સુરત (Surat) શહેરમાં કોરોના સક્રમિત દર્દી(covid patient)ઓ માટે રામબાણ સમાન જે રેમડેસિવિર ઈન્જેક્શન(remdesivir injection)ની હાલમાં અછત વર્તાય રહી છે તેનો કાળા બજાર (black marketing) થતો હોવાનું સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ(crime branch police)ને ધ્યાને આવતા વોચ ગોઠવીને પાંચ કાળાબજારીયાને ઝડપી પાડ્યા હતા, અને સમગ્ર કૌભાંડ(scam)નો પર્દાફાશ કરી 12 ઇન્જેક્શન અને તેના વેચાણની રોકડ મળી કુલ રૂ. 2.89 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં ખાસ નવી સિવિલ હોસ્પિટલ(new civil hospital)માં ઇન્જ્કેશન મંગાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે.
સુરતમાં કેટલાક ઈસમો દ્વારા આફતને પણ અવસરમાં તબદીલ કરીને સિવિલમાં જે રેમડેસિવિર ઈન્જેક્શનની બોલબાલા હતી, અને ગુજરાતભરમાં જેના માટે એક સમયે રાજકારણ પણ ગરમાયુ હતું તેની કાળાબજારી શરૂ કરી હતી, અને સુરતની સિવિલ હોસ્પિટલમાં આ ઇન્જેક્શન દીઠ 12000 રૂપિયાની કિંમતે વેચીને દર્દીના સગાને લૂંટી લેનારને સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જેમાં શહેરની ક્રાઇમ બ્રાંચ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે પરવટ પાટીયા સ્થિત વિજય મેડીકલમાં પ્રથમ વોચ ગોઠવી બાદમાં દરોડા પાડયા હતા. જેમાં કાળા બાજરી કરનાર આરોપી કલ્પેશ રણછોડ મકવાણા (ઉ.વ. 23 રહે. એ 386, સીતારામ સોસાયટી, પુણાગામ), પ્રદીપ ચકોરભાઇ કાતરીયા (ઉ.વ. 21 રહે. 71, મુક્તિધામ સોસાયટી, પુણાગામ), શૈલેષ જશાભાઇ હડીયા (ઉ.વ. 29) અને તેના ભાઇ નિતીન જશાભાઇ હડીયા (ઉ.વ.25 બંને રહે. 78, લક્ષ્મીપાર્ક સોસાયટી, ગોડાદરા)ને ઝડપી પાડતા તેમની પાસેથી 12 જેટલા ઇન્જેક્શન પણ કબ્જે લીધા હતા.
ઉલ્લેખનીય છે કે પોલીસે આ તમામની પુછપરછ કરતા રેમડેસિવિર ઈન્જેક્શન કોઈક યોગેશ બચુભાઇ કવાડ પાસેથી રૂ. 4 હજારમાં ખરીદી જરૂરિયાતમંદ દર્દીના સગાને રૂ. 12 હજારમાં વેચતા હોવાની કબૂલાત કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પુણા ગામમાં નિત્યા મેડીકલ સ્ટોર ચલાવતા યોગેશ કવાડ (રહે. સંતોષીનગર, પુણાગામ) અને વિવેક હિંમત ધામેલીયા (ઉ.વ. 29 રહે. બી 103, સૌરાષ્ટ્ર પેલેસ, ઉત્રાણ, મોટા વરાછા)ને ઝડપી પાડી તેમની પાસેથી રેમડેસિવિર ઈન્જેક્શન 12 નંગ અને ઈન્જેક્શન વેચાણના રોકડા રૂ. 2.45 લાખ તથા 5 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 2.89 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ જે ઇન્જેક્શન માટે લોકો કાગ ડોળે રાહ જોઈ પોતાના સ્વજન માટે લાંબી કતારો લગાવી બેઠા છે એજ ઈન્જેક્શનની કાળાબજારી થઇ રહી હોય ત્યારે આ ઇન્જેક્શન આ લોકો પાસે ક્યાંથી આવ્યા એ પણ એક પ્રશ્નાર્થ છે. કારણ કે થોડા સમય પહેલા સુરતમાં કલેકટરે ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન આપવાની મનાઈ ફરમાવી હતી, તો બીજેપી કાર્યાલય ઉપર પણ બારોબાર સગેવગે થવાની ફરિયાદના પગલે વિતરણ બંધ કરાયું હતું.