ગાંધીનગર : અરબી સમુદ્રમાં આકાર પામેલું બિપોરજોય વાવાઝોડુ (Biporjoy storm) હાલમાં મુંબઈથી (Mumbai) 620 કિમી અને પોરબંદરથી (Porbandar) 580 કિમી દૂર રહેલુ છે. સ્કાયમેટ તથા હવામાન વિભાગના કહેવા મુજબ આ વાવાઝોડુ પ્રતિ કલાકના 3 કિમી જેટલુ અંતર કાપીને આગળ વધ્યુ છે. આગામી 12 કલાકમાં તે તીવ્રથી વધુ તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈને આગળ વધશે. એટલુ જ નહીં બુધવારે પોરબંદર – ઓખા – જખૌ તથા નલિયાનો ઘસરકો મારીને કરાંચી ઉપર ત્રાટકશે. પોરબંદર તથા નલિયા નજીક આવે ત્યારે તેની ગતિ પ્રતિ કલાકના 155 થી 195 કિમીની ઝડપ રહેશે.
હવામાન વિભાગે બહાર પાડેલા બૂલેટિન મુજબ , તા.11મી જૂને બિપોરજોય વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ગતિ 45થી 65 કિમીની રહેશે. જયારે 12થી 15મી જૂન દરમ્યાન વાવાઝોડાની ગતિ 45 થી 60 કિમીની રહેશે. સૌરાષ્ટ્રના સાગરકાંઠે દરિયો તોફાની રહેશે, જેના પગલે તા.15મી જૂન સુધી માછીમારોએ દરિયો ખેડવા જવુ નહીં તેવી ચેતવણી ઈશ્યુ કરાઈ છે.
આ વાવાઝોડુ ઓખા – પોરબંદર, જખૌ તથા નલિયાને ટકરાઈને કરાંચી તરફ ફંટાઇ તેવી સંભાવના છે. વાવાઝોડું નજીક આવતા ગુજરાત પર તેજ ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ભારે વરસાદ લાવે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર તથા કચ્છના દરિયાકાંઠે બંદર પર ભયજનક સિગ્નલ લગાવી દેવાયા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ હવે રાજયમાં આગામી તા.14મી જૂન સુધી પ્રતિ કલાકના 45 થી 60 કિમી ઝડપે પવન ફૂંકાવવા સાથે વરસાદ થશે. જેમાં અમદાવાદ , આણંદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, ગીર સોમનાથ દીવ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર , રાજકોટ, જામનગર અને દ્વારકા સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
અમદાવાદ એરપોર્ટ પર આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે આજે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 41 ડિ.સે., ડીસામાં 40 ડિ.સે., ગાંધીનગરમાં 41 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિ.સે., વડોદરામાં 39 ડિ.સે., સુરતમાં 36 ડિ.સે., વલસાડમાં 35 ડિ.સે., ભૂજમાં 39 ડિ.સે., નલિયામાં 36 ડિ.સે., કંડલા એરપોર્ટ 41 ડિ.સે., અમરેલીમાં 41 ડિ.સે, ભાવનગરમાં 40 ડિ.સે., રાજકોટમાં 42 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 43 ડિ,સે., અને કેશોદમાં 38 ડિ.સે. જેટલું મહત્તમ તાપમાન નોંધાયુ હતું.