SURAT

સુરત કોર્ટમાં ક્રૂરતા! ભરણપોષણના કેસ વચ્ચે પતિએ પત્ની પર એસિડ ફેંક્યું

સુરત શહેરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની ફેમિલી કોર્ટમાં ભરણપોષણના કેસ દરમિયાન જ એક વૃદ્ધ પતિએ પોતાની પત્ની પર એસિડ ફેંકી દેતાં કોર્ટ પરિસરમાં ભારે હડકંપ મચી ગયો હતો. આ ઘટના સુરત જિલ્લા સેવા સદનના પાંચમા માળે આવેલી કોર્ટ નં. 6માં બની હતી, જ્યાં બંને પતિ-પત્ની કાયદાકીય કાર્યવાહી માટે હાજર રહ્યા હતા.

વકીલો પાસેથી મળતી માહિતી મુજબ પતિ અને પત્ની વચ્ચે લાંબા સમયથી ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હતો.આજે પણ બંને કોર્ટમાં હાજર રહ્યા હતા અને સુનાવણીની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન પત્ની આગળની હરોળમાં બેઠી હતી, જ્યારે પતિ તેની પાછળ બેઠેલો હતો. અચાનક પતિએ પોતાના પાસે રાખેલી બોટલમાંથી એસિડ કાઢીને પત્ની પર ફેંકી દીધું.આકસ્મિક બનેલી આ ઘટનાથી કોર્ટરૂમમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મહિલાના ચહેરા પર એસિડ પડતા તેને ગંભીર બળતરા થઈ હતી અને એક આંખ પર તેની અસર જોવા મળી હતી. તેની આસપાસ બેઠેલા કેટલાક વકીલો અને લોકો પર પણ એસિડના છાંટા પડ્યા હતા, જેને કારણે થોડીવાર માટે બળતરા અનુભવાઈ હતી.

જો કે પત્ની પર અટેક કરવા પહેલા આરોપી વૃદ્ધે પોતે પણ ઝેરી દવા પી લીધી હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં કોર્ટ સ્ટાફ અને હાજર લોકો તરત જ દોડ્યા અને બંનેને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર બંનેની ઉંમર અંદાજે 65 થી 70 વર્ષની આસપાસ હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાના સાક્ષી બનેલા કેટલાક વકીલોનું કહેવું છે કે શરૂઆતમાં શું બન્યું તે સમજાયું નહોતું, પરંતુ થોડા જ સમયમાં ચીસો અને બળતરા થવાથી સમગ્ર ઘટનાની ગંભીરતા સામે આવી હતી.

આ બનાવ બાદ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સ્થળ પરથી એસિડ ભરેલી બોટલ સહિતના પુરાવા જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા અંગે પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

Most Popular

To Top