હાલમાં બ્રિટનમાં એક બાબતે ખૂબ ચર્ચા ચાલી રહી છે અને તે એ કે આ વિકસીત અને જાગૃત ગણાતા દેશમાં સરકારી હોસ્પિટલોમાં બે દાયકામાં હજારો લોકોને દૂષિત કે ચેપગ્રસ્ત લોહી ચડાવી દેવામાં આવ્યું હતું. બ્રિટનમાં ૧૯૭૦થી ૧૯૯૦ના દાયકાની શરૂઆત સુધીના સમયમાં જેમને લોહી ચડાવવાની જરૂર હતી તેવા હજારો દર્દીઓને ચેપગ્રસ્ત કે દૂષિત લોહી ચડાવી દેવાયું હોવાનું અને સંખ્યાબંધ લોકોને દૂષિત બ્લડ પ્રોડક્ટ અપાઇ હોવાનું બહાર આવ્યું છે અને આ સિલસિલાને કારણે ત્રણ હજાર જેટલા લોકોનાં મોત થયા હોવાનું અને બીજા અન્ય ઘણા લોકો આજીવન બિમારીથી ગ્રસ્ત થઇ ગયા હોવાનું જણાયું છે. એક વિસ્તૃત તપાસમાં આ વાત બહાર આવી છે. આ કૌભાંડ ત્યાં દૂષિત લોહી કૌભાંડ તરીકે જાણીતું બન્યું છે.
યુકેના દૂષિત લોહી કૌભાંડની તપાસ કરવા માટે બેસાડાયેલા તપાસ પંચના હાલમાં બહાર આવેલા તારણો જણાવતા હતા કે લોહીની જરૂરિયાત ધરાવતા ઘણા લોકોને એચઆઇવી કે કમળા જેવી બિમારી ધરાવતા રક્તદાતાઓનું લોહી ચડાવી દેવાયું હતું. ૧૯૭૦થી ૧૯૯૦ની દાયકાની શરૂઆત સુધીમાં આ સિલસિલો ચાલ્યો હતો. આને બ્રિટનની સરકાર સંચાલિત નેશનલ હેલ્થસર્વિસ(એનએચએસ)ના ઇતિહાસમાંની સૌથી ઘાતક હોનારત મનાય છે.
એનએચએસની સ્થાપના ૧૯૪૮માં થઇ હતી. આ સમયગાળામાં બ્રિટનમાં એક પછી એક સરકારો આવી પણ આ કૌભાંડ ચાલતું રહ્યું. તપાસ પંચના વડા એવા ભૂતપૂર્વ જજ બ્રિયાન લેંગસ્ટાફે એક પછી એક આવેલી સરકારો અને તબીબી વ્યવસાયિકોને આ કરૂણાંતિકા રોકવામાં નિષ્ફળતા બદલ વખોડ્યા હતા. આ કોઇ અકસ્માત ન હતો. ડોકટરો, બ્લડ સેવાઓ અને એક પછી એક આવેલી સરકારોએ દર્દીઓની સુરક્ષાને પ્રાથમિકતા નહીં આપી હતી એમ જજે કહ્યું હતું.
હવે લોહી કૌભાંડની તપાસ કરતા પંચનો અહેવાલ સરકારને સુપ્રત કરાયા બાદ હાલના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે આમાં અગાઉની સરકારો અને એનએચએસની બેદરકારી અંગે હાલમા દેશની માફી માગી હતી. સંસદના નીચલા ગૃહ આમસભાને સંબોધન કરતા સુનકે આને બ્રિટન માટે શરમનો દિવસ ગણાવ્યો હતો જ્યારે આટલા શરમજનક કૌભાંડની વિગતો બહાર આવી હતી. આ સમયે સંસદમાં કૌભાંડનો ભોગ બનેલાઓના કેટલાક સગાઓ પણ હાજર હતા. જો કે આ લોહી કૌભાંડનો ભોગ બનેલાઓના અનેક કુટુંબો હવે સરકાર પર દાવો માંડવાની તૈયારી કરી રહ્યા છે.
યુકેમાં સેંકડો લોકો દૂષિત રક્તથી સંક્રમિત છે અને સંક્રમિત લોકોના સંબંધીઓ નુકસાની માટે આરોગ્ય સચિવ પર દાવો કરવાની યોજના સાથે આગળ વધી રહ્યા છે, જેઓ વળતર અંગેની સરકારની જાહેરાતથી અસંતુષ્ટ છે. લગભગ 500 લોકો દ્વારા સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેણે વ્યક્તિગત ઈજા અથવા નુકસાનને રોકવા માટે વાજબી કાળજી લેવાની ફરજનો ભંગ કર્યો છે. આ લોકો બ્રિટિશ સરકાર પર દાવો માંડવાની તૈયારી કરી રહ્યા છે. આમ તો 2017 માં હિલચાલ શરૂ થઇ હતી પરંતુ કૌભાંડની તપાસ બાકી હોવાથી તેઓ અટકી ગયા હતા પણ હવે હવે જંગી દાવો માંડશે એમ જણાય છે. આપણે આપણી સિવિલ હોસ્પિટલોની છાસવારે ટીકા કરતા હોઇએ છીએ પણ બ્રિટન જેવા વિકસીત ગણાતા દેશની સરકાર સંચાલિત એનએચએસની હોસ્પિટલોમાં પણ આવું થઇ શકે છે.