેઇમ્સ-ર૦રરમાં ટેબલ ટેનિસ રમતમાં ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ વિનર ગુજરાતના ખેલાડી હરમિત દેસાઇને રૂ. ૩પ લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કર્યો હતો. પેરા ટેબલ ટેનિસમાં સિંગલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત ભાવિના પટેલને રૂ. રપ લાખ, બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત દિવ્યાંગ ખેલાડી સોનલ પટેલને રૂ. ૧૦ લાખની પુરસ્કાર રાષિના ચેક અર્પણ કર્યા હતા. કોમનવેલ્થ ગેઇમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી ગુજરાતની બે પ્રતિભાવંત મહિલા ક્રિકેટર યાશિકા ભાટિયા અને રાધા યાદવને પ્રત્યેકને 5 લાખ રૂપિયા ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે અર્પણ કર્યા હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ઉપસ્થિત ખેલાડીઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ ખેલ-કૂદ રમત-ગમત માટે જે નવતર કદમ ઉઠાવ્યા છે અને પ્રોત્સાહનો આપ્યા છે તેનાથી દેશભરના દરેક ખેલાડીનો ઉત્સાહ વધ્યો છે. રમત-ગમત પ્રત્યે લોકોની દ્રષ્ટિ બદલાઇ છે અને દરેક રમતોમાં છેક ગ્રામિણ સ્તરે થી પણ પ્રતિભાવંત હોનહાર ખેલાડીઓ વિવિધ રમત-ગમતોમાં ભાગ લેતા થયા છે. એટલું જ નહીં, ભારત હવે રમત-ગમત સહિત હરેક ક્ષેત્રે વિશ્વમાં આગળ વધ્યું છે.
પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર પણ ખેલાડીઓને અદ્યતન તાલીમ, પ્રોત્સાહનો અને જરૂરી વ્યવસ્થાઓ પૂરી પાડી રાજ્યના ખેલાડીઓ વિશ્વસ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તે માટે તેમની પડખે ઊભી રહી છે. મુખ્યમંત્રીએ આ વિજેતા ખેલાડીઓને ઉજ્જવળ કારકીર્દી અને વધુ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટેની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેઇમ્સમાં આ વખતે ભારત ટોપ-પ માં સ્થાન પામ્યું છે અને ગુજરાતના ખેલાડીઓએ પોતાના ઉજ્જવળ દેખાવ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે ભારતના વિજય વાવટા વિશ્વના ખેલાડીઓ સમક્ષ લહેરાવ્યા છે. રાજય સરકારે રમત-ગમત ક્ષેત્રના બજેટમાં વધારા સહિત ખેલાડીઓ માટે અનેકવિધ સુવિધાઓ આપી છે.

આવનારા દિવસોમાં ૩૬મી નેશનલ ગેઇમ્સનું યજમાન બનવા પણ ગુજરાત સજ્જ છે અને નવરાત્રિના દિવસોમાં યોજાનારા આ રમતોત્સવમાં દેશના વિવિધ રાજ્યોના ખેલાડીઓ રમતો સાથે સાથે ગુજરાતની આગવી સાંસ્કૃતિક ઓળખ સમા ગરબા પણ માણી શકે તેવું આયોજન થઇ રહ્યું છે. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે સૌને સ્વાગત પ્રવચનથી આવકાર્યા હતા.

Most Popular

To Top